
ક્યારેક સમય એવો હતો કે સ્ત્રીની ઓળખ ફક્ત ઘરના કામ સુધી સીમિત ગણાતી. ઘરની ચાર દીવાલની અંદર રસોડા સુધીનું જ એનું સ્થાન મનાતું. પુરૂષ કમાય અને સ્ત્રી ઘર સંભાળે એ એક અઘોષિત નિયમ હતો.
પણ સમયના ફેરબદલ સાથે સ્ત્રીએ એ બાંધી દેવાયેલ સીમાઓ તોડી નાંખી છે. આજે તે શિક્ષણ, નોકરી, વ્યવસાય અને રાજકારણના દરેક ક્ષેત્રમાં પોતાના પરિશ્રમથી સ્થાન બનાવી રહી છે.
પણ પ્રશ્ન એ છે કે શું સમાજ અને કાયદો એ સ્ત્રીને આર્થિક રીતે સમાન સન્માન આપે છે? શું એની મહેનતનું મૂલ્ય પુરૂષ જેટલું માનવામાં આવે છે?
ભારતના બંધારણમાં સમાનતાનો સિદ્ધાંત મૂળભૂત હક તરીકે સ્થાન પામ્યો છે. તેમાં નક્કી કરવામાં આવ્યું છે કે કોઈ પણ નાગરિકને તેના લિંગના આધારે ભેદભાવ નહીં કરવામાં આવે. એટલે કે સ્ત્રી અને પુરૂષ બંનેને સમાન તક, સમાન કામ માટે સમાન વેતન અને સમાન અધિકાર મળવો જોઈએ.
સમાન કામ માટે સમાન વેતન
ભારતના કાયદાએ સ્ત્રી અને પુરૂષ વચ્ચે પગારના ભેદભાવને નકારી કાઢ્યો છે.
સમાન કાર્ય માટે સમાન વેતન એ હવે માત્ર વિચાર નહીં, કાયદાનો દિશાસૂચક સિદ્ધાંત છે.
જો કોઈ સંસ્થા પુરૂષને વધારે પગાર અને સ્ત્રીને ઓછું આપે, જ્યારે બંને એકસરખું કાર્ય કરે છે, તો એ સ્ત્રીના મૂળભૂત હકનું ઉલ્લંઘન ગણાય છે.
કાયદો ફક્ત પગારની સમાનતા જ નથી લાદતો, પરંતુ તે રોજગારની દરેક તકમાં સમાનતાની માંગ કરે છે.
ભરતી વખતે, ઉન્નતિ (પ્રમોશન), તાલીમ કે ફરજના વિતરણમાં પણ સ્ત્રીને સમાન તક આપવી કાયદેસર ફરજ છે.
આથી સ્ત્રીને કોઈ સંસ્થા સ્ત્રી છે એ બહાને નોકરી આપવા ઇન્કાર કરી શકતી નથી કે ઓછું વેતન આપી શકતી નથી.
માતૃત્વનો સન્માન અધિકાર, ઉપકાર નહીં
સ્ત્રી જ્યારે માતૃત્વ સ્વીકારે છે, ત્યારે એ સમાજ માટે નવી પેઢીનું સર્જન કરે છે.
પણ ઘણીવાર સંસ્થાઓ એ સમયને અડચણ ગણે છે.
પરંતુ કાયદો સ્પષ્ટ કહે છે કે માતૃત્વ સ્ત્રીનો જન્મસિદ્ધ અધિકાર છે.
કોઈ પણ સ્ત્રી કર્મચારીને પ્રસૂતિ પહેલાં અને પછી મળીને ઓછામાં ઓછા છ મહિના જેટલી વેતનસહિત રજા મળવી જ જોઈએ.
તે સમયગાળામાં નોકરી માંથી હટાવવી કે વેતન રોકવું કાયદેસર રીતે મનાઈ છે.
જો સ્ત્રી પ્રસૂતિ બાદ પોતાના બાળકની સંભાળ સાથે ઘરેથી કામ કરવા ઇચ્છે, તો સંસ્થાએ તેની માંગનો વિચાર કરવો ફરજિયાત છે.
કાયદો કહે છે કે માતૃત્વ એ સ્ત્રીનો સામાજિક યોગદાન છે, નોકરીમાંથી છૂટ્ટી નહીં. આ હક સ્ત્રીની આરોગ્ય, બાળકના હિત અને માનવતા ત્રણેની રક્ષા માટે છે.
કાર્યસ્થળ પર સન્માન અને સુરક્ષા
સ્ત્રીને કામ કરવાની તક મળી એ પૂરતું નથી, એને સુરક્ષા અને સન્માન પણ મળવું જોઈએ.
કાર્યસ્થળ પર સ્ત્રીને કોઈપણ પ્રકારની હેરાનગતિ, અપમાન કે દબાણ સહન કરવાનું ન પડે એ માટે કાયદો ખાસ સુરક્ષા આપે છે.
દરેક કચેરી, શાળા કે દફતરમાં સ્ત્રીઓ માટે આંતરિક ફરિયાદ સમિતિ હોવી આવશ્યક છે.
જો કોઈ પુરૂષ અધિકારી કે સહકર્મચારી દ્વારા સ્ત્રી સાથે અયોગ્ય વર્તન થાય, તો એ સમિતિ તરત તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરે છે.
કાયદો અહીં સ્પષ્ટ સંદેશ આપે છે સ્ત્રીની મૌનતા એ એની સંમતિ નથી. સન્માન સાથે કામ કરવું એ પણ કર્મસ્થળનો મૂળભૂત હક છે.
સરકારી નોકરીઓમાં ખાસ સુવિધાઓ
સરકારી સેવાઓમાં સ્ત્રી માટે વિશેષ વ્યવસ્થાઓ છે માતૃત્વ રજા, બાળકની સંભાળ માટે અર્ધવેતન રજા, પતિપત્નીનું સ્થાનાંતરણ એક જ શહેરમાં રાખવા જેવી નીતિઓ.
આનો હેતુ એ છે કે સ્ત્રીને પરિવાર અને નોકરી બંનેમાં સંતુલન જાળવવું સરળ બને.
કોર્ટોએ અનેક પ્રસંગે કહૃાું છે કે સ્ત્રીની નોકરી એની આર્થિક સ્વતંત્રતા સાથે એની આત્મસન્માનની અભિવ્યક્તિ છે.
આથી કાયદો એને ગુમાવા દેતો નથી, પરંતુ રક્ષણ આપે છે.
ખાનગી ક્ષેત્રમાં વાસ્તવિક સંઘર્ષ
ખાનગી ક્ષેત્રમાં આજેય પગાર અને તકના મામલામાં સ્ત્રીઓ સાથે ભેદભાવ જોવા મળે છે.
કાયદા હોવા છતાં, ઘણીવાર સ્ત્રીને ઓછા વેતન પર રાખવામાં આવે છે કે મેટરનિટીના કારણે નોકરી ખસેડવામાં આવે છે.
પરંતુ હવે કાયદો એવી હરકતને અન્યાય ગણાવે છે.
સ્ત્રી પોતાનો હક માગી શકે છે, લેખિત ફરિયાદ કરી શકે છે અને તંત્ર એની તપાસ કરવાનું ફરજિયાત છે.
દરેક સંસ્થાએ હવે સ્ત્રીઓ માટે સમાન નીતિ ઘડવી પડે છે ભરતીથી લઈ પ્રમોશન સુધીના દરેક તબક્કે પારદર્શક વ્યવસ્થા જરૂરી છે.
આ રીતે કાયદો એ વિચારને પ્રબળ કરે છે કે કામની કિંમત લિંગથી નક્કી થતી નથી, ગુણ અને મહેનતથી થાય છે.
આર્થિક સ્વતંત્રતા એટલે માનસિક સ્વતંત્રતા
સ્ત્રી જ્યારે પોતાનો પરિશ્રમ કરીને કમાય છે અને એ કમાણી પર પોતાનો હક અનુભવે છે, ત્યારે એ ફક્ત પૈસાથી નહીં પરંતુ આત્મવિશ્વાસથી પણ સમૃદ્ધ બને છે.
કાયદો કહે છે કે પત્ની પોતાની કમાણી, બેંક ખાતું કે રોકાણ પર સંપૂર્ણ માલિકી ધરાવે છે. પતિ કે પરિવાર એ પૈસા પર કબજો રાખી શકતા નથી કે નિર્ણય લઈ શકતા નથી.
આ હક માત્ર આર્થિક નથી એ સ્ત્રીના આત્મસન્માનનું પ્રતિબિંબ છે. એક પ્રખ્યાત ન્યાયિક નિર્ણયમાં જણાવાયું હતું કે સ્ત્રીની કમાણી પર કોઈ બીજાનો હક નથી. તે પોતાની આવક કેવી રીતે વાપરે એનો નિર્ણય સ્વતંત્ર રીતે લઈ શકે છે.
આથી કાયદો સ્ત્રીને કમાણીની સ્વાયત્તતા આપે છે જે સાચા અર્થમાં સ્વતંત્રતાનું ચિહ્ન છે.
સમાન તક સમાજની સમૃદ્ધિ
કાયદો સ્ત્રીને સમાન તક આપે છે, પરંતુ સમાજને એ સ્વીકારવાની ફરજ છે.
સ્ત્રીની આર્થિક ભાગીદારી વધે એનો અર્થ માત્ર એ નથી કે તે કમાય છે એનો અર્થ એ છે કે તે પોતાના જીવનના દરેક નિર્ણયમાં સમાન ભાગીદાર બને છે. જ્યારે સ્ત્રી નાણાકીય રીતે મજબૂત બને છે, ત્યારે આખો પરિવાર મજબૂત બને છે, સમાજ પ્રગતિ કરે છે.
સમાન પગાર, સમાન ભથ્થું અને સમાન તક આ ત્રણ શબ્દો માત્ર કાયદાની ભાષા નથી, એ સમાજના નૈતિક ધર્મ છે.
સ્ત્રીને આર્થિક રીતે સશક્ત કરવી એ એના આત્મસન્માન અને સ્વાભિમાનને માન આપવાની પ્રથમ કડી છે. સ્ત્રી હવે દયા કે ઉપકારથી નહીં, પોતાના હકથી જીવવા ઇચ્છે છે. તેને હવે કોઈની પરવાનગીની જરૂર નથી; એને કાયદાનો આધાર છે, મહેનતની શક્તિ છે અને આત્મવિશ્વાસનો પ્રકાશ છે, કારણ કે આર્થિક સમાનતા એ સ્ત્રીના સ્વાભિમાનનું બીજ છે, જે સમાજની સમૃદ્ધિનો ફૂલ બને છે.
ધ્વનિ લાખાણી એડવોકેટ, ગુજ. હાઈકોર્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial