Sensex

વિગતવાર સમાચાર

ગુજરાત વિધાનસભામાં ગુંજ્યા ડ્રગ્સ-ગૌમાંસના મુદ્દા... પરિપત્ર કે પરપોટો ?

                                                                                                                                                                                                      

થોડા દિવસો પહેલા દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સદાનંદજીએ રૂપેણ બંદર પરથી ગૌમાંસ પકડાય, તે સંદર્ભે નિવેદન આપ્યું હતું અને દોષિતો સામે અત્યંત કડક કાનૂની કદમ ઉઠાવવાની જોરદાર માંગ ઉઠાવી હતી. દ્વારકા જેવા પવિત્ર યાત્રાધામમાં ગૌમાંસની હેરાફેરી થતી હોવાના મુદ્દે હિન્દુ સંગઠનોએ પણ નારાજગી વ્યકત કરીને આ સંદર્ભે વધુ કડક કદમ ઉઠાવવાની માંગણી કરી હતી. ગુજરાતમાં ગાય માતાના રક્ષણ માટે રાજ્ય સરકાર નક્કર કદમ ઉઠાવે, તેવી માંગણી પણ પડઘાઈ હતી. તે પછી રાજ્યભરમાં ગૌમાંસ, ગૌહત્યા અને ગાયોના સંરક્ષણની જરૂર હોય જેવા મુદ્દાઓ ચર્ચાતા રહ્યા પછી હવે આ મુદ્દો વિધાનસભામાં પણ ગુંજ્યો છે.

ગૌમાંસના મુદ્દે ગઈકાલે વિધાનસભા ગૃહમાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે તનાતની પણ થઈ હતી.

હકીકતે ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણના પ્રશ્નના જવાબમાં રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યુ હતું કે બે વર્ષમાં મહીસાગર અને અમરેલી જિલ્લાઓમાંથી ૧૯૫૭ કિલો ગૌમાંસ પકડાયુ હતું અને ૩૧ આરોપીઓની ધરપકડ કરી કાનૂની કાર્યવાહી કરી હતી. ગૌવંશના મુદ્દે કોંગી ધારાસભ્ય અમિત ચાવડાએ કહ્યું હતું કે જો ગૌમાતાને રાજ્યમાતાનો દરજ્જો ગુજરાત સરકાર આપશે, તો કોંગ્રેસ તેને ટેકો આપશે. રાજ્ય સરકારે વિધાનસભામાં જણાવ્યુ હતું કે ગૌવંશ મામલે ૨૨૯ ગૂન્હા દાખલ કરાયા છે, અને ૧૮૦ લોકોને તડીપાર કરાયા છે. બે વર્ષમાં ૧૦ ગૌવંશને (કતલખાને જતા) છોડાવ્યા છે.

વિધાનસભામાં ગુંજેલો બીજો મુદ્દો રાજ્ય સરકારને (દારૂબંધી હોવા છતાં) વિદેશી દારૂના વેચાણના કારણે રૂ।. એક અબજથી વધુની આવક થઈ છે. અમદાવાદ-ગાંધીનગરની ૩૨ હોટલ્સને વિદેશી દારૂના વેચાણની મંજુરી આપવામાં આવી છે. ઈમરાન ખેડાવાલાના પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે આ જવાબ આપ્યો હતો, જ્યારે ગુજરાતમાં ડ્રગ્સના મુદ્દે રાજ્યનું ગૃહખાતુ સંભાળતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું હતું કે રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરીના મુદ્દે સરકાર સતર્ક છે, અને કચ્છમાં જ્યાંથી ડ્રગ્સ પકડાયુ હતું, ત્યાં અત્યારે પોલીસ સ્ટેશન બનાવી દેવાયુ છે, વિગેરે...

ધારાસભ્યોના પ્રશ્નો તથા સરકારના જવાબોમાંથી એવું તારણ કાઢી શકાય કે ગુજરાતમાં "કડક" દારૂબંધી હોવા છતાં માત્ર ગેરકાયદેસર જ નહીં, પરંતુ કાયદેસર  રીતે પરમીટો ઉપર પણ વિદેશી દારૂ વેચાય છે, અને પીવાય છે. ગુજરાતમાંથી પકડાતા ડ્રગ્સનો મુદ્દો સરકારના મંત્રી કે નાયબ મુખ્યમંત્રી એકાદ પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટનનો ઉલ્લેખ કરીને હળવાશથી લઈ લે, તે ઠીક નથી. જનપ્રત્યાઘાતો મુજબ ડ્રગ્સ, દારૂ અને ગૌમાંસના મુદ્દે રાજ્ય સરકાર જોઈએ તેટલી ગંભીર જણાતી નથી. બીજી નોંધપાત્ર બાબત એ પણ છે કે ગુજરાતમાં ગૌમાતાને રાજ્યમાતા બનાવવાની રાજ્ય સરકાર તૈયારી બતાવે તો કોંગ્રેસ સમર્થન આપશે, તેવો દાવો પણ કરાતો હોવાથી જો ગૌમાતાને આ જ રીતે રાષ્ટ્રીય સન્માન મળે કે રાષ્ટ્રીય પવિત્ર પશુધન કે એવું કોઈ બિરૂદ અપાય, કે જેથી તેની સુરક્ષા કરવી અને રાષ્ટ્રીય અને બંધારણીય ફરજ બની જાય, તેવી સંભાવનાઓ વધી ગઈ છે. જો કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓની જેમ રાષ્ટ્રીય નેતાઓ આ મુદ્દે કેવા પ્રત્યાઘાતો આપે છે, તે જોવાનું રહે છે.

ભાજપ માટે કેટલાક જિલ્લાઓમાં મુશ્કેલી ઊભી થતી દેખાય છે. કોઈ શહેરમાં સ્મશાનમાં બેસીને ભાજપના જ બીજા નેતાઓ પર આક્ષેપોનો મારો ચલાવાય છે, તો જામનગર જેવા શહેરોમાં તાજેતરમાં નિમાયેલા કેટલાક હોદ્દેદારો પ્રત્યે અસંતોષ તથા સંનિષ્ઠ કાર્યકરો, નેતાઓની નારાજગીનો મદ્દો ચર્ચામાં છે, તેવામાં ડ્રગ્સ, ગૌમાંસ, ગૌવંશ જેવા મુદ્દાઓને કારણે વિધાનસભામાં તોતીંગ બહુમતી ધરાવતી સરકાર પણ મુંઝવણ કે ગૂંચવણમાં હોય તેવો આભાસ થાય છે. આ કારણે જ રાજ્ય સરકારે પાઠવેલા શિક્ષકોની કામગીરીને સાંકળતા પરિપત્રને લઈને પણ આશંકાઓ વ્યક્ત થવા લાગી છે.

એક તરફ આજથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ છે અને વિદ્યાર્થી ભાઈ-બહેનોને શુભેચ્છાઓ પઠાવાઈ રહી છે, તેમ જ વિદ્યાર્થીઓને એકાદ પેપર નબળુ જાય કે પરીક્ષા બરાબર ન જાય, તો પણ નાસીપાસ કે હતાશ નહીં થવા તથા પૂરેપૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે પરીક્ષા આપવાની સલાહ અપાઈ રહી છે, અને તે ૧૦૦ ટકા  સાચી અને જરૂરી છે, તો બીજી તરફ સરકારે પાઠવેલા પરિપત્રમાં જ શિક્ષકોના વર્તુળોને શ્રદ્ધા કે વિશ્વાસ જણાતા નથી, તેથી એ મુદ્દો પણ બે દિવસથી રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

હકીકતે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગે એક પરિપત્ર પાઠવીને પ્રાથમિક શિક્ષકોને કેટલાક અપવાદ સિવાય બિન શૈક્ષણિક કામગીરીમાંથી મૂક્તિ આપી દીધી, તે પછી પણ શિક્ષકોને હજુ પણ કોઈને કોઈ બહાને બિનશૈક્ષણિક કામગીરીમાં જોતરવામાં આવશે, તેવી આશંકાઓ શિક્ષણજગતમાં ઉભરી રહી છે.

જો કે, શિક્ષક સંઘોએ આ નિર્ણયને આવકાર્યો છે, કારણ કે ઘણાં સમયથી શિક્ષકસંઘો આ માટે રજૂઆતો કરી રહ્યા હતા પરંતુ આ પરિપત્ર પરપોટાનીફ જેમ ફૂટીને નિરર્થક બની જશે અને કોઈને કોઈ રીતે કે પછી પરોક્ષ રીતે ભરમાવી કે દબાણ ઊભું કરીને પણ શિક્ષકો પાસે રાજકીય મેળાવડાઓને રાષ્ટ્રીય કાર્યક્રમનું સ્વરૂપ આપીને શિક્ષકો પાસેથી બિન શૈક્ષણિક કામગીરી કરાવતી રહેશે, તેવી આશંકાઓ પણ ઉઠી રહી છે, જેનું સ્પષ્ટ નિવારણ કરવા દરેક જિલ્લાકક્ષાએ સક્ષમ અધિકારી કે કલેકટરો દ્વારા સરકારે ચોખવટ કરવી જોઈએ, તેવો જનમત અવગણવા જેવો નથી.

વિરોધપક્ષના ધારાસભ્યોની સંખ્યા વિધાનસભામાં ભલે ઓછી હોય, પરંતુ લોકોની વચ્ચે જઈને આ થોડાક ધારાસભ્યો સરકારને ઢગલાબંધ મુદ્દે ઘેરી રહ્યા છે. આમઆદમી પાર્ટીએ તો કેટલાક દૃષ્ટાંતો સાથે ભાજપ સરકાર "આપ"ના નેતાઓ પર હુમલા કરતા દોષિતોને છાવરવાનો આક્ષેપ લગાવ્યો છે, અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી પણ આપી દીધી છે...જોઈએ...હવે શું થાય છે તે....

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial