
આજથી આખું વર્ષ વિશ્વ માનવ એકજુથતા દિવસ ઉજવવાની જરૂર...
ગુજરાતીમાં એક કહેવત છે કે, 'ઘેર-ઘેર માટીના ચૂલા' એટલે કે નાની-મોટી તકરારો તો બધાના ઘરમાં ચાલતી હોય છે, અથવા તો બધાના ઘરે સમાન રીતે થતી કોઈ પ્રવૃત્તિઓ માટે આ શબ્દોપ્રયોગો સાથેની કહેવત વપરાય છે, અને પરિવાર, સમાજ, સંગઠન અને દેશથી લઈને વિશ્વ સમુદાય સુધી નાની નાની બાબતોને એક બાજુ મૂકીને એકજુથતાનો પરિચય સમગ્ર વિશ્વમાં થતી એક ઉજવણી દ્વારા કરાવાય છે.
વિખેરાતા પરિવારો
દેશ-દુનિયામાં પરિવારો વિખેરાઈ રહ્યા છે અને ખાસ કરીને ભારતવર્ષ (અખંડ ભારત) ના દેશોમાં, જ્યાં સંયુક્ત પરિવારો એક તાકાત અને વિશેષતા ગણાતી હતી, ત્યાં પરિવારો વિભક્ત થઈ રહ્યા છે, અને પરિવારના માળાઓ વિખેરાઈ રહ્યા છે. સંયુક્ત પરિવારો તો ઠીક, પરંતુ હવે તો નાના પરિવારો પણ એકસાથે રહી શકતા નહીં હોવાની ઘટનાઓ વધી રહી છે. આ સ્થિતિ ભારતીય સંસ્કૃતિની સાથે સુસંગત તો નથી જ, પરંતુ તદ્ન વિરોધાભાસી છે.
હજુ પ્રારંભ છે, ત્યારે ચેતવા જેવું
આ તો હજુ પ્રારંભ છે. ભારતમાં હજુ પરિવારોના વિઘટનને હજુ પણ સમાજ સામાન્ય રીતે સ્વીકારતો નથી, અને ચૂલા રસોડું કે રહેવાની વ્યવસ્થા અલગ થવા છતાં પરિવારોની એકજુથતા અકબંધ રહે છે. હજુ આ શરૂઆત છે, અને ભારતીય સંસ્કૃતિની મૂળભૂત ભાવના તથા સંસ્કારો હજુ ભારતીયોના ડીએનએમાં છે, ત્યારે હજુ પણ આપણે ચેતવા જેવું છે અને પરિવારોને એકજુથ રાખવા માટે વ્યાપક જનજાગૃતિ ફેલાવવાની જરૂર છે તેમ નથી લાગતું?
આંતર યુદ્ધો
પરિવારોની જેમ જ ઘણાં દેશોમાં આંતરયુદ્ધો ચાલી રહ્યા છે. પડોશી દેશ પાકિસ્તાનમાં બલુચિસ્તાનમાં સ્વાતંત્ર્ય ચળવળ ચાલી રહી છે, તો પીઓકેમાં પણ પાકિસ્તાનની સેના તથા સરકાર સામે જબરદસ્ત આંદોલનો ચાલી રહ્યા છે. બાંગલાદેશમાં પણ વચગાળાની સરકાર સામે નવો વિદ્રોહ શરૂ થયો છે. મ્યાનમારમાં તો દાયકાઓથી એવી જ સ્થિતિ છે. આ જ પ્રકારના આંતરયુદ્ધો દેશના ઘણાં દેશોમાં ચાલી રહ્યા છે. તેના કારણે ત્યાંની રાષ્ટ્રીય એકજુથતા પણ જોખમાઈ રહી છે.
વિશ્વસમુદાયમાં વિચિત્ર વિઘટન
વિશ્વ સમુદાય પણ વિચિત્ર વિઘટનના ચક્રવ્યૂહમાં ફસાયેલો જણાય છે. વિશ્વ જાણે બે-ત્રણ નહીં, પરંતુ અનેક જુથોમાં વહેંચાયેલું છે. રશિયા-યુક્રેન યુદ્ધ ચાલી રહ્યું છે, અને ચાલુ વર્ષમાં વિશ્વના ઘણાં દેશો વચ્ચે પરસ્પર યુદ્ધો થયા હતાં. પહલગામ હુમલા પછી ભારત-પાકિસ્તાન વચ્ચે પણ મીની યુદ્ધ થયું હતું, અને ઓપરેશન સિંદૂરનું સમાપન જાહેર કરાયું નથી, ત્યારે પાકિસ્તાન નહીં સુધરે તો તેના દેશના ફરીથી ટૂકડા થઈ જશે, તે નક્કી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ પદે ફરીથી ટ્રમ્પ ચૂંટાયા પછી તેમની બદલેલી યુદ્ધનીતિ, વ્યાપારનીતિ અને ટેરિફની તુક્કેબાજીના કારણે વિશ્વમાં આર્થિક, વ્યાપારિક અને વ્યવસાયિક તથા વ્યવહારિક વિઘટનો પણ થવા લાગ્યા છે. આ તમામ વિઘટનોના કારણે વિશ્વને એકતાંતણે બાંધવા માટે દાયકાઓ પહેલા સ્થપાયેલો સંયુક્ત રાષ્ટ્ર સંઘ પણ જાણે અપ્રાસંગિક અને બિનઅસરકારક થઈ રહ્યો હોય તેમ જણાય છે, અને જે ઉદ્દેશ્ય માટે આ સર્વોચ્ચ વૈશ્વિક સંસ્થાની સ્થાપના થઈ હતી, તે સાર્થક તો થયો જ નથી, પરંતુ આ સંસ્થા વિશ્વની શક્તિશાળી અને મહાસત્તાઓના વર્ચસ્વમાં દબાઈ ગઈ હોય તેવો અહેસાસ થાય છે.
જો કે, આરોગ્ય, શિક્ષણ, પોષણ, માતૃ-બાળકલ્યાણ, ગરીબી નિર્મુલન અને માનવીય મૂલ્યોને સંબંધિત ઘણાં સહિયારા ઉદ્દેશ્યોમાં હજુ પણ આ સંસ્થા મહદ્અંશે સફળતાપૂર્વક કામ કરી રહી છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી મની ફંડીંગ, સુરક્ષા, બેન્કીંગ તથા રાજકીય ક્ષેત્રે શક્તિશાળી દેશોની દાદાગીરી તથા વીટો પાવરનો દુરૂપયોગ વધી રહ્યો છે. આ સંજોગોમાં પરિવારથી લઈને વિશ્વ સમુદાય સુધી તમામ સ્તરે એકજુથતા માટે જનજાગૃતિની જરૂર જણાય છે.
યુનોની સ્થાપના અને ઉદ્દેશ્ય
બીજા વિશ્વયુદ્ધ પછી ર૪ મી ઓક્ટોબર-૧૯૪પ ના દિવસે યુનો એટલે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના યુદ્ધોને રોકવા તથા સમગ્ર વિશ્વમાં શાંતિ અને સામૂહિક સુરક્ષાની સ્થાપના માટે થઈ હતી, અને સમાન અધિકારો તથા આત્મનિર્ણયના સિદ્ધાંત સાથે દુનિયાના દેશો વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો વિક્સાવવા, આંતરરાષ્ટ્રીય આર્થિક, સાંસ્કૃતિક અને સામાજિક તથા માનવીય સહયોગ વધારવા અને તદ્વિષયક સમસ્યાઓના નિવારણ માટે એક કેન્દ્ર તરીકે કામ કરવાના ઉદ્દેશ્યો રખાયા હતાં.
પ્રારંભમાં પ૦ દેશોના હસ્તાક્ષર સાથે શરૂ થયેલા આ આંતરરાષ્ટ્રીય સંઘમાં અત્યારે દુનિયાના મોટાભાગના દેશો જોડાયેલા છે, અને વર્ષ ર૦૧૧ માં સુદાન જોડાતા આ દેશોની સંખ્યા ૧૯૩ ની થઈ હતી. યુનોનું મુખ્ય મથક અમેરિકાના ન્યૂયોર્કમાં છે, જે વર્ષ ૧૯પર થી ત્યાં કાર્યરત છે. તે પછી આ સંઘના નેજા હેઠળ વિશ્વ આરોગ્ય સંસ્થા, યુનિસેફ, સિક્યુરિટી કાઉન્સિલ, ઈકોસોક એટલે કે ટ્રસ્ટીશીપ કાઉન્સિલ, આઈસીજે એટલે કે આંતરરાષ્ટ્રીય અદાલત વિગેરે કાર્યરત છે. આ ઉપરાંત યુનોનું અલાયદુ સચિવાલય છે, અને આ તમામ શાખાના હેડ તરીકે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા એટલે કે યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી કાર્યરત છે.
વિશ્વ માનવ એકજુથતા દિવસ
સાંપ્રત સંજોગોમાં વિશ્વ માનવ એકજુથતા દિવસ મનાવવાની માત્ર ફોર્માલિટી પૂરી કરવાના બદલે આખા વિશ્વે વર્ષ ૧૯૪રથી૧૯૪પ વચ્ચે પ્રવર્તતી હતી, તેવી નિષ્ઠા અને સંકલપબદ્ધતા સો વિશ્વ એકજુથતા દિવસ ઉજવવો જોઈએ. એટલું જ નહીં, આજથી આવતું આખું વર્ષ વિશ્વ માનવ એકજુથતા વર્ષ તરીકે ઉજવીને વૈશ્વિક અશાંતિ ધરમૂળથી ખતમ કરીને તમામ દેશોને એકજુથ જઈને વિશ્વકલ્યાણ અને વિકાસ માટે કામ કરવાની જરૂર છે, જેની સીખ ભારતીય સંસ્કૃતિમાં 'વસુધૈવ કુટુમ્બકમ્'ની ભાવનામાં જોવા મળે છે.
મિલેનિયમ ડિક્લેરેશન
સંયુક્ત રાષ્ટ્ર સંઘના ૧૮ સપ્ટેમ્બર-ર૦૦૦ ના મિલેનિયમ ડિક્લેરેશન એટલે કે સહસ્ત્રાબ્ધિ ઘોષણાપત્રમાં ર૧ મી સદીના આંતરરાષ્ટ્રીય સંબંધોને મૂળભૂત મૂલ્યો પૈકીના એક મહત્ત્વપૂર્ણ સોપાન તરીકે વર્ણવાય છે. આ ઘોષણાપત્ર મુજબ સર્વાધિક પીડિત અથવા સૌથી ઓછા લાભાન્વિત લોકોને સૌથી વધુ લાભાન્વિત લોકો તરફથી મદદ મળતી રહેવી જોઈએ, તેવો મૂળભૂત સિદ્ધાંત સ્વીકારાયો હતો, અને તેના અનુસંધાને દર વર્ષે આંતરરાષ્ટ્રીય માનવ એક્તા દિવસ અથવા વિશ્વ માનવ એકજુથતા દિવસની ઉજવણી કરવાનું નક્કી થયું હતું.
ઉજવણીના ઉદ્દેશ્યો-સાંપ્રત વાસ્તવિક્તા
આંતરરાષ્ટ્રીય માનવ એક્તા દિવસ અથવા વિશ્વ માનવ એકજુથતા દિવસના નક્કી કરાયેલા ઉદ્દેશ્યોમાં વૈશ્વિક વિવિધતામાં એક્તા, વિશ્વના દેશોની સરકારો દ્વારા આંતરરાષ્ટ્રીય સમજુતિઓનું સન્માન, અને કટિબદ્ધતાઓમાં સંપૂર્ણ સમર્પિત ભાવનાથી સહયોગ, ગરીબી નિવારણ તથા સતત વિકાસના લક્ષ્યોની પ્રાપ્તિઓ માટે એકજુથતા તથા વિશ્વ કલ્યાણના મહાસભાના નિર્ણયો તથા યુનોના ઉપક્રમો તથા સંસ્થાઓના નિર્ણયોનું ચૂસ્ત અનુસરણ જેવા ઉમદા સંકલપોનો સમાવેશ થતો હતો.
જો કે, પ્રવર્તમાન સંજોગોમાં ખુદ અમેરિકા જેવી મહાસત્તાઓ જ પર્યાવરણ ક્ષેત્રની પેરિસ સમજુતિઓનું ઉલ્લંઘન કરતી હોય અને વિશ્વ આરોગ્ય સંસ્થા જેવી સંસ્થાઓને આંખો દેખાડતી હોય, તથા પોતાના દેશના જ નહીં, પરંતુ વ્યક્તિગત ઈરાદાઓ તથા લાભો મેળવવાના હેતુથી યુનો અને વૈશ્વિક સમજુતિઓની અવહેલના કરવા લાગી હોવાથી અત્યારે સમગ્ર વિશ્વ વર્ષ ૧૯૪ર થી ૧૯૪પ વચ્ચેની સ્થિતિમાં મૂકાઈ ગયું છે અને નક્કર વાસ્તવિક્તા છે કે આજે આ ઉજવણીના ઉદ્દેશ્યો સિદ્ધ કરવા માટે અમેરિકા જેવી મહસત્તાઓને સાચા માર્ગે લાવવાની જરૂર છે, અને તે માટે વૈશ્વિક એકજુથતા વર્ષ ઉજવવું પડે તેમ છે.
વિનોદ કોટેચા, એડવોકેટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial