
બધું જ પોતાના હાથમાં રાખવાની લ્હાયમાં ઘણાં લોકો પોતાના પગ પર જ કૂહાડો મારી લેતા હોય છે...
જિંદગીના ૬ થી ૭ દાયકા વટાવી ચૂકેલા વયોવૃદ્ધ વડીલોને યાદ હશે કે જુના જમાનામાં ગામડાઓમાં આજની જેમ ખુરશી કે સોફાઓ નહીંવત્ ઘરોમાં જ હતાં. દેશી બેઠકની સિસ્ટમ હતી અને મહેમાન આવે ત્યારે ચટ્ટાઈ (શેતરંજી) પાથરીને બેસાડાતા. કોઈ નાનો-મોટો પ્રસંગ કે તહેવાર હોય અને પરિવારનો મેળો ભરાયો હોય ત્યારે ગાદી-તકિયા મમરાતા અથવા ઢોલિયા ઢળાતા. મહેમાનોને માટીના વાસણોમાં ચા અને પીત્તળ કે તાંબાના વાસણોમાં પાણી અપાતું.
બપોરે મહેમાનો જમવા બેસે, ત્યારે આસનો પાથરી દેવાતા અને વડીલોને દીવાલને અઢેણીને બેસી શકે તેવું સ્થાન અપાતું. તે સમયે પલોઠી વાળીને બેસેલા જમી રહેલા મહેમાનો પગના ગોઠણ નીચે એક લાકડાનું લંબગોળ અને ચોક્કસ આકારનું સ્ટેન્ડ રાખતા, જેને 'ગોઠણિયું' કહેવામાં આવતું. જમતી વખતે જમનારને હાથપંખાથી હવા નાંખવાની પ્રથા પણ હતી અને ગરમીના દિવસોમાં લોકો હાથમાં એવો પંખો રાખીને ગોળ ગોળ ફેરવવામાં આવતો, જેને ઈલેક્ટ્રીક મોટર કે કૃત્રિમ ઊર્જાની તાકાતથી જ તે દેશી પંખો ફરતો અને ગરમીની સામે રાહત આપતો. ઘણાં લોકો કહે છે કે, તે સમયે આટલું પ્રદૂષણ ક્યાં હતું? આટલી ગરમી ક્યાં હતી? અને ખાસ કરીને આટલી હડિયાપટ્ટી, ટેન્શન અને આધુનિક સગવડો (ભૌતિક સુવિધાઓ) પણ ક્યાં હતી? તે સમયે પણ લોકો મોજ માણતા અને અત્યારે પણ મોજ-મજા જીવનનો હિસ્સો છે, પરંતુ બન્ને પ્રકારની મોજમજામાં કેટલો આસમાન-જમીનનો ફરક છે? તે ઓપન સિક્રેટ જ છે ને?
એ અદ્ભુત નયનરમ્ય દૃશ્યો...
તે સમયે પરંપરાગત ખેતી-વ્યાપાર-કારીગરી અને શ્રમજીવી વ્યવસાયોમાં બધા પરોવાયેલા રહેતા. ગામડાઓમાં ઘેઘૂર વડલાઓની વડવાઈઓમાં હિંચકા ખાતા બાળકો, કૂવામાંથી પાણી ખેંચીને બેડા ભરીને લઈ જતી પનિહારી બહેનો, સમીસાંજે મોટા ઝાડની નીચે કે ગામના ચોરે બેસીને અલક-મલકની વાતો કરતા વડીલો, સંધ્યા સમયે અને મંગળપ્રભાતે મંદિરોમાં થતી આરતીનો મધૂર ધ્વનિ, પરોઢિયે ગવાતા પ્રભાતિયા, ગાય-ભેંસને દોહીને ગમાણની સફાઈ કરતી બહેનો તથા દીવાલમાં બાંધેલા સ્ટેન્ડ સાથે જોડીને મોટા સ્ટેન્ડમાં બાંધેલા ઘમ્મર વલોણા ફેરવીને દહીંમાંથી છાસ બનાવીને માખણ તારવતી બહેનો, વૃક્ષોમાં પક્ષીઓનો કલરવ, ખેતર-વાડીમાં કળા કરતા મોર અને ખળ-ખળ વહેતા ઝરણા કે નદીના દૃશ્યો તો ઘણાં પ્રોઢવયના લોકોમાં પણ અંકિત થયેલા જ હશે, અને આ પ્રકારના દૃશ્યોની આછેરી ઝલક આજે પણ દૂર-સદૂરના ઘણાં ગામોમાં જોવા મળતી હશે.
ગ્રામ્ય જીવનની મજા-
શહેરી જીવનની સુવિધા
ગ્રામ્ય જીવન અને શહેરી જીવનમાં આસમાન-જમીનનો તફાવત હોય છે. માત્ર ચાલીસ-પચાસ ફ્લેટનું એપાર્ટમેન્ટ હોય કે સો-દોઢસો ટેનામેન્ટની સોસાયટી હોય તો પણ તેમાં રહેતા તમામ શહેરીજનો ભાગ્યે જ એકબીજાને ઓળખતા હોય છે. ઘણી વખત તો બાજુમાં જ રહેતા પરિવારની પણ કોઈપણ ઓળખાણ કે માહિતી હોતી નથી. બાજુના ફ્લેટમાં કોણ રહે છે, તે કોઈ પૂછે તો તેને નેઈમ પ્લેટ વાચવા જવું પડે, અથવા ડોરબેલ વગાડવી પડે, તેવી વર્તમાન શહેરીજનોની સ્થિતિ પાછળ જીવનની વ્યસ્તતા, સામાજિક જીવનશૈલી પ્રત્યે વિમૂખતા અને અને સ્વકેન્દ્રી માનસિક્તા તો જવાબદાર હોય છે જ, પરંતુ સૌથી વધુ જવાબદાર હોય છે ત્યાંનો માહોલ...
કેટલીક શહેરી સોસાયટીઓમાં ગ્રામ્ય જીવન જેવું લાગે, તેવા અપવાદો પણ હોય છે અને કેટલાક ગામડાઓનું શહેરીકરણ પણ મેગાસિટીઝનની સ્વકેન્દ્રી માનસિક્તામાં પલટાઈ રહ્યું હોય તેવું લાગે, પરંતુ ગ્રામ્ય જીવનની મજા તો કાંઈક ઓર જ હોય છે...
ગામડાઓમાં ભલે ચાર-પાંચ હજાર કે તેથી વધુની વસ્તી હોય, પરંતુ મોટાભાગના લોકો એકબીજાને ઓળખતા હોય છે અને નામ અને ગામ જ નહીં, પરંતુ એકબીજાના પરિવારો, વ્યવસાય અને એકબીજાના સમાજજીવનથી પણ પરિચિત હોય છે. તેથી જ ગામડાના લોકો એકબીજાના સુખ-દુઃખમાં સહભાગી થતા હોય છે અને તહેવારો-શુભ પ્રસંગો સાથે મળીને ઉજવતા હોય છે, તો બીમારી કે માઠા પ્રસંગે પણ આખું ગામ પડખે ઊભું રહેતું હોય છે, જો કે કેટલીક બદીઓ, લુખ્ખાગીરી અને ભેદભાવના કારણે ગામડાઓમાં કેટલીક વખત અશાંતિ કે વિખવાદો પણ ઊભા થતા હોય છે, પરંતુ મોટાભાગે તેનું નિવારણ સ્થાનિક કક્ષાએ જ થઈ જતું હોય છે. અત્યારે બદલાતા યુગમાં આ પ્રકારની વધી રહેલી બદીઓ સામે ગામડાઓમાં વસવાટ કરતા લોકો પોતે જ જાગૃત નહીં બને તો ધીમે ધીમે આ શાંતિપૂર્ણ અને સુંદર ગ્રામ્ય જીવન કદાચ ભૂતકાળ બની જશે!
સિક્કાની બીજી બાજુ પણ છે. ગામડાઓમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યા પછી કામ-ધંધા-નોકરી માટે મોટા શહેરોમાં સ્થળાંતર કરવું પડતું હોય. શહેરો જેવી અદ્યતન સુવિધાઓ ગામડાઓમાં હોતી નથી. કોઈ વધુ બીમાર પડી જાય તો શહેર તરફ દોટ લગાવવી પડે છે. ઉચ્ચ શિક્ષણથી લઈને માર્કેટીંગ સુધી શહેરો પર નિર્ભર રહેવું પડે છે. તેથી એવું કહી શકાય કે ગ્રામ્ય જીવનની મજા કાંઈક ઓર જ હોય છે, પરંતુ ત્યાં શહેરો જેવી તમામ સુવિધાઓ દરેક ગામડાને મળી જાય તો સોનામાં સુગંધ ભળે તેવું છે, જો કે હાલના સ્પર્ધાત્મક અને ઈન્ટરનેટ યુગમાં ગામડાઓને પણ શહેરીજનો જેવી જ તમામ સુવિધાઓ મળે તેવા પ્રયાસો તો સમાજથી સરકાર સુધી થઈ જ રહ્યા છે, પરંતુ આ જ સુવિધાઓ ગામડાઓની મૂળભૂત ઓળખ અને અસલ ગ્રામ્ય જીવનની મજાને જ લૂણો લગાડી શકે છે, તેથી ભૌતિક વિકાસની સાથે સાથે ગ્રામ્યજીવનનો આત્મા પણ જીવંત રહે, તે સુનિશ્ચિત કરવું જ પડે તેમ છે.
પગ પર કૂહાડો મારવાનું કૃત્ય...
પ્રકૃતિ પર પ્રહાર કરવાનું પાપ...
આપણે વિશ્વની હરોળમાં ઊભા રહી શકીએ, તે માટે વિકાસની જરૂર છે, તો આપણી પરંપરાગત સંસ્કૃતિ, પ્રકૃતિ અને પર્યાવરણનું જતન કરવું એ આપણી ફરજ છે. નદી-તળાવો, સરોવરો કે કૂવાઓ પ્રાચીનવાવો બૂરીને તેના પર સિમેન્ટના જંગલો ઊભા કરવા, વનોને ઉજાડીને વિકાસના માળખા ઊભા કરવા કે પ્રકૃતિનું દોહન કરીને, ખનન કરીને તથા હવા, પાણી, અને જમીનમાં જીવલેણ પ્રદૂષણ ફેલાવી કે પગ પર કૂહાડો મારવાનું કામ અથવા પ્રકૃતિ પર પ્રહાર કરવાનું પાપ આપણી નહીં તો આપણી આવતી પેઢીઓની ઘોર ખોદશે અને સમગ્ર સૃષ્ટિનું નિકંદન કાઢશે તે ભૂલવા જેવું નથી. શહેરીકરણની દોટમાં જે ગામડાઓ જ ખતમ થઈ જશે, તો પ્રકૃતિ અને પર્યાવરણની સુરક્ષા (સેઈફ ગાર્ડ) ના માધ્યમો જ ખતમ થઈ જશે. વિજ્ઞાનનો ઉપયોગ જો પ્રકૃતિ-પર્યાવરણના જતનના બદલે પતનની દિશામાં આગળ વધશે તો આ દુનિયામાં પુસ્તકોમાં ઉલ્લેખાયેલો પ્રણય (કયામત) ઝડપથી આવી જશે, તેથી આખી દુનિયાએ જાગી જવાની જરૂર છે... અન્યથા સામૂહિક અને સાર્વત્રિક વિનાશ બધું જ ખેદાનમેદાન કરી નાખશે.
ઈન્ડોર-આઉટડોર
શિક્ષણ હોય કે વ્યવસાય, ખેતી હોય કે નોકરી, સેવાહોય કે બિઝનેસ, આજે ચોતરફ ઈન્ડોર અને આઉટડોરની જ ચર્ચા છે. રમતગમત તથા ઈત્તર પ્રવૃત્તિઓમાં પણ ઈન્ડોર અને આઉટડોર જેવા પ્રકારો આવી ગયા છે. ગ્રામ્ય જીવનના પરંપરાગત કામધંધા-વ્યવસાયમાં એકાદ ભાઈ કે બહેન રહે અને બાકીના અન્યત્ર (મોટાભાગે શહેરોમાં) બીજા ક્ષેત્રમાં જાય, તે અંગે નવો પ્રવાહ નવા પડકારો ઊભા કરી રહ્યો છે. ગ્રામ્ય જીવનમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા પછી ઉચ્ચ શિક્ષણ શહેરોમાં મેળવ્યું હોય તેવા યુવાનોને ગામડું ગમતું નથી, અને જ ેને ગામડું ગમે છે, તેને ત્યાં પોતાની ઋચિ અથવા લીધેલા શિક્ષણને અનુરૂપ જોવા મળતું નથી કે વ્યવસાયની તકો ઉપલબ્ધ નથી, તેથી તેને મજબૂરીથી ગામડું છોડવું પડે છે...
શિક્ષણમાં પણ ઈન્ડોર શિક્ષણની જ પદ્ધતિઓ વધુ વિક્સી છે. કેટલીક કૃષિ-ઉદ્યોગ વિષયક તાલીમવર્ગો અથવા અભ્યાસક્રમો અપવાદ સિવાય મોટાભાગે ઈન્ડોર શિક્ષણ પદ્ધતિ જ પ્રચલિત છે. તેવી જ રીતે ઈન્ડોર ગેઈમ્સ તથા આઉટડોર ગેઈમ્સ જેવા પ્રકારો આવી ગયા છે. ગામડાઓમાં પણ ધીમે ધીમે ઈન્ડોર ગેઈમ્સનું પ્રમાણ વધવા લાગ્યું છે અને તેની પાછળ ઈન્ડોર આધારિત સોશિયલ મીડિયા ઉપરાંત આઉટડોર ગેઈમ્સ માટે જરૂરી ખુલ્લા વિશાળ મેદાનો, સંલગ્ન સુવિધાઓ તથા ખાસ કરીને તે પ્રકારના માહોલનો અભાવ જવાબદાર છે. નોકરીધંધામાં ફિલ્ડવર્કના બદલે કર્મયોગીઓ ઓફિસવર્ક વધુ પસંદ કરે છે, તો યુવાવર્ગ પણ ખુલ્લુ મેદાન અને સુવિધાઓ ઉપલબ્ધ હોય તો પણ હવે 'મોબાઈલ સેલફોન'માંથી ટાઈમ કાઢીને આઉટડોર પ્રગતિઓ કરવા તૈયાર જ નથી!!
જીવનશૈલી આપણા જ હાથમાં...
કોઈ વૃક્ષને બાથ ભીડીને ઊભેલી વ્યક્તિ એવું કહે કે આ ઝાડવું મને છોડતું જ નથી, પરંતુ હકીકતે તે પોતે જ તે વૃક્ષને છોડતી હોતી નથી અને તેથી જ આપણે તેને હસી કાઢતા હોઈએ છીએ. તેવી જ રીતે વ્યસનો, કૂટેવો, વિકૃતિઓ કે અયોગ્ય જીવનશૈલીને આપણે જ વળગીને ઊભા હોવા છતાં આપણે સમાજ, પરિવાર કે પરંપરાઓને દોષ દેતા હોઈએ છીએ.
હકીકતે સારી જીવનશૈલી આપણા જ હાથમાં હોય છે. બસ, થોડું નિયંત્રણ 'આપણું' આપણી જાત (સ્વયં) પર હોવું જરૂરી છે, જે વ્યક્તિ પોતાની જાત પર નિયંત્રણ રાખી શકતો નથી તે અન્ય કોઈને ય નિયંત્રિત તો ઠીક સંચાલિત પણ કરી શકતો નથી. બીજા પાસેથી કામ લેનારને પોતાને તદ્વિષયક જ્ઞાન, ધગશ અને અનુભવ જ ન હોય, તો તે કાં તો નિષ્ફળ જાય છે, અથવા તો છેતરાય જાય છે. ઘણાં લોકો સારૂ સંચાલન કરવાના ભ્રમમાં રહેતા હોય છે, અને બધું જ પોતાના હાથમાં રાખવાની લ્હાયમાં પોતાના જ પગ પર કૂહાડો મારી દેતા હોય છે. એવા ઘણાં દૃષ્ટાંતો છે, જેમાં સત્તા, નાણા કે તાકાતનો ઘમંડ રાખનારાઓને પોતાના મજબૂત સામ્રાજ્યો, સંપત્તિ કે પરિવારો ગુમાવવા પડતા હોય છે અને ઘણી વખત કમોતે પણ મરવું પડતું હોય છે, તેથી જ જીવનશૈલી આપણા હાથમાં છે તેને વેડફીયે નહીં. આપણે શહેરોમાં પણ અસ્સલ ગ્રામ્યજીવન ઊભું કરી શકીએ છીએ. અને ગામડાઓમાં પણ શહેરી સુવિધાઓ ઊભી કરી શકતા હોઈએ છીએ., બસ, એટલું ધ્યાન રાખવું જોઈએ કે કોઈપણ જીવનશૈલીની ઓરિજનાલિટી (મૂળભૂત અસલિયત) જળવાઈ રહે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial