Sensex

વિગતવાર સમાચાર

ફ્લેશ બેક... વધુ એક વર્ષ વિત્યુ... શું ખોયું... શું મેળવ્યુ? કાઢો સરવૈયુ...!

                                                                                                                                                                                                      

આપણે દિવાળી ઉપર તથા નાણાકીય વર્ષ પૂરૂ થાય ત્યારે માર્ચ એન્ડીંગમાં વાર્ષિક સરવૈયુ કાઢતા હોઈએ છીએ અને આગામી વર્ષના આયોજનો પણ કરતા હોઈએ છીએ. સામાન્ય રીતે વેપારીઓ તથા ઉદ્યોગપતિઓ માટે 'સરવૈયુ' એવો શબ્દ વપરાતો હોય છે, પરંતુ હકીકતે સંસ્થાઓ, સરકારો અને સંગઠનો દ્વારા પણ 'સરવૈયા' નીકળતા હોય છે. ભલે, તેને જુદાજુદા નામે ઓળખતા હોઈએ, પરંતુ હકીકતે આપણે બધા કોઈને કોઈ રીતે પૂરા થયેલા વર્ષમાં શું મેળવ્યું અને ક્યા ક્યા કાર્યો કે આયોજનો બાકી રહી ગયા, તેનો વિચાર તો કરતા જ હોઈએ છીએ ને?

છેલ્લા એક અઠવાડિયાથી પ્રેસ-મીડિયામાં ફ્લેશ બેકના ઢગલાબંધ વિવરણો આવી રહ્યા છે, અને ગુજરાત રાજ્ય, દેશ અને દુનિયાના તમામ નેગેટીવ-પોઝિટિવ અને હૃદયદ્વાવક તથા મનોરંજક, પ્રસન્નતાદાયક ઘટનાક્રમોની તસ્વીરો, દૃશ્યો સાથેની સ્ટોરીઓ આપણે વાચી કે નિહાળી રહ્યા છીએ, અને દેશ-દુનિયાએ આખા વર્ષમાં શું મેળવ્યું, શું ગુમાવ્યુ અને કઈ કઈ સિદ્ધિઓ મેળવી તેમ જ કઈ કઈ ભૂલોકરી તેની પણ ચર્ચાઓ પણ થઈ રહી છે.

આખંુ વર્ષ સડકથી સંસદ સુધી વિવિધ વિષયો ચર્ચાતા રહ્યા. શેરબજારમાં ઉતાર-ચઢાવ થતા રહ્યા, દુનિયામાં ક્યારેય ન વિચાર્યું હોય, તેવા ઘટનાક્રમો સર્જાતા રહ્યા. કુદરતનો કોપ અને મહેરબાનીનો સંગમ રચાતો રહ્યો, છતાં જિંદગી આગળ વધતી જ રહી.

વર્ષના પ્રારંભે બીજા મહિનામાં જ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર ફેંકાઈ ગઈ અને ભાજપને જનાદેશ મળ્યો, તો સંસદમાં વકફના મુદ્દે વિવાદ વકર્યો, તે પછી દિલ્હી હાઈકોર્ટના એક જજને ત્યાં આગ લાગતા ત્યાંથી મળેલી કરોડોની બળેલી ચલણી નોટોનો વિવાદ વકર્યો. તહવ્વુર રાણાનું અમેરિકાથી ભારતને પ્રત્યાર્પણ થયું. અમેરિકાએ રેસિપ્રોકલ ટેરિફ લાદવાની શરૂઆત કર્યા પછી દુનિયામાં હલચલ મચી ગઈ. ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ સમજુતિ રદ્ કરી દીધી.

સૌથી વધુ ચર્ચામાં ઓપરેશન સિંદૂર રહ્યું, તો પહલગામ આતંકી હુમલાની વિશ્વવયાપી આલોચના થઈ. ગંભીરા બ્રિજની દુર્ઘટનાએ ગુજરાત અને દેશને હચમચાવી દીધો. સીજેઆઈએ કહ્યું કે, આપણાં દેશમાં સંસદનહીં, પણ બંધારણ સર્વોપરિ છે. અયોધ્યાના રામમંદિરના પહેલા માળે રામદરબારની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. અમદાવાદની પ્લેન દુર્ઘટનાએ તો હાહાકાર જ મચાવી દીધો હતો. જુલાઈમાં રંગમતી-નાગમતીનું પાણી પ્રદૂષિત હોવાનું બહાર આવ્યા પછી તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા. ઉપરાષ્ટ્રપતિ પદેથી ધનખડના રાજીનામાની ચર્ચા ચાલી. સંસદના ચોમાસું સત્રમાં માત્ર ૩૭ ટકા જ કામ થયું. કેટલાક ક્રિકેટરોએ વિવિધ પ્રકારની નિવૃત્તિ જાહેર કરી. દેશભરમાં ભારે વરસાદ, વાવાઝોડા, લેન્ડ સ્લાઈડ અને ભારે પૂરે તારાજી મચાવી, તો કેટલાક ખેતઉત્પાદનોએ રેકોર્ડ તોડ્યા. રાવલમાં ૧૦ મોટા માથા કોંગ્રેસમાં જોડાઈ જતા નગરપાલિકામાં ઉલટફેર થયો. હાલારમાં વિવિધ રાજકીય ઘટનાક્રમોએ સૌનું ધ્યાન ખેંચ્યું.

ભારતે દોડતી ટ્રેનમાંથી મિસાઈલનું પરીક્ષણ કર્યું, તો એશિયાકપમાં ભારતે પાકિસ્તાનને પછાડ્યું. બીજી તરફ સપ્ટેમ્બર મહિનાથી કોંગ્રેસે આદરેલું 'વોટચોર... ગાદી છોડ' આંદોલન સતત ચર્ચામાં રહ્યું. જૂનાગઢમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું, જેમાં ખડગે, રાહુલ ગાંધી સહિતના નેતાઓએ તેજાબી ભાષણો કર્યા. 'વનતારા'ને સુપ્રિમ કોર્ટની રચેલી એસઆઈટીની તપાસ પછી ક્લીનચીટ મળી. દિવાળીના ઉત્સવો ઉમંગભેર ઉજવાયા અને નાતાલના તહેવારોમાં પણ યાત્રા-પ્રવાસન સ્થળોમાં મોટી સંખ્યામાં યાત્રિકો-પ્રવાસીઓ ઉમટ્યા. છેલ્લ બે-ત્રણ મહિનાના ઘટનાક્રમો તો આપણાં બધાની સ્મૃતિમાં જ છે, જે પૈકી સર્વાધિક ચર્ચા એસઆઈઆર, બિહારની ચૂંટણી તથા મુંબઈ મનપા (બીએમસી) ની આવી રહેલી ચૂંટણીઓની થઈ રહી છે, અને જામનગરમાં હિંસક બનવા જઈ રહેલી સ્થાનિક રાજનીતિ તથા બાંગલાદેશમાં ખાલિદા ઝિયાના નિધન પછી ત્યાંની સરકાર બદલતી રાજનીતિની થઈ રહી છે.

બરાબર એક વર્ષ પહેલા જ્યારે ર૦ર૪ ના ફ્લેશ બેકની ચર્ચા થઈ રહી હતી, તે સમયે ચર્ચાયેલા કેટલાક મુદ્દાઓ વર્ષ ર૦રપ માં પણ યથાવત્ જ રહ્યા હોય તેમ જણાય છે. ઘણાં પ્રશ્નો હજુ અણઉકેલ છે. સંસદમાં શોરબકોર, દેકારા અને હોબાળાઓ વચ્ચે જનતાની સમસ્યાઓ દબાઈ જવાની વોહી રફ્તાર ચાલુ જ રહી હતી, જો કે એ દરમિયાન કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવાયા અને કાયદાઓ પણ ઘડાયા. વર્ષ ર૦ર૪ કરતા પણ વધુ કુદરતી આફતો અને દુર્ઘટનાઓમાં એકંદરે હજારો લોકોના જીવ ગયા. વર્ષ ર૦ર૪ ના અંતે 'નકલી'ઓની ભરમાર ચર્ચાઈ હતી અને કેટલાક ષડ્યંત્રોની ચર્ચા પણ થઈ હતી, જયારે વર્ષ ર૦રપ માં તો ટોપ ટુ બોટમ કૌભાંડોની ભરમાર જ જોવા મળી હતી. દિલ્હીમાં થયેલા આતંકી વિસ્ફોટ પછી પકડાયેલા ષડ્યંત્રો તથા જાસૂસોના અહેવાલો પણ ખાસ્સા ચર્ચામાં આવ્યા હતાં.

વર્ષ ર૦ર૪ કરતા પણ વધુ ટ્રમ્પ વર્ષ ર૦રપ માં ચર્ચામાં રહેલા, અને તેની કેટલીક હરકતોએ સૌને ચોંકાવ્યા, તો પાકિસ્તાનમાં સર્વેસર્વા સીડીએફ બની ગયેલા મુનિર સાથે ટ્રમ્પની બનાવટી ઘનિષ્ઠતાની ચર્ચાઓ પણ થતી રહી. ટૂંકમાં વિવાદાસ્પદ અને જીવલેણ ઘટનાઓમાં કેટલીક રાષ્ટ્રીય અને વૈશ્વિક સિદ્ધિઓ, માનવીય પ્રવૃત્તિઓ, લોક-કલ્યાણ અને જીવસૃષ્ટિના કલ્યાણ માટે થયેલા વિવિધ સંશોધનો તથા ઉપ્લબ્ધિઓની સાફલ્યગાથાઓ જાણે દબાઈ જ ગઈ હતી. આપણે ભૂતકાળની નિષ્ફળતાઓ અને ભૂલોમાંથી કાંઈક નવું શીખીને આગળ વધીએ અને મળેલી સિદ્ધિઓ-ઉપલબ્ધિઓથી ફૂલાઈ જવાના બદલે વધુ ઉજળા ભવિષ્ય તરફ આગળ વધવાનો પ્રયાસ કરીએ, તો જ આપણે વિતેલા વર્ષની યાદોની સાચી ફલશ્રુતિ મેળવી ગણાશે.

આજે ભારતમાં મધ્યરાત્રિના વર્ષ ર૦ર૬ ના વધામણા થશે, અને થર્ટી ફર્સ્ટની ધમાકેદાર ઉજવણી પણ થશે. આ તહેવાર હવે મોજમસ્તીનો બની રહ્યો છે, પરંતુ ભગવાન ઈસુ ખ્રિસ્તની સ્મૃતિમાં દેવળોમાં કેટલાક કાર્યક્રમો નાતાલના અંતે યોજાતા હોય છે, જો કે ભારતમાં મધ્યરાત્રિ હશે, ત્યારે ઘણાં દેશોમાં કલાકો પહેલા નવું વર્ષ શરૂ થઈ ગયું હશે. દૃષ્ટાંત તરીકે આજે બપોરથી ભારતીય સમય મુજબ મધ્યરાત્રિ પહેલા જ ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા સહિત અઢી ડઝન જેટલા દેશોમાં નવું વર્ષ શરૂ થઈ ગયું હશે. આનું કારણ પૃથ્વીની સૂર્ય-પ્રદક્ષિણાની સાથે સાથે પોતાની ધરી પર ગોળ ગોળ ફરવાથી થતા રાત-દિવસને સાંકળીને નક્કી થયેલું ટાઈમઝોન છે. આવો, વિતેલા વર્ષની વિદાય વેળાએ હકારાત્મક અભિગમ અને સકારાત્મક ઉમ્મીદો સાથે આગળ વધીએ અને વર્ષ ર૦રપ ને બાય... બાય કરીએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial