Sensex

વિગતવાર સમાચાર

'કાયમી કિડનેપ' થયેલો એટલે પતિ

                                                                                                                                                                                                      

''બંદૂકમાંથી નીકળેલી ગોળી અને ટ્યુબમાંથી નીકળેલી પેસ્ટ ક્યારેય પાછી જતી નથી''. તાળીઓના ગડગડાટ સાથે લોકોએ આ વાક્યને વધાવી લીધું.

ચુનિલાલ વધારે જોશમાં આવી ગયા અને બીજો પંચ ઠપકાર્યો. ''કડવા બોલેલા શબ્દો અને કંજૂસ માણસની મફતની પીધેલી ચા ભવિષ્યમાં પોતાને જ નુકસાન કરે છે તે નિર્વિવાદ છે''. લોકો ચુનિયાના જ્ઞાન પર ઓવારી ગયા.

હકીકતમાં જે વાક્ય બોલાતા હતા તેમાં પહેલું વાક્ય સનાતન સત્ય સ્વરૂપે અને સાથે જોડાયેલું બીજું વાક્ય અનુભવ સિદ્ધ વાક્ય બોલાયુ હતું.

અમારા ચુનિલાલને આવા ઓઠા એટલે કે દાખલા દેવા બહુ ગમે. અને તે સામાન્ય રીતે કહેવતની સાથે પોતાનો અનુભવ જોડી અને ગોફણીયાની જેમ ફેંકે. મને પાછો તે સમજાવે પણ ખરો મને કહે મિલનભાઈ ''કહેવત છે ને કે ચા બગડે તેની સવાર બગડે,દાળ બગડે તેનો ટંક બગડે, અને બૈરી બગડે એનો દિવસ બગડે.''

મેં તરત જ કહ્યું કે અડધું તો મેં સાંભળ્યું છે અડધું તારી પાસેથી સાંભળી રહ્યો છું.

''અનુભવવાણી મિલનભાઈ, ચા બગડવાનું કારણ પણ હું તમને જણાવું. રાત્રે મોડામાં મોડા ૧૧ વાગ્યે ઘરે આવી જવું તેવી સૂચના અવગણી અને મોડા મોડા ઘરે પહોંચ્યા હો અને તેની ઊંઘ બગાડી હોય તો રાત્રે તમને કશું ના કહે પરંતુ તેની ઇફેક્ટ સવારે ચા સ્વરૂપે આવે. જે વાયા ભંગાર ભોજન, બે વખતનું સોરી અને ગીફ્ટ સાથે પતે.

પુરૂષ ગુસ્સામાં આવી અને શબ્દો મોઢામાંથી કાઢી નાખે પછી તેના મનમાં પણ ન હોય. ત્યારે બહેનો એવું નથી કરતા તેઓ મૌન રહી અને અસરકારક ગોરીલા પદ્ધતિથી યુદ્ધ લડે છે.અને સરકારના પાયા હચમચાવી નાખે છે. તેઓને સરકાર પાડવામાં રસ નથી હોતો. કારણ કે સરકારને જેમ કહે તેમ સરકાર કરતી હોય તો પછી તેને પાડવાનો અર્થ શું? પરંતુ વખતો વખત ટેકાની તાકાત શું છે તે સરકારને અનુભૂતિ જરૂર કરાવે.

વધારે ઈમોશનલ થઈ જાય તે પહેલા બાબા ચુનીને મેં પૂછી નાખ્યું કે 'ચુનિલાલ બંદૂકની ગોળી પાછી ન જાય એ તો સાંભળ્યું છે પણ આ પેસ્ટ વાળું સમજાયું નહીં.'

મને કહે મિલનભાઈ તમે પેસ્ટની ટ્યુબ જોઈ હશે પણ પેસ્ટનો ડબ્બો જોવો હોય તો ચાલો મારા ઘરે.

મારા ઘરમાં જે કાંઈ પણ ખોટું થાય કે નુકસાન થાય તેના માટે જવાબદાર શાહબુદ્દીન સાહેબના વનેચંદની જેમ હું જ હોવું છું તેવું મારી પત્નીનું દૃઢપણે માનવું છે.

રૂમમાં ચારે બાજુ બાબા આરામદેવની બનાવેલી પેસ્ટ ઢોળાયેલી અને સૌથી પહેલા જાગતા મારા પત્નીએ તરત જ પહેલા મને શાબ્દિક પોંખી લીધો. ત્યાર પછી શારીરિક પ્રહારનો પહેલો પાઠ શરૂ થયો કે તરત જ મેં કહ્યું કે છે શું? શું કારણે મને શાબ્દિક અને શારીરિક ખખડાવવામાં આવી રહ્યો છે?

તમારે રાતમાં ચાલવાની આદત છે ચશ્મા વગર ઓછું દેખાય છે આ પેસ્ટ નીચે પડી ગઈ હોય તો તેના પર પગ મુકવાથી આ રૂમમાં ચારે બાજુ પેસ્ટ નીકળી અને ઢોળાય ગઈ છે.

આ મહેમાનવાળું ઘર છે અને હમણાં એક પછી એક લોકો ઉઠશે અને દાંત ઘસવા માટે પેસ્ટ માગશે તો મારે શું કરવું? મેં તરત જ કહ્યું કે જ્યાંથી ઢોળાવવાની શરૂઆત થઈ ત્યાંથી થોડી થોડી બ્રશ પર લગાડતા જાવ. પરંતુ મેં રૂમમાં જોયું તો ગોળ ફરતા પેસ્ટ નીકળી અને ઢોળાયેલી.

મેં તરત જ સીઆઈડીના પ્રદ્યુમનની જેમ બરણીનું ઢાંકણું ખોલતા હોય તેમ ગોળ ગોળ હાથ ફેરવી પત્નીને કહ્યું કે ''થોડોક બુદ્ધિનો પ્રયોગ કર મારા પગ નીચે આવી હોય તો આવી રીતે હું થોડો ગોળ ગોળ ફરી અને આ રંગોળી બનાવુ.'' પરંતુ મારી પત્નીનો ગુસ્સો મારા પર ચરમસીમાએ હતો. બોલાચાલીમાં મારા સાળા સાહેબનો ૨ વર્ષનો કુંવર દુખાવાની ટ્યુબ લઈ અને જેમ પેસ્ટની રંગોળી કરેલી તેમ બીજા રૂમમાં દુખાવાની ટ્યુબની રંગોળી ચાલુ કરી. મારી અને તમારી ભાભીની ચાર આંખોએ એ જોયું અને બધું સમજાઈ ગયું. મારી ઉપર કેટલો ગુસ્સો હતો એટલો જ પ્રેમથી ભાણેજને ગળે વળગાડી મને સૂચના આપી કે ''આ બધી પેસ્ટ પાછી ટ્યુબમાં નાખી દો''. ચાર કલાક મથ્યો પરંતુ છેલ્લે મોટા મોઢાની એક ડબ્બીમાં પેસ્ટ ભરી.

આગળ કંજૂસની ચા વિશે પૂછો તે પહેલા કહી દઉં કે જેની તમે દસ રૂપિયાની ચા તેની મરજી વિરુદ્ધ તેણે પીવડાવી હોય તો હર હંમેશ એવા પ્રયત્નોમાં રહે કે તમારી પાસેથી રૂપિયા ૧૦૦ વસુલ થાય. મેં તરત જ કહ્યું કે ચુનિયા આ દાખલાની જરૂર નથી આજે હું પાકીટ ભૂલી ગયો છું અને અત્યારની ચાના પૈસા તારે જ ચૂકવવાના છે. ખલ્લાસ ફુલેલા મોઢાવાળા ટ્રમ્પ ખાટા ઢોકળા ખાઈ ગયા હોય અને વધારે ફૂલી જાય પછી જેવડું મોઢું થાય એવડું મોઢું કરી મારી સામે જોયું. વાતની ગંભીરતા જોઈ અને મેં તરત જ કહ્યું કે પછી હું આપી દઈશ. તરત જ તેણે બીજી ચાનો ઓર્ડર આપ્યો.

જગતમાં અનુભવ લેવા માટે ક્યાંય બહાર જવું પડતું જ નથી. જેમ ગુંદા સાથે ઠળિયો જોડાયેલો જ હોય તેમ ઘરમાંથી અને આજુબાજુ મિત્ર વર્તુળમાંથી આવું ઘણું જ્ઞાન જોડાયેલું જ હોય.

વિચારવાયુઃ- અનુભવ ઉંડાણથી સમજાવે છે. જેમ શાંત પાણી ઊંડા હોય છે તેમ ઘરવાળીના ભાઈઓ ગુંડા અને ઊંડા હોય છે.

મિલન ત્રીવેદી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial