Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

દેશવ્યા૫ી આંદોલનનું વાગ્યુ બ્યુગલ... હવે, જનતા નક્કી કરે... કૌન સચ્ચા...કૌન જૂઠા ?

                                                                                                                                                                                                      

શનિવારે દિલ્હીના કોટલા માર્ગ પર હલચલ વધી ગઈ હતી અને હવાઈ પ્રદુષણની આબોહવા વચ્ચે ગરમાગરમ રાજકીય માહોલે ઉષ્ણતા જન્માવી હતી. આ માર્ગ પર આવેલા કોંગ્રેસના નવા હેડક્વાર્ટરમાં કોંગ્રેસ વર્કીંગ કમિટી (કોંગ્રેસ કાર્ય સમિતિ)ની બેઠક યોજાઈ અને તેમાં કોંગ્રેસે લીધેલા એક નિર્ણયના પડઘા સડકોથી લઈને કેન્દ્રીય સચિવાલય અને શાસક એનડીએના વર્તુળોમાં પણ પડ્યા હતા. કેન્દ્ર સરકારના તાજેતરના એક કદમથી માત્ર કોંગ્રેસ કે વિપક્ષો જ નહીં, પણ કદાચ એનડીએના કેટલાક સાથીદાર પક્ષો તથા સંગઠનોમાં પણ થોડા ઘણા અંશે નારાજગી હોવાનું કહેવાય છે. રાહુલ ગાંધી તો ત્યાં સુધી આક્ષેપ કરે છે કે આ નિર્ણય વડાપ્રધાને મનસ્વી રીતે લીધો છે, તો કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે કહે છે કે કોઈની સલાહ લીધા વિના, વિપક્ષોને  વિશ્વાસમાં લીધા અને લાંબુ વિચાર્યા વગર કેન્દ્ર સરકારે મનરેગા યોજના બંધ કરીને અથવા તેનું નામ બદલીને "વીબી-જી.રામ.જી." કર્યું છે, તે તદૃન અયોગ્ય છે અને જનવિરોધી છે. આ પગલું ઉઠાવીને કેન્દ્ર સરકારે પગ પર કુહાડો માર્યો છે અને જેવી રીતે ભૂતકાળમાં ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવામાં આવ્યા હતા, તેમ મનરેગાને સ્થાને નવી સ્કીમ લાવવાનો નિર્ણય તથા તેને સંલગ્ન કાયદો પણ મોદી સરકારે પાછો ખેંચવો જ પડશે, કારણ કે આ મુદ્દે કોંગ્રેસ હવે દેશવ્યાપી આંદોલન કરવા જઈ રહી છે.

કોંગ્રેસ તા. પાંચમી જાન્યુઆરી-૨૦૨૬થી દેશવ્યાપી "મનરેગા બચાવો" આંદોલન શરૂ કરવાની છે. આ જાહેરાત કરતા ખડગેએ કહ્યું છે કે આ નિર્ણય પાર્ટીએ સર્વસંમતિથી લીધો છે. મનરેગાને કમજોર કરવાના આ પ્રયાસને પૂરી તાકાતથી નિષ્ફળ બનાવાશે અને સડકથી સંસદ સુધી પાર્ટી સંઘર્ષ કરશે. બંધારણે આપેલા કામ કરવાના અધિકારને મોદી સરકારે છીનવી લેવાનો પ્રયાસ કર્યો છે. આ યોજના સોનિયા ગાંધી અને સ્વ. મનમોહનસિંહની દીર્ઘદૃષ્ટિનું પરિણામ હતુ અને "કેગ" સહિતની ઘણી એજન્સીઓએ એ યોજનાના પ્રભાવ તથા ફલશ્રુતિને સ્વીકારી હતી.

કોંગી નેતા રાહુલ ગાંધીએ પણ પોતાના ચિરપરિચિત અંદાજમાં દોહરાવ્યું કે આ ફેંસલો (મનરેગાનું નામ અને સ્વરૂપ બદલવાનો નિર્ણય) સીધો પીએમઓમાંથી લેવાયો છે. તેમણે ત્યાં સુધી દાવો કર્યો કે આ નિર્ણય લેતા પહેલા સંબંધિત વિભાગના મંત્રી સાથે પણ ચર્ચા કરવામાં આવી નથી. આ આપણાં દેશના "સંઘીય ઢાંચા" પર હૂમલો છે. કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોનું ફંડ તથા નિર્ણય લેવાનો રાજ્યોનો અધિકાર છીનવી રહી છે, અને સત્તાનું કેન્દ્રીકરણ થઈ રહ્યું છે. મનરેગા એક અધિકાર કેન્દ્રીત વિકાસ મોડલ હતુ, જેને વડાપ્રધાને ખતમ કરી દીધું. અને નોટબંધીની જેમ જ અચાનક નિર્ણય લાદી દેવાયો, હકીકતે આ કદમ ગરીબોનો હક્ક છીનવીને મોટા ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડવા માટે લેવાયો છે. રાહુલ ગાંધીએ આ મુદ્દે તમામ વિપક્ષો એકજૂથ હોવાનો દાવો પણ કર્યો હતો.

કોંગ્રેસના ૧૪૧મા સ્થાપનાદિન ઉજવણીની ચર્ચા દરમ્યાન કોંગ્રેસની આ પાવરફૂલ કમિટીમાં સંકલ્પ લેવાયો છે, ત્યારે તેને હવે દેશવ્યાપી કેટલું સમર્થન મળે છે અને તેના સામે સત્તાધારી પક્ષો કેવું વલણ અપનાવે છે, તે તો નવા કેલેન્ડર વર્ષ (૨૦૨૬)માં જ ખબર પડશે, પરંતુ અત્યારે તો કોંગ્રેસની આ મક્કમ ઘોષણાએ એનડીએમાં અજંપો તો જગાવી જ દીધો છે, અને સત્તાધારી  ગઠબંધનની અંદર જ આ મુદ્દે મતભેદો કે ખેંચતાણ હશે, તો તે આજે નહીં તો કાલે, બહાર આવવાના જ છે, અને તેના પર "મનરેગા બચાવો અભિયાન"ની સફળતાનો આધાર પણ રહેવાનો છે, કારણ કે ભાજપને લોકસભામાં સ્પષ્ટ બહુમતી નથી તેથી નાયડૂ-નીતિશ સિવાયના અન્ય પક્ષો કે સંગઠનો પણ "પ્રેસર" લાવી શકે છે.

ભાજપના આઈટી વિભાગના વડા અમિત માલવીયાએ સોનિયા ગાંધીના એક આર્ટિકલને ટાંકીને કહ્યું હતું કે મનરેગા એટલે રોજગાર ગેરંટી કાનૂનને ખતમ કરાયો નથી, પરંતુ રિપેર કરાયો છે. મનરેગાની જગ્યાએ આવેલો વિકસિત ભારત (વી.બી.)-ગેરંટી રોજગાર એવમ્ આજીવિકા મિશન-ગ્રામિણ (જી.રામ.જી.) સંસદે પસાર કર્યો છે, અને રાષ્ટ્રપતિએ માન્ય કર્યો છે. આ અધિનિયમ સંપૂર્ણપણે બંધારણીય કદમ છે અને તેમાં રોજગારીના દિવસો સવાયા કરાયા છે. માલવીયાએ સોશ્યલ મીડિયાના માધ્યમથી કટાક્ષ પણ કર્યો કે સોનિયા ગાંધીનો લેખ આંકડાઓને નેવે મૂકીને રાજનૈતિક કલ્પનાઓની ઉડાન જેવો જણાય છે.

માલવીયાએ કહ્યું કે મનરેગાની પરિકલ્પના અને સંચાલન એક રાષ્ટ્રીય સલાહકાર સમિતિ દ્વારા થતું હતું, જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે જનપ્રતિનિધિઓનો અભાવ હતો. એક સુપર પાવર પર્સનાલિટીને તો "સુપર કેબિનેટ સચિવ" કહીને મજાક પણ તે સમયે ઉડાવાતી હતી.

જો કે, ગુજરાતમાં તો મનરેગાના નામ બદલવાનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે, અને કેન્દ્ર સરકારના વિરોધમાં ઠેર-ઠેર દેખાવો થઈ જ રહ્યા છે. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં વ્યાપક ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા હતા. રાજ્યના જિલ્લા મથકો પર પણ ઘણાં વિરોધ પ્રદર્શનો યોજાયા હતા. ગુજરાતમાં મનરેગા યોજનામાં કથિત ભ્રષ્ટાચારના આંદોલનો પછી હવે મનરેગા બચાવ આંદોલનમાં જોડાઈ જવા હાઈકમાન્ડે આદેશ કર્યો છે, અને પાંચમી જાન્યુઆરીથી ગુજરાતમાં પણ રાજ્યવ્યાપી આંદોલનના ભણકારા વાગી રહ્યા છે.

કોંગ્રેસે ભાજપ દ્વારા થતા વીબી-જી.રામ.જી. અધિનિયમના બચાવની દલીલોને ફગાવી દીધી છે. ભાજપે મનરેગાની જગ્યાએ અમલી બનાવાયેલી નવી યોજનાઓમાં કામના દિવસો ૧૦૦થી વધારીને ૧૨૫ કરાયા, નવી યોજનામાં ડીબીટી (શ્રમિકોના ખાતામાં સીધા નાણા જમા થાય તેવી પદ્ધતિ) થી ચૂકવણી, પારદર્શકતા વગેરે દલીલો કરી હતી અને કહ્યું હતું કે કોંગ્રેસ માત્ર નામ બદલવાના મુદ્દે રાજનીતિ રચી રહી છે, જ્યારે સરકારનો ઉદૃેશ્ય માત્ર ગ્રામિણોના સશક્તિકરણનો છે.

કોંગ્રેસ અને ભાજપના આક્ષેપો, દાવાઓ અને સ્પષ્ટતાઓ જનતાની સામે જ છે, હવે પ્રજાએ જ નક્કી કરવાનું છે કે કોણ સાચુ છે અને કોણ જૂઠાણા ફેલાવી રહ્યું છે ?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial