
સતત બે ટર્મથી વિજય બનતા સદસ્ય એડ. પરેશ વાઘેલા તથા મિત્રોની શુભેચ્છા મુલાકાતઃ
જામનગર તા. ૧૯: ગુજરાતના બાર કાઉન્સીલ હોદ્દેદારોની વરણી માટે આગામી તા.૬ માર્ચના દિને જામનગર ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓમાં મતદાન યોજાનાર છે ત્યારે આ ચૂંટણીના ઉમેદવાર અને અમદાવાદના એડવોકેટ પરેશભાઈ એચ. વાઘેલા તથા તેમનું મિત્ર મંડળ 'નોબત'ની મુલાકાત આવ્યું હતું. બાર કાઉન્સીલ ઓફ ગુજરાત ઈલેક્શન-૨૦૨૬માં ૯૩ નંબરથી ઉમેદવારી કરી રહેલા પરેશભાઈએ ચૂંટણી અંગે કેટલીક મહત્ત્વની વાતો શેર કરી હતી.
વર્ષ ૨૦૧૨ તથા વર્ષ ૨૦૧૮માં બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયામાં ઉમેદવારી કર્યા પછી પંદર વર્ષ સુધી પરેશભાઈએ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના સભ્ય તરીકે અને વિપક્ષના નેતા તરીકે કેટલીક અગત્યની અને વકીલના ભવિષ્યને વધુ સુદૃઢ બનાવતી કામગીરી બજાવી છે. પાંચ વર્ષ સુધી હોદ્દેદારની નિયુક્તિ કરતી આ ચૂંટણીમાં પ્રથમ વખત વર્ષ ૨૦૧૨માં ઝંપલાવનાર પરેશભાઈએ વર્ષ ૨૦૧૮ની ચૂંટણીમાં પણ વિજય પ્રાપ્ત કર્યાે હતો. ત્યારપછી કોરોનાના કારણે બે વર્ષ સુધી એક્સ્ટેશન અપાયું હતું અને તે પછી ફરીથી નવા હોદ્દેદારની વરણી માટે આગામી તા.૬ના દિને મતદાન યોજવામાં આવ્યું છે.
રાજ્યના તમામ વકીલોના પ્રતિનિધિત્વ માટે યોજાતી આ ચૂંટણીમાં હાલમાં ૯૯ ઉમેદવાર મેદાનમાં છે. જેમાં જામનગરના પણ બે મહિલા અને ત્રણ પુરૂષ એડવોકેટ મળી પાંચ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. કુલ પચ્ચીસ બેઠક માટે ચૂંટણી યોજાશે તેમાંથી ર૩ ઉમેદવારોને આંક-૧, આંક-ર, આંક-૩ એ રીતે સળંગ આંક-ર૩ સુધી મત આપી મતદાર વકીલ મિત્રો પોતાના પ્રતિનિધિઓને ચૂંટી કાઢશે. બે કો. ઓપ. સભ્ય મળી પચ્ચીસ બેઠક માટે મતદાન થશે. પચ્ચીસ બેઠકમાં ૩૩ ટકા મહિલા અનામતની રીતે પાંચ બેઠક પર મહિલા એડવોકેટ્સ ચૂંટણી લડી રહ્યા છે.
આ વખતની ચૂંટણી માટે કુલ ૧૦૪ ફોર્મ રજૂ થયા હતા. જેમાંથી બે ફોર્મ પરત ખેંચાયા હતા અને બે ફોર્મ રદ્દ થયા હતા. જેમાં એક ફોર્મ તેના ઉમેદવાર વિદેશી નાગરિત્વ ધરાવતા હોવાના કારણે અને એક ફોર્મ ઉમેદવારની સનંદ અગાઉ સસ્પેન્ડ થઈ હોવાના કારણે રદ્દ થયું હતું.
રાજ્યભરના તમામ જિલ્લાઓમાંથી ચૂંટણી લડી રહેલા ૯૯ ઉમેદવારમાં ૨૦ મહિલા એડવોકેટ્સ પણ ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે રાજ્યભરના કુલ નોંધાયેલા અને વેરિફાઈડ થયેલા ૧ લાખ ૩૭ હજાર વકીલ મિત્રોમાંથી મતદાન આપવાનો અધિકાર ધરાવતા ૭૬૩૪૮ વકીલ મિત્રો ૧થી ર૩ ક્રમના ઉમેદવારોને આંક-૧, આંક-ર તે રીતે આંક-ર૩ સુધી પોતાનો મત આપી મતાધિકારનો ઉપયોગ કરશે.
ઉપરોક્ત મતદારોમાંથી જામનગર શહેરના ૧૩૪૦ વકીલ મિત્રો અને જિલ્લાના કુલ ૧૮૬૭ મતદારો-વકીલ મિત્રો મતદાન કરવાના છે. તેની સાથે અમદાવાદના ચૂંટણી લડી રહેલા ૨૦ ઉમેદવારો માટે અમદાવાદના ૧૮ હજાર વકીલ મિત્રો મતદાન કરશે.
ઉપરોક્ત ચૂંટણી માટે હાઈકોર્ટના નિવૃત્ત જજની દેખરેખ હેઠળ હાઈપાવર કમિટી તથા અંતિમ નિર્ણય માટે સુપ્રિમ કોર્ટના નિવૃત્ત જજની સુપરવાઈઝરી કમિટીની સીધી દેખરેખ હેઠળ યોજાનારી ચૂંટણીમાં દરેક મતદાર પ્રેફરન્સીયલ વોટીંગ સિસ્ટમ અંતર્ગત ર૩ મત આપી શકશે તેઓ ર૩થી ઓછા મત આપી શકે છે પરંતુ તેઓ દ્વારા ર૩થી વધુ મત આપવામાં આવશે તો તેઓનું મતદાન ગણતરીમાં લેવામાં આવશે નહીં. મતદારો પોતાના મનપસંદ ઉમેદવારને નં.૧ અથવા નં.ર અથવા નં.૩ એમ નં.ર૩ સુધી મત આપી શકશે.
વધુમાં પરેશભાઈ વાઘેલાએ જણાવ્યા મુજબ એક ઉમેદવારને જીત માટે ૧૭૦૦થી ૧૮૦૦ મતની જરૂરિયાત રહે છે ત્યારપછી થયેલા મતદાનની ગણતરી શરૂ કરવામાં આવે છે. પરેશભાઈના જણાવ્યા મુજબ પોતાના ક્ષેત્રના હોંશિયાર આંકડાશાસ્ત્રીઓની સેવા મેળવી મતગણતરી શરૂ કરવામાં આવે છે. જેને અંદાજે એક સપ્તાહ જેટલો ગણતરીમાં સમય લાગી શકે છે. જો કે, વર્ષ ૨૦૧૮માં યોજાયેલી બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની છેલ્લી ચૂંટણીમાં અંદાજે દોઢ મહિના સુધી મતગણતરી થયા પછી વિજેતાઓના નામ જાહેર થઈ શક્યા હતા.
આગામી તા.૬ના દિને જામનગરના પાંચ ઉમેદવાર સહિત રાજ્યના ૯૯ ઉમેદવારને રાજ્યના કુલ ૭૬૩૪૮ મતદાર વકીલ મિત્રો મત આપી આગામી પાંચ વર્ષ માટે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના સદસ્ય બનાવવાના છે ત્યારે 'નોબત' પરિવારે પરેશભાઈ એચ. વાઘેલાને સતત ત્રીજા વિજય માટે શુભેચ્છાઓ પાઠવી વકીલ મિત્રો માટે આજ રીતે કામ કરતા રહેવાનો અનુરોધ કર્યાે છે.
૫૦થી વધુ વકીલની સંખ્યા હોય ત્યાં પોલીંગ બુથઃ
દરેક ઉમેદવારે ભરવાની રહે છે સવા લાખની નોન રીફંડેબલ ડિપોઝિટઆગામી મહિનાના પ્રથમ સપ્તાહમાં ગુજરાતના બાર કાઉન્સીલની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આ વખતની ચૂંટણીમાં ૧૦૪ ઉમેદવારોએ ફોર્મ રજૂ કર્યા હતા. જેમાંથી ૯૯ ઉમેદવાર હાલમાં ચૂંટણીજંગમાં છે ત્યારે દરેક ઉમેદવારે નોન રીફંડેબલ એમાઉન્ટ તરીકે રૂ।.સવા લાખ ડિપોઝિટ પેટે જમા કરવાના હોય છે. જે ર૩ સદસ્ય ચૂંટાઈ આવવાના છે તે સિવાયના બાકીના ઉમેદવારની ઉપરોક્ત ડિપોઝિટ ફંડ પેટે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં જમા થશે.
ઉપરોક્ત વિગતો આપતા સીટીંગ સદસ્ય પરેશભાઈએ ઉમેર્યું છે કે, જે જિલ્લાના બાર એસોસિએશનમાં પ૦થી વધુ વકીલની સંખ્યા હોય ત્યાં પોલીંગ બુથ ફાળવાયું છે. તે રીતે જામનગર શહેર ઉપરાંત જિલ્લાના અન્ય છ તાલુકાઓમાંથી અમૂક તાલુકાઓમાં આગામી તા.૬ના દિવસે મતદાન થશે.
એડવોકેટ બનતા પહેલાં આપવી પડે છે કઠિન પરીક્ષાઃ
એલએલબીના ઉમેદવારે એઆઈબીઈની પરીક્ષા આપવી ફરજિયાત...
આગામી ચૂંટણીના ઉમેદવાર પરેશભાઈ વાઘેલાના જણાવ્યા મુજબ હવે કોઈપણ વિદ્યાર્થીએ એડવોકેટ બનતા પહેલાં કઠિન ગણાતી ઓલ ઈન્ડિયા બાર એક્ઝામ પાસ કરવી ફરજિયાત બની છે.
વર્ષ ૨૦૧૦ પછી ઉપરોક્ત એક્ઝામ પાસ કરવાનું અને ત્યારપછી સનંદ ફાળવવાનું ફરજિયાત થયું છે. ઉપરોક્ત પરીક્ષા આપનાર વિદ્યાર્થી એડવોકેટ બનતા પહેલા રાજકોટ, અમદાવાદ અથવા સુરતમાં લેવાતી આ પરીક્ષામાં ભાગ લીધા પછી માંડ ૫૦ ટકા જેટલા આવતા રીઝલ્ટમાં ઉત્તીર્ણ થાય, સનંદ ફાળવવામાં આવે તે પછી એડવોકેટ તરીકે કારર્કિદી શરૂ કરી શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial