Sensex

વિગતવાર સમાચાર

વધતી જતી દરિયાઈ જળસ૫ાટી દુનિયાના ઘણાં વિસ્તારોને ડૂબાડશે... પ્રલય અથવા કયામતનો સંકેત ?

                                                                                                                                                                                                      

છેલ્લા કેટલાક વર્ષોથી ઋતુચક્ર જાણે બદલાઈ ગયું હોય તેમ શિયાળો, ઉનાળો અને ચોમાસાની સમય સારણીમાં બદલાવ આવી રહ્યો છે અને વરસાદની પેટર્ન પણ બદલાઈ રહી છે. ગરમી વધી રહી છે અને શિયાળો ટૂંકો થઈ રહ્યો હોય તેમ જણાય છે. જે વિસ્તારમાં વરસાદની તંગી રહેતી હતી, ત્યાં વરસાદનું પ્રમાણ વધી ગયું હોય અને જ્યાં અતિવૃષ્ટિ થતી રહેતી હોય તેવા પ્રદેશોમાં દુષ્કાળ પડતા હોય, તેવા બદલાવ પર્યાવરણ, પૃથ્વી અને સમગ્ર જીવસૃષ્ટિ પર આડી અસરો ઊભી કરી રહ્યા છે અને માનવજિવન તથા પ્રાકૃતિક પરિસ્થિતિઓ પર વિપરીત અસરોના કારણે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ રહી છે.

એક પર્યાવરણ અને પ્રકૃતિના ક્ષેત્રે કાર્યરત સંસ્થા કલાઈમેટ સેન્ટ્રલના રિપોર્ટ મુજબ ગ્લોબલ વોર્મિંગ તથા કલાઈમેટ ચેઈન્જના કારણે દરિયાઈ સ્તર ઝડપથી વધશે, જે સમગ્ર વિશ્વને અસર કરશે. પૃથ્વીનું વાતાવરણ બદલી રહ્યું છે અને દરિયાની જળસપાટી ધીમે ધીમે વધી રહી છે, જેના કારણે દુનિયાના દરિયાકાંઠે વસેલા અને ઝડપભેર વિસ્તરી રહેલા મોટા મોટા શહેરોમાં દરિયાઈ પૂરની સમસ્યા ઊભી કરશે. આ રિપોર્ટ મુજબ ગ્લોબલ વોર્મિંગ અને કલાઈમેટ ચેઈન્જના કારણે તથા ગ્લેશિયરો પીગળવાથી વધી રહેલી દરિયાઈ જળસપાટી થોડા દાયકાઓ પછી દરિયાકાંઠાના ઘણાં બધા વિસ્તારોને ડૂબાડી શકે છે, એટલું જ નહીં, ભારતના મુંબઈ અને કોલકાતા સહિત ઘણાં શહેરોમાં દરિયાઈ પાણી ઘૂસી જતાં ભારે તબાહી સર્જાઈ શકે છે.

આપણે નાનપણથી શિખતા આવ્યા છીએ કે પૃથ્વીનો મોટો ભાગ ખારા જળનો દરિયો ધરાવે છે, જ્યારે જે જમીન છે, તેમાં વસ્તી વધારાના કારણે જે પ્રાકૃતિક અસમતુલન ઊભું થઈ રહ્યું છે, અને ગ્લોબલ વોર્મિંગના કારણે પ્રાકૃતિક સ્વરૂપ બદલી રહી છે, તે ખતરનાક બની શકે છે. આ માટે જો સમયોચિત સતર્કતા નહીં આવે તો પૃથ્વી પર પ્રલય અથવા કયામતની જે સંભાવનાઓ પ્રાચીન શાસ્ત્રો અને વર્તમાન માન્યતાઓમાં વર્ણવવામાં આવે છે, તેવી સ્થિતિ વહેલી ઊભી થઈ શકે છે.

એ રિપોર્ટ મુજબ તો પૃથ્વી પરના મોટા મોટા શહેરોની ગણતરી કરીને દરિયાઈ સપાટી વધવાથી વર્ષ ૨૦૫૦ સુધીમાં ભારતના નવી મુંબઈ તથા વિકસિત કોલકાતા જળમગ્ન થઈ શકે છે, તેવી શક્યતાઓ ગણાવાઈ રહી છે, અને સાડાત્રણ કરોડથી ચાર કરોડ લોકો ડૂબી જાય, તેવી સંભાવના જણાવાઈ રહી હતી, પરંતું પ્રવર્તમાન સ્થિતિ તથા ઋતુચક્રમાં રહેલા બદલાવ મુજબ તો દરિયાકાંઠાના ઘણાં બધા વિસ્તારો જળમગ્ન થઈ શકે છે અને ડૂબી જનાર લોકોની સંખ્યા ઘણી વધુ સંભવી શકે છે. આ ઝડપી શહેરીકરણ તથા આર્થિક વિકાસની સિક્કાની બીજી બાજુ છે, જેની સામે અત્યારે સરકારે તથા વૈશ્વિક સંગઠનો તથા સંયુક્ત રાષ્ટ્ર સંઘ પણ આંખ આડા કાન કરી રહ્યા હોય તેમ જણાય છે.

આ અમેરિકન સંસ્થા ઉપરાંત નાસાના એક અન્ય રિપોર્ટ મુજબ તો થોડા દાયકાઓ પછી જ ભારતમાં જ મુંબઈ-કોલકાતા જેવા દરિયાકાંઠે આડેધડ વિકસેલા મહાનગરોના ત્રણ-ચાર કરોડ લોકોનું તત્કાળ સ્થળાંતર કરવું પડશે. શટલ રડાર ટોપોગ્રાફી મિશન દ્વારા હાથ ધરાયેલા અભ્યાસ મુજબ દરિયાઈ સ્તર વધવાથી એક મોટી માનવતાવાદી કટોકટી ઊભી થશે, જે વિકાસના માચડાઓને હડપ કરી જશે, અને અનેક શહેરોની સુરત જ બદલાઈ જશે, અને કેટલાક વિસ્તારો તો જળમગ્ન થઈ જશે.

આપણે ઘણી વખત સાંભળીએ છીએ કે દ્વારકાનો દરિયો થોડો-થોડો વધી રહ્યો છે, મતલબ કે થોડા દાયકાઓ પહેલા હતો ત્યાંથી દરિયો ધીમે-ધીમે જમીનને ડૂબાડી રહ્યો છે. દરિયાની જળસપાટી ભલે મીલિમીટર કે સેન્ટિમીટરના માપથી વધી રહી હોય, પરંતુ તેને તદૃન અવગણી શકાય તેમ નથી.

ઉક્ત રિપોર્ટ મુજબ ગુજરાતના પણ કેટલાક દરિયાઈ વિસ્તારો પર કેટલાક દાયકાઓ પછી ડૂબી જવાનો ખતરો મંડરાઈ રહ્યો છે, એ રિપોર્ટમાં સુરત શહેર પણ ભયંકર દુર્ઘટનાઓનો સામનો કરી શકે છે, તેવો ઉલ્લેખ છે.

તદુપરાંત ઓડિશાના પારાદીપ અને ઘંટેશ્વર જેવા દરિયાકાંઠાના વિસ્તારોના લાખો લોકો દરિયાઈ પૂરનો ભોગ બનશે અને કેટલાક દરિયાકાંઠાના વિસ્તારો ડૂબી જશે, તેવો ઉલ્લેખ પણ એ રિપોર્ટમાં થયો હતો. વર્ષ ૨૦૧૮માં દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આવેલા પૂરના કારણે દોઢ કરોડ લોકો પ્રભાવિત થયા હતા, તે પછી પ્રતિવર્ષ થતા રહેતા સ્ટડીના આધારે એવું કહેવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૫૦ સુધીમાં દરિયાકાંઠે સમુદ્રની જળસપાટીમાં થનારા વધારાના કારણે એશિયા પેસિફિક વિસ્તારના ૭ સહિત વિશ્વના ૧૦ દેશો સૌથી વધુ પ્રભાવિત થશે. આ  મુદ્દો હવે ગ્લોબલ ચિંતાનો વિષય બન્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial