Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

ફરી એક વખત બજેટ...

                                                                                                                                                                                                      

ફેબ્રુઆરી મહિનો એટલે બજેટનો મહિનો. એટલે કે અત્યારે બજેટની સિઝન ચાલે છે. સૌથી પહેલા તો કેન્દ્ર સરકારનું બજેટ આવ્યું. એ બજેટ આપણને સમજાય, અને એ બજેટ પ્રમાણે જ આપણા ઘરના બજેટના આવક ખર્ચનો ટાંગા-મેળ થાય, એ પહેલા જ આપણું ગુજરાત સરકારનું બજેટ પણ આવી ગયું -- ? કોઈ જ નવા કરવેરા વગરનું બજેટ.

બજેટ જોતા જ સમજાઈ ગયું કે ચૂંટણીઓ નજીક આવતી લાગે છે. ચૂંટણીનું કેલેન્ડર જોયું તો ખબર પડી કે આવતા વર્ષે જ ગુજરાત માં ચૂંટણીઓ આવી રહી છે.

આ ચૂંટણી શબ્દમાં જ કશોક જાદુ તો છે જ. ચૂંટણી આવે એટલે પ્રજા પર કોઈ જ નવા કરવેરા નહીં. એટલે કે આપણા ઉપર કોઈ નવો કરબોજ નહીં.

હું તો કહું છું કે બજેટ પણ ચૂંટણીની જેમ જ પાંચ વર્ષે એક વાર જ હોવું જોઈએ, અને તે પણ ચૂંટણીના થોડા સમય પહેલા. આવું થાય તો નાણામંત્રીએ નવા નવા કરવેરા શોધવાની કોઈ માથાકૂટ જ નહીં ને.

બજેટ આવે એટલે તરત જ બજેટ વિશેના અભિપ્રાયો પણ આવવાના જ. અને બૌદ્ધિક માણસો વચ્ચે હંમેશા અભિપ્રાયભેદ તો રહેવાના જ. તમારે બજેટના ફાયદા જ જાણવા હોય તો શાસક પક્ષતા અભિપ્રાય વાંચવાના. બજેટમાં આવતી  કરવેરાની એક એક જોગવાઈમાં તમને જનકલ્યાણની યોજનાઓના દર્શન થશે.

પરંતુ જો તમે બજેટ વિશે વિરોધ પક્ષના અભિપ્રાય જાણશો તો તમને સમજાશે કે આ બજેટમાં તો પ્રજા કલ્યાણનું નામ જ છે, બાકી સાચો ફાયદો તો ઉદ્યોગપતિઓને અને નેતાઓને જ છે.

જો કે આ  વર્ષ ના ગુજરાત સરકારના બજેટમાં એક નવી વાત તો છે, અને તે છે કોમનવેલ્થ ગેમ્સ માટેની તૈયારી. અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ યોજવાનું નક્કી થયું તે પછીનું આ પ્રથમ બજેટ છે. આ બજેટમાં કોમનવેલ્થ ગેમ્સને આવકારવાની સરકારની તૈયારી સ્પષ્ટ રૂપે દેખાય છે.

સરકારે કોમનવેલ્થ ગેમ્સ માટે નવા નવા સ્ટેડિયમ અને વર્લ્ડ ક્લાસ સ્વિમિંગ પૂલ વગેરે બનાવવા માટે જંગી રકમની ફાળવણી કરી છે. બજેટમાં જોગવાઈ છે તો નવા સ્ટેડિયમ સ્વિમિંગ પૂલ વગેરે જરૂર બનશે જ. અને આપણા યુવાનો પણ ત્યાં જરૂરી ટ્રેનિંગ લઈને અને પ્રેક્ટિસ કરીને મેડલ્સ જીતશે જ.

પરંતુ આપણી ગુજરાતી પ્રજા સ્વાવલંબી પણ છે અને ઘણી બધી બાબતોમાં આત્મનિર્ભર પણ છે. યુવાનોએ રમતગમતની વિવિધ સ્પર્ધાઓની તૈયારી નવા સ્ટેડિયમ બનતા પહેલા જ શરૂ કરી દીધી છે. દા.ત. વિઘ્નદોડની તૈયારી. વિઘ્નદોડની તૈયારી માટે અમદાવાદના રસ્તાઓ તો બેસ્ટ છે. રસ્તા ઉપર  અવારનવાર પડતાં ભુવાઓ, જ્યાં ભુવા ન પડતા હોય ત્યાં કોન્ટ્રાક્ટરોએ ખોદી કાઢેલા ખાડાઓ, અનિયંત્રિત અને આડેધડ એવો ટ્રાફિક, આનાથી વધારે વિઘ્ન તમને ક્યાં જોવા મળશે ?

હું તો ચોક્કસપણે એવું માનું છું કે અમદાવાદના રસ્તાઓ પર જેણે  બધા જ પ્રકારના  વિઘ્નોનો સફળતાપૂર્વક સામનો કર્યો હોય, તેવા રમતવીરોને કોમનવેલ્થ ગેમ્સ શરૂ થાય તે પહેલા જ ગોલ્ડ મેડલ આપી દેવો જોઈએ..!

આવી જ  સગવડ સ્વિમિંગ માટે પણ અમદાવાદના રસ્તાઓ ઉપર છે. ચોમાસામાં પહેલો વરસાદ પડતા જ શહેરના લગભગ બધા જ અંડરપાસ સ્વીમીંગ પુલમાં ફેરવાઈ જાય છે, જ્યાં ઉત્સાહી યુવાનો સ્વિમિંગની પ્રેક્ટિસ પણ કરી શકે છે અને ભવિષ્યમાં દેશ માટે મેડલ પણ જીતી શકે છે.

વિદાય વેળાએ : પૈસો ફક્ત એક જ ભાષા બોલે છે, *જો આજે તમે મને બચાવશો તો આવતીકાલે હું તમને બચાવીશ..!!*

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial