Sensex

વિગતવાર સમાચાર

જાહેરનામાઓના અમલમાં પણ વી.આઈ.પી. કલ્ચર ? કોંગ્રેસ આ મુદ્દો ઉઠાવશે ? યે ટાઈમ ભી હૈ...ઔર દસ્તૂર ભી હૈ...!

                                                                                                                                                                                                      

મકરસંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે, અને રાજકોટમાં વાયબ્રન્ટ ગુજરાતના કાર્યક્રમમાં પી.એમ. મોદી આવવાના છે, તેથી સૌરાષ્ટ્રનું તંત્ર ઊંધા માથે તૈયારીઓમાં પડી જશે, તો બીજી તરફ ભાજપના નેતાઓ-કાર્યકરો વડાપ્રધાનના કાર્યક્રમો માટે હડિયાપટ્ટી કરવા લાગ્યા છે. બીજી તરફ આવી રહેલા તહેવારો તથા રાજકોટ, સોમનાથ વગેરે સ્થળે વડાપ્રધાનના કાર્યક્રમોના સંદર્ભે જિલ્લા મેજિસ્ટ્રેટ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, સબ. ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને તાલુકા મેજિસ્ટ્રેટો દ્વારા વિવિધ પ્રકારના જાહેરનામાઓ પ્રસિદ્ધ થવા લાગ્યા છે.

આ ઉપરાંત મહાનગરોની આંતરિક વ્યવસ્થાઓ, સાફસફાઈ કે ટ્રાફિક વ્યવસ્થાને લઈને મ્યુનિસિપલ કમિશનરો તથા પોલીસ કમિશનરો દ્વારા પણ વિવિધ પ્રકારના જાહેરનામા પ્રસિદ્ધ થતા હોય છે.

હકીકતે આ પ્રકારના મોટા ભાગના જાહેરનામા દાંત વગરના વાઘ જેવા પૂરવાર થઈ રહ્યા છે અને માત્ર કાગળ પર જ રહી જતા હોય છે, કારણ કે આ જાહેરનામાઓ પછી તેનો ચૂસ્ત અમલ પણ થાય, તે માટે કાં તો સંબંધિત તંત્રો દરકાર જ કરતા હોતા નથી, અથવા તો જાહેરનામાનો અમલ કયો વિભાગ કરે છે, તે નક્કી જ હોતું નથી, અથવા તો લોકોની જાણમાં (પબ્લિક ડોમેઈનમાં) નથી હોતું. ઘણાં જાહેરનામાઓની અમલવારીમાં તો એક થી વધુ સરકારી વિભાગો કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, કોર્પોરેશનો કે બોર્ડ-નિગમોના તંત્રો સંકળાયેલા હોય છે, તેથી જાહેરનામાનો અમલ કોઈ પણ વિભાગ દ્વારા યોગ્ય રીતે થતો જ નથી, અથવા જવાબદારીની ફેંકાફેંકી થતી હોય છે, ઘણી વખત સંયુક્ત  જવાબદારી કોઈની નહીં, તેવો ઘાટ સર્જાતો હોય છે, અને તેના પરિણામો ઘણી વખત અવ્યવસ્થા, અંધાધૂંધી કે અનિચ્છનિય બનાવો પણ બનતા હોય છે. આ કારણે "જાજી સુયાણી વેંતર બગાડે"ની કહેવત જેવી ગંભીર સ્થિતિ પણ ઊભી થઈ જતી હોય છે, અને તેની જવાબદારી ઉઠાવવા કોઈપણ તૈયાર થતું હોતું નથી.

દૃષ્ટાંત તરીકે જામ-ખંભાળીયામાં ચાઈનીઝ દોરીએ એક બાળકના જીવ પર જોખમ ઊભું કરી દીધુ એન લોહીલુહાણ હાલતમાં માસુમ બાળકને ગળામાં ટાંકા લેવા પડયા, તે દુર્ઘટનાએ પૂરવાર કર્યું છે કે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું બેધડક અને ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. સરકારે ચાઈનીઝ દોરી-તુક્કલ પર પ્રતિબંધ મુક્યો હોવા છતાં આવી દુઃખદ ઘટનાઓ બની રહી હોય તો તે જાહેરનામાઓની કોણ કેટલી પરવાહ કરે છે, અને કેટલો અમલ થાય છે, તેની વાસ્તવિકતા જ ઉજાગર કરે છે ને ?

હકીકતે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા પણ ચાઈનીઝ માંઝા, તુક્કલ અને કાચથી માંઝેલી દોરીનો પતંગ ઉડાડવા માટે ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકાયો છે, અને ગુજરાત સરકારે આદેશો તથા જિલ્લા તંત્રોએ જાહેરનામાઓ પ્રસિદ્ધ કર્યા છે, તેમ છતાં આવી દુર્ધટનાઓ બને તો તે માટે જવાબદાર કોણ ? તેવો પ્રશ્ન અસ્થાને નથી.

હાલારના બંને જિલ્લાઓમાં પણ જુદા જુદા સમયે અવારનવાર ઘણાં જાહેરનામા, આદેશો અને ગાઈડલાઈન્સ પ્રસિદ્ધ થાય છે, પરંતુ તેનો કેવો અને કેટલો અમલ થાય છે, તે ઓપન સિક્રેટ છે. જો ચૂસ્ત અમલ કરવાની વ્યવસ્થા જ ન હોય, વ્યવસ્થા હોય તો તેનો અમલ કરવાની પરવાહ કે ઈચ્છાશક્તિ ન હોય અને માત્ર કાગળ પર જુની ફાઈલમાંથી કોપી-પેસ્ટ કરીને અને તારીખ સમય વગેરે બદલીને જાહેરનામાઓ કે હૂકમો પ્રસિદ્ધ થતા હોય તો તેનો કોઈ મતલબ ખરો ? આ તો જનતા સાથે છેતરપિંડી જ ગણાય ને ? આ જાહેરનામા જવાબદારીમાંથી છટકી જવાના ઓજાર જ માત્ર બની રહ્યા છે ને ?

ભાજપના જ પર્યાવરણવાદી અને જીવદયાની સંસ્થા સાથે સંકળાયેલા મેનકા ગાંધીએ તો ગ્રીન ફટાકડા, જેવું કાંઈ હોતુ નથી, તેમ જણાવી તહેવારો તથા ઉજવણીઓ દરમ્યાન ફટાકડા ફોડનારાઓને દેશદ્રોહી ગણાવીને ફટાકડા ફોડવા પર મુકાતા પ્રતિબંધની અમલવારી સામે સવાલો ઉઠાવ્યા છે. તેવી જ રીતે ટોપ ટુ બોટમ જાહેરનામાઓના થતા ભંગ સામે કાનૂની કાર્યવાહી તથા સજા આપવાની કે દંડ કરવાની પ્રક્રિયા પણ પુનઃ સમીક્ષા માંગતી હોવાની માંગણી ઉઠી રહી છે. જાહેરનામાઓ પ્રસિદ્ધ કરીને  છુટી જતા તંત્રોને પણ જાહેરનામાનો ભંગ થવાના કિસ્સા વધવા લાગે, ત્યારે જવાબદાર ગણીને અમલીકરણ તંત્રો સામે શિક્ષાત્મક પગલા લેવાની જોગવાઈ થવી જોઈએ, તેવી માંગ ઉઠી રહી છે.

રાજકોટમાં વડાપ્રધાન આવવાના હોવાથી ત્યાં જે રીતે તંત્રોના જાહેરનામાઓ, આદેશો અને સૂચનાઓનો ચૂસ્ત અમલ થઈ રહ્યો છે, તેવી જ રીતે જિલ્લા તંત્રો દ્વારા વાર-તહેવાર કે વિવિધ કારણોસર જાહેર થતા જાહેરનામાઓ-આદેશોનો ચૂસ્ત અમલ કાયમી ધોરણે થવો જોઈએ. વીવીઆઈપી વિઝીટ વખતે જ જાહેરનામાઓનો ચૂસ્ત અમલ થાય, અને સામાન્ય સંજોગોમાં રૂટિનમાં જાહેર કરાતા હૂકમો કે નોટિફિકેશન્સનો અમલ યોગ્ય રીતે ન થાય કે બિલકુલ થાય જ નહીં, તો તેને પણ વીઆઈપી કલ્ચર જ ગણવું પડે ને ? માત્ર લાલ લાઈટો ગાડીઓ પરથી હટાવ્યે કાંઈ નહીં વળે, નેતાઓ-તંત્રોએ સ્વમૂલ્યાંકન કરીને માનસિકતા પણ બદલવી જ પડશે.

વિરોધપક્ષોએ પણ જાહેરનામાઓનો અમલ ચૂસ્તપણે થાય, તે માટે તંત્રોને ઢંઢોળવા પણ જોઈએ. જામનગરમાં કોંગ્રેસે કેટલાક વિસ્તારોમાં ઘેર-ઘેર ફરીને કેટલીક પ્રશ્નાવલી સાથેનું ફોર્મ ભરાવીને જનસંપર્ક અભિયાન આદર્યું હોવાના અહેવાલો આવ્યા હતા. આ ૧૪ મુદ ઉપરાંત જાહેરનામાઓની અમલવારીનો પ્રશ્ન તેમાં ઉમેરીને જનમત મેળવી શકાય તેમ છે. ફોર્મ્સ છપાઈ જ ગયા હોય તો પણ મૌખિક રીતે મકરસંક્રાંતિ પર લોકોના ગળા કપાઈ જાય, તેવી સામગ્રીનો ઉપયોગ કરીને જાહેર માર્ગો કે શેરી, ગલીઓમાં પતંગ ઉડાડવાના બદલે ખુલ્લા મેદાનો કે ઊંચી ઈમારતોની ટેરેસ પરથી કોઈને નુકસાન ન થાય, તેવી રીતે પતંગ ઉડાડવાની જાગૃતિ પણ ફેલાવી શકાય તેમ છે, અને ચાઈનીઝ તુક્કલ અને દોરીઓ કેવી રીતે ઘાતક છે, તેના સંદેશ પહોંચાડી શકાય તેમ છે. યે ટાઈમ ભી હૈ, ઔર દસ્તૂર ભી હૈ...!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial