
શિયાળામાં માઘ સ્નાનનું મહત્ત્વ અનોખું છે. આવી કડકડતી ઠંડીમાં પ્રયાગરાજ જવાનું, ત્યાં લાગેલો માઘ મેળો માણવાનો અને ત્યાંના ત્રિવેણી સંગમમાં ડૂબકી મારવાની... તમારી બધી જ ઠંડી ઉડી જશે અને તમારો આવનારો સમય પણ સુધરી જશે...
પરંતુ આ માઘ સ્નાનનો લાભ બધા નથી લઈ શકતા, બધા જ લોકો કંઈ પ્રયાગરાજ રૂબરૂ જઈ શકતા નથી. હવે આવા વંચિત લોકોના લાભાર્થે શેરબજારે જ એક ડૂબકી ખાધી, વારંવાર ડૂબકી ખાધી. સાથે સાથે ઇન્વેસ્ટરોને પણ ડુબકી ખવડાવી. હવે પછી ઇન્વેસ્ટરોનું ભવિષ્ય કેવું હશે તે તો ખબર નથી, પરંતુ અત્યારે તો એસી ઓફિસમાં બેસીને આંગળીના ટેરવે શેરબજારને નચાવતા ભલભલા સટોડીયાઓને પણ ટાઢ ચડી ગઈ છે..!
કહે છે કે અત્યારની મંદી માટે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જવાબદાર છે, તેમની ટેરિફ ટેરરની નીતિ રીતિ જવાબદાર છે. અને સાથે સાથે તેમની સામ્રાજ્યવાદી માનસિકતા પણ જવાબદાર છે.
કહે છે કે ભારતમાં એક સમય એવો હતો કે ધીરુભાઈ અંબાણીને છીંક પણ આવતી તો શેરબજારમાં કડાકા બોલી જતા...! આજે તે જ વાત ડોનાલ્ડ ટ્રમ્પને લાગુ પડે છે. તેમણે ચૂંટણીમાં વચન આપ્યું હતું કે *મેક અમેરિકા ગ્રેટ અગેન*. અમેરિકા ફરીથી કેટલું ગ્રેટ બનશે તે તો સમય જ કહેશે, પરંતુ અત્યારે તો દુનિયા આખીમાં મંદીના વાદળો છવાતા દેખાઈ રહ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ફક્ત એટલું જ કહ્યું છે કે, ભારતથી આવતા માલસામાન પર પાંચ સો ટકા ટેરિફ લગાવીશું, તે સાથે જ શેરબજારમાં રિપબ્લિક ડે ના સેલનું પાટીયુ લાગી ગયું... લગભગ બધા જ શેરોમાં જંગી ડિસ્કાઉન્ટ. સામાન્ય રીતે તો બજારમાં સેલની જાહેરાત થતા જ માણસો ખરીદી માટે ઉમટી પડે છે. પરંતુ આ તો એક નવી નવાઈનુ સેલ છે કે જેની જાહેરાત થતા જ ખરીદનારાઓ, એટલે કે રોકાણકારો બજારમાંથી ગાયબ થઈ જાય છે. કારણ કે આ સેલમાંથી *આજે ખરીદો અને આવતીકાલે લાખના બાર હજાર કરો...!* જેવી વાત છે.
વર્ષોથી આપણને કહેવામાં આવે છે કે અડધું બિસ્કિટ ચામાં ડૂબી જાય, તો બીજા બિસ્કિટથી બહાર કાઢવાની કોશિશ કરવી નહિ; બીજું પણ ડૂબી જ જશે..!!
વર્ષોથી આ વાત મને પૂરી સમજાતી નહોતી, પરંતુ અત્યારની મંદીમાં સતત ઘટતા જતા ભાવે, પોતાના શેરની એવરેજ પડતર કિંમત ઘટાડવા ખરીદી કરતા, અને છેવટે તો ડૂબતા રોકાણકારોને જોયા, ત્યારે સમજાઈ.
જો કે આપણા બધાનો એક અનુભવ એવો પણ છે કે, જ્યારે પણ શેરબજારમાં તેજી થતી દેખાય, અને આપણને કંઈક નફો થતો હોય, ત્યારે જ એક બાજુ રશિયા અને યુક્રેનની લડાઈ થાય, હમાસ અને ઇઝરાયેલ નો સંઘર્ષ થાય, ઇઝરાયેલ અને ઈરાનની લડાઈ થાય... અને તે જ સમયે દુનિયા આખીમાં શાંતિ શાંતિની માળા જપી રહેલા, અને શાંતિ માટે ના નોબેલ પ્રાઇસની અપેક્ષા રાખતા ડોનાલ્ડ ટ્રમ્પ પણ ગ્રીનલેન્ડ માટે લડાઈ લડવાની વાતો કરવા લાગે...! અને એ સાથે જ આપણા રોકાણ પરનો નફો નુકસાનમાં ફેરવાઈ જાય..
જો કે આજની આ મંદીમાં, નુકસાન ઓછું કરવાની એક જ આશા છે, આવતા શનિવાર અને રવિવારની રજાઓ. આ બે દિવસની રજાઓમાં શેર બજાર બંધ રહેશે અને તેના કારણે થોડું નુકસાન ઓછું થશે..!!
ઠીક છે, હવેથી હું શેરબજારમાં રિપબ્લિક ડે ના સેલની અપેક્ષા નહીં રાખું, ફક્ત રજાથી સંતોષ માનીશ.
વિદાય વેળાએ : ભગવાન પછી શેરબજાર જ એક બીજી એવી ચીજ છે કે જેની લાકડીમાં અવાજ નથી હોતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial