Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

સોમનાથ મંદિર સાત વખત તૂટ્યુ અને આઠ વખત પુનઃનિર્માણ થયું: હિન્દુઓનું ગૌરવ

મહમુદ ગજનીથી ઓરંગઝેબ સુધી જુદા જુદા મુસ્લિમ શાસકો દ્વારા

                                                                                                                                                                                                      

ભારત વર્ષના પ્રથમ અને મહાન ગણાતા જ્યોતિર્લિંગ સોમનાથના પ્રથભ સ્તંભના અને હિન્દુઓ દ્વારા થયેલા એના નવનિર્માણના હજાર વર્ષની ઉજવણી આજે આખો દેશ કરી રહ્યો છે, ત્યારે જામનગરના ઈતિહાસમાં સોમનાથ સંબંધી લખાયેલી એક પાયાની તારીખને યાદ કરવાનો આ અવસર છે.

સોમનાથ મંદિર છેલ્લા બે હજાર વર્ષનું છે, તેમાંથી પ્રથમ હજાર વર્ષમાં એની સ્થાપના અને છઠ્ઠી-સાતમી સદીના એના વિકાસની કથા સનાતન હિન્દુ ધર્મની એક ગૌરવ ગાથા છે. ભગવાન લકુલીશના અવતાર ગણાતા સોમ શર્મા નામના પશુપતાચાર્યના હાથે ઈ.સ.ના આરંભના વર્ષોમાં તે સમયના ગ્રહો અનુસાર સૌરાષ્ટ્રના સમુદ્રના પશ્ચિમ કિનારે, જ્યાં વૈદિક સરસ્વતી સમુદ્રને મળે છે ત્યાં સોમનાથની સ્થાપના થઈ. આ સમય પછી સમગ્ર ભારત વર્ષની એક પ્રાચીન ગણાતી 'વલ્લભી વિદ્યાપીઠ' અને તેના મૈત્રક રાજાઓ, જે પોતાને 'પરમ માહેશ્વર' તરીકે ઓળખાવે છે તે વલ્લભી નરેશ દ્વારા મૂળના નાના મંદિરને વિશાળ રૂપ આપીને વિકાસ કરવામાં આવ્યો. હવે તે ભારત પ્રસિદ્ધ બન્યું અને સોના, ચાંદી, ઝવેરાતથી અતિ સમૃદ્ધ બન્યું. ભોંય તળિયાના અગિયાર ખંડો આ ઝવેરાતથી ભરચક હતા. આટલી અઢળક સંપત્તિની જાણે ગજનીના સુલતાન મહમુદ ગજનીના કાને પડી અને તેણે હિજરી સંવત ૪૧૬માં સોમનાથ ઉપર ચડાઈ કરી. આ હિજરી સંવત ૪૧૬ના દિવસની ગણતરી ખ્રિસ્તી સંવતમાં કરતા છઠ્ઠી જાન્યુઆરી ૧૦૨૬ આવે છે. આ હિસાબે આજે જાન્યુઆરી ૨૦૨૬માં તેને હજાર વર્ષ પૂરાં થાય છે.

એક હજાર વર્ષથી ધજા ફરકાવતું સોમનાથ મંદિર મહમૂદ ગજનીના હાથે જાન્યુઆરી ૧૦૨૬માં ભાંગ્યુ અને લખલૂંટ સંપત્તિ તથા સેંકડો નર્તકીઓને ઉપાડીને મહમૂદ ગજની તેના દેશ ભેગો થઈ ગયો. મહમૂદ હજુ ગજની નથી પહોંચ્યો ત્યાં જ ૧૦૩૦માં હિન્દુઓએ ભેગા થઈને અહીં-મૂળની જગ્યાએ બીજું મંદિર નિર્માણ કરી દીધું છે. આ સનાતન હિન્દુ ધર્મ છે જે સદૈવ અપરાજિત છે. આ પછી મુસલમાન સુલતાન અલ્લાઉદીન ખીલજીએ બીજું મંદિર તોડ્યું. તરત જ હિન્દુઓએ ત્રીજું મંદિર બાંધ્યું. જેને મહંમદ તઘલખે ત્રીજી વાર ભાંગ્યું, ચોથી વારનું મંદિર ઓખા મંડળના વાઢેર અને પ્રભાસપાટણના વાજા રાજાઓએ સાથે મળીને બાંધ્યું. જે અમદાવાદના પ્રથમ સૂલતાન ઝફરખાનના હાથે તૂટ્યું. છઠ્ઠા મંદિરની સ્થાપના જૂનાગઢના રા'મંડલીક ત્રીજાના હાથે થઈ. તે ઈ.સ. ૧૪૯૦માં મહંમદ બેગડાના હાથે ભાંગ્યું. આ સમયે હમીરજી ગોહિલ અને વેગડો ભીલ કામ આવી ગયા, જેની પ્રતિમા અને પાળીયો આજે સોમનાથમાં હયાત છે. આ મંદિર ઓરંગઝેબના ફતવાથી મુસ્લિમ અધિકારીઓએ તોડી પાડ્યું. અને આજે આઠમીવારનું મંદિર એની પૂરી જાહોજલાલી સાથે સોમનાથમાં ઊભું છે. આ હજાર વર્ષ હિન્દુઓના સ્વાભિમાનના છે, જેણે સોમનાથની ધજાને સતત ફરકતી રાખી છે.

આ છેલ્લા મંદિરના નિર્માણમાં જામનગર મુખ્ય છે. આઝાદી મળ્યા પછી અને જૂનાગઢ રાજ્ય સૌરાષ્ટ્ર રાજ્યમાં વિલીન થયા પછી ૧૯૪૯ની ૨૩મી જાન્યુઆરીએ જામનગરમાં સોમનાથ ટ્રસ્ટની સ્થાપના થયેલી છે. જામસાહેબ, જે તે વખતે સૌરાષ્ટ્ર રાજ્યના રાજપ્રમુખ હતા તેની સાથે ઢેબરભાઈ, શામળદાસ ગાંધી, ગાડગીલ, મુનશી અને સરદારશ્રીએ ભેગા મળીને સોમનાથ ટ્રસ્ટની રચના કરી, જેના ઉપક્રમે આજે આખો દેશ 'સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવી રહેલ છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ પર્વમાં ભાગ લીધો.

નરોત્તમ પલાણ – પોરબંદર

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial