
વસિયતનામું લખનાર વ્યક્તિની અંતિમ ઈચ્છાને જ્યારે સર્વોપરી ગણવામાં આવી...
આપણે ત્યાં વિવિધતામાં એક્તાનું સૂત્ર અને સર્વધર્મ સમાનતાનો સિદ્ધાંત પ્રચલિત છે અને નાગરિકોને મૂળભૂત અધિકારો પણ મળેલા છે. આ મૂળભૂત અધિકારોને ખતમ કરી શકાતા નથી, કારણ કે તેને બંધારણીય રક્ષણ મળેલું છે. કુદરતી ક્રોપ, યુદ્ધ કે અકલ્પનિય કે અસાધારણ સંજોગોમાં 'સર્વજન હિતાય, સર્વજન સુખાય'ના સિદ્ધાંતના અનુપાલન, જનસુરક્ષા કે રાષ્ટ્રની સુરક્ષા માટે જ્યારે જરૂર પડે ત્યારે ટૂંકા સમય માટે આંતરિક કે બાહ્ય કટોકટી દરમિયાન અધિકારો મોકૂફ રાખવાના કેટલાક અપવાદો છે, પરંતુ તેમાં પણ ઈરાદો અણીશુદ્ધ અને દેશ સુરક્ષા કે સર્વજન હિતાય હોવો જોઈએ, જે અંગે ભિન્ન ભિન્ન મંતવ્યો વ્યક્ત થતા રહે છે, અને ચર્ચા થતી રહે છે. બીજી તરફ કેટલાક નાગરિક અધિકારો જો અન્ય લોકોના અધિકારોને વ્યાપક નુક્સાન પહોંચાડતા હોય કે પછી દૂરગામી વિપરીત અસરો ઊભી કરતા હોય ત્યારે મૂળભૂત નાગરિક અધિકારોને સીમિત કે બિનઅસરકારક ગણાવતા ચૂકાદાઓ પણ અવાર-નવાર સામે આવતા રહે છે. મોટાભાગે આ પ્રકારના ચૂકાદાઓ પારિવારિક, સામાજિક, વ્યવહારિક અને સાર્વજનિક પ્રકારના વાદ-વિવાદો કે તકરારો સંદર્ભે ચાલતા સિવિલ કેસોની લાંબી સુનવણીઓ પછી અપાતા હોય છે, અને તે ચૂકાદાઓ જે-તે કેસની સ્થિતિ, તથ્યો, દલીલો અને ખાસ કરીને અર્થઘટનો પર આધારિત હોય છે.
દીકરીને મિલકતમાં
ભાગ ક્યારે ન મળે?
તાજેતરમાં સુપ્રિમ કોર્ટનો એક ચૂકાદો એવો આવ્યો છે, જેના કારણે વર્તમાન અને ભવિષ્યના ઘણાં ઝઘડા ઓછા થઈ જશે અને તેના કારણે અદાલતોમાં પહોંચતા ઘણાં કેસો ઊભા જ નહીં થાય, કારણ કે સુપ્રિમ કોર્ટે આ ચૂકાદો ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં અને તમામ પાસાઓને આવરી લઈને તથા સંભવિત અર્ઘટનોનું વિશ્લેષણ કરીને આપ્યો હોય તેમ લાગે છે. આ ચૂકાદો આપતી વેળાએ જ એવું ધ્યાન રખાયું હોઈ શકે છે કે આ ચૂકાદા પછી તેમાંથી કોઈ નવા નિયમો કે વિવાદો ઊભા થવાની સંભાવના જ રહે નહીં, અને આ પ્રકારના વિવાદો ઊભા જ થાય નહીં. આ સ્વયં સ્પષ્ટ ફેંસલો ઘણાં પરિવારો માટે પથદર્શક બનવાનો છે.
સુપ્રિમ કોર્ટે એક પિતાએ કરેલા વસિયતનામાને પડકારતી તેમની પુત્રીની દાવાઅરજીને ફગાવી દીધી, તે કેસની દેશની ટોપ ટુ બોટમ અદાલતોમાં ચર્ચા થઈ રહી છે. આ કેસ પિતાની મિલકતમાં પુત્રીનો ભાગ ક્યારે મળી શકે નહીં, તેનું પથદર્શન કરે છે.
સુપ્રિમ કોર્ટની બે ન્યાયવિદેની બેન્ચે આ કેસમાં જણાવ્યું હતું કે, ટ્રાયલ કોર્ટ અને હાઈકોર્ટ પછી સુપ્રિમ કોર્ટમાં આવ્યો, ત્યારે તેના તમામ પાસાઓ અંગે વિસ્તુત ચર્ચા કરવી જરૂરી જણાઈ હતી. ટ્રાયલ કોર્ટ અને તેના સમર્થનમાં હાઈકોર્ટે આપેલા ચૂકાદાને પલટાવીને સુપ્રિમ કોર્ટે પિતાના વસિયતનામાને સમર્થન આપ્યું હતું, અને તેના નિષ્કર્ષ પર આવવાના મુખ્ય કારણો પણ વર્ણવ્યા હતાં. પુત્રીના દાવાને ફગાવી દેવાના કારણો પણ ચર્ચાયા હતાં અને અંતે મૃતક પિતાની વસિયતનામામાં જણાવેલી ઈચ્છાને જ સર્વોપરિ ગણવામાં આવી હતી.
સુપ્રિમ કોર્ટે એ કેસમાં માઈલસ્ટોન સ્થાપતો ચૂકાદો આપ્યો છે અને કહ્યું છે કે, જ્યારે પિતાનું વસિયતનામું સ્પષ્ટ હોય અને તે કન્ફર્મ (પુરવાર) થઈ ચૂક્યું હોય (એટલે કે તે વસિયતનામાની ખરાઈ થઈ ચૂકી હોય) તો તેમાં અદાલતો હસ્તક્ષેપ કરી શકે નહીં. પુત્રીના દાવાને ફગાવી દેતા અદાલતે ઠરાવ્યું કે, આ મુદ્દે પુત્રી તરફથી કરાયેલી દલીલો ગ્રાહ્ય રહી શકે નહીં.
આ કેસની વિગતો વિસ્તૃત રીતે જોઈએ તો પિતાએ તેમની આ પુત્રીને વસિયતનામામાં મિલકતમાંથી એટલા માટે બાકાત રાખી હતી કે, તેણીએ જ્ઞાતિ બહાર લગ્ન કર્યા હતાં. પુત્રીએ તેની સામે કાનૂની વાંધો ઊઠાવ્યો હતો અને વસિયતનામાને શંકાસ્પદ ગણાવ્યું હતું. તેણીએ આ મુદ્દે ટ્રાયલ કોર્ટમાં કાનૂની લડત આપ્યા પછી ટ્રાયલ કોર્ટ તથા હાઈકોર્ટે પણ પિતાની મિલકત તેઓના ૯ સંતાનોને સમાન ધોરણે વહેંચી દેવાનો આદેશ કર્યો હતો. આ બન્ને અદાલતોના નિર્ણય (ફેસલા) ને સંપૂર્ણપણે ઉલટાવીને સુપ્રિમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, વાદી (પુત્રી) નો તેના પિતાની મિલકત પર કોઈ હક્ક નથી.
જો કે, પુત્રીના વકીલે અદાલતમાં ધારદાર દલીલો પણ કરી હતી. તેમણે છેલ્લે એવી દલીલ પણ કરી હતી. તેમની અપીલને જો નવમો સમાન હિસ્સો મળે, તો તે તેના પિતાની કુલ મિલકતનો એક નાનકડો ભાગ જ હશે. અદાલતે જણાવ્યું હતું કે, 'અમે સમાનતાની તો વાત જ કરી રહ્યા નથી, અમે તો વસિયતનામાની વાત જ કરીએ છીએ અને પિતાની છેલ્લી ઈચ્છાને ક્યારે ય બલી શકાતી નથી...વગેરે...
સુપ્રિમ કોર્ટે તો એવી નોંધ પણ લીધી હતી કે પિતાની અંતિમ ઈચ્છા આ પુત્રીને વસિયતનામામાંથી બાકાત રાખવાની હતી. સુપ્રિમ કોર્ટે ઠરાવ્યું હતું કે, અદાલત વસિયત કરનાર પિતાના સ્થાને પોતાને (અદાલતને) મૂકીને નિર્ણય લેવો યોગ્ય નથી.
પુત્રીના વકીલે કરેલી દલીલોમાં પિતાએ વસિયતનામામાં આ પુત્રીને બાકાત રાખવા પાછળનું કારણ જ અયોગ્ય તર્ક હોવાનો તર્ક રજૂ થયો હતો અને સમાજ કે જ્ઞાતિ બહાર લગ્ન કરવાનું કારણ બતાવાયું, તેની વ્યાર્થતા સામે સવાલો ઊઠાવ્યા હતાં, તો સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું હતું કે, તે કારણ અદાલતોને માન્ય હોય કે ન હોય, તો પણ તે તેના પિતાનો વ્યક્તિગત અભિપ્રાય જ છે. જો વસિયતનામામાં તમામ વારસદારોને કોઈ કારણે બાકાત રખાયા હોત કે ઈચ્છામાં અસ્પષ્ટતા હોત તો 'સમજદારી'નો નિયમ કદાચ લાગુ કરાવવા અંગે દલીલ થઈ શકે, પરંતુ જ્યારે પિતાએ પોતાની સ્પષ્ટ અંતિમ ઈચ્છા વસિયતનામામાં દર્શાવી છે, ત્યારે તેમાં હસ્તક્ષેપ યોગ્ય નથી.
પરિણિત વ્યક્તિ ક્યારે
લીવ-ઈનમાં રહી શકે નહીં?
તાજેતરનો અલ્હાબાદ હાઈકોર્ટનો એક ચૂકાદો પણ ઘણો જ ચર્ચામાં છે અને તેની બારિકાઈઓ વર્ણવાઈ રહી છે. હાઈકોર્ટમાં પુખ્તવયના સ્ત્રી-પુરુષે તેઓ લિવ-ઈન-રિલેશન્સમાં રહેતા હોઈ તેના આ અધિકારનું રક્ષણ કરવા અરજી કરી હતી, જેને અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી દીધો હતો.
અરજદાર લિવ-ઈનમાં રહેતા કપલે એવી રજૂઆત કરી હતી કે તેઓ બન્ને પુખ્ત વયના છે અને સ્વેચ્છાએ સાથે રહે છે, પરંતુ પ્રતિવાદીઓ તરફથી તેમના જીવનનું જોખમ હોવાથી તેમને રક્ષણ આપવામાં આવે, અને લિવ-ઈન રિલેશનશિપના અધિકારનું પ્રોટેક્શન કરવાની દલીલ કરવામાં આવી હતી.
કોર્ટે તેના સંદર્ભ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, 'વ્યક્તિગત સ્વતંત્રાનો અધિકાર ત્યાં પૂર્ણ થઈ જાય છે, જ્યાં બીજી વ્યક્તિનો કાનૂની અધિકાર શરૂ થાય છે. વ્યક્તિગત સ્વાંત્ર્યનો અધિકાર સંપૂર્ણ કે અમર્યાદિત નથી, અને બીજી વ્યક્તિ કે વ્યક્તિઓના કાનૂની અધિકારોને અસર થતી હોય ત્યાં વ્યક્તિ સ્વતંત્રતાના અધિકારની મર્યાદા આવી જાય છે.
અલ્હાબાદ હાઈકોર્ટે કરેલા અવલોકન મુજબ જો અરજદારો પહેલેથી જ પરિણીત હોય અને તેઓના જીવનસાથી જિવિત હોય તો સક્ષમ અદાલતમાંથી કાયદેસરના છૂટાછેડા લીધા વિના તેઓ અન્ય વ્યક્તિ સાથે લિવઈન-રિલેશનશિપમાં રહી શકે જ નહીં, કારણ કે તેઓને આ કાનૂની હક્ક મળવાપાત્ર થતો નથી. એ કેસમાં અરજદાર મહિલાએ તેમના પતિ સાથે છૂટાછેડા લીધા નહીં હોવાથી તેઓની લિવ-ઈન-રિલેશનશિપને અદાલતે ગેરકાયદેસર ગણાવી હતી અને તેઓને કોઈપણ રક્ષણ કે રિટ-ઓર્ડર આપવાનો અદાલતે ઈન્કાર કર્યો હતો.
સમાજ માટે પથદર્શક
આ બન્ને દૃષ્ટાંતો સમાજ માટે પથદર્શક છે અને કોઈપણ કાયદા કે મળેલા અધિકારોનો ઉપયોગ પણ અમર્યાદ નથી, તે આ ચૂકાદાઓ પરથી ફલિત થાય છે.
વિનોદ કોટેચા, એડવોકેટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial