Sensex

વિગતવાર સમાચાર

સમગ્ર દેશમાં પેટ્રોલિયમ પ્રોડકટ્સ અને ગેસ માટે એસ્મા લાગુઃ પ્રાયોરિટીઝ નકકી

ગેસ, પેટ્રોલ, ડીઝલની સંગ્રહાખોરી રોકવાના હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૦: કેન્દ્ર સરકારે ગેસ, પેટ્રોલ, ડીઝલની સંગ્રહાખોરી રોકવા સમગ્ર દેશમાં 'એસ્મા' લાગુ કરી દીધો છે. તો કેટલાક રાજ્યોએ પણ કેટલાક પ્રતિબંધાત્મક આદેશો કર્યા છે.

પંજાબમાં અહીં ૮ માર્ચથી જ ૧૯ કિલોના કોમર્શિયલ અને મોટા ઔદ્યોગિક સિલિન્ડરોનું ડિસ્પેચ રોકી દેવામાં આવ્યું છે. જ્યારે ડિસ્ટ્રીબ્યુટર્સને કહેવામાં આવ્યું છે કે ૨૫ દિવસ પહેલા કોઈ પણ ઘરેલું ગ્રાહકની બુકિંગ સ્વીકારવામાં ન આવે.

આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં હૈદરાબાદ સહિત ઘણા જિલ્લાઓમાં કોમર્શિયલ સિલિન્ડર બુકિંગ ફ્રીઝ કરી દેવામાં આવ્યું છે. નાના હોટલ અને ભોજનાલય ચલાવનારાઓએ સરકારને વિનંતી કરી છે કે સપ્લાય ફરીથી શરૂ કરવામાં આવે, કારણ કે તેનાથી લાખો લોકોની આજીવિકા જોડાયેલી છે.

બીજી તરફ સરકારે ઉચ્ચ-સ્તરીય સમિતિ બનાવી છે. અમેરિકા-ઇઝરાયલ અને ઇરાનના યુદ્ધના કારણે રાજ્યમાં ગેસ પુરવઠાને લઈને ઉદ્યોગોમાં મર્યાદા મૂકવામાં આવ્યા પછી રાંધણ ગેસ અંગે લોકોમાં ઊભી થયેલી ચિંતાઓ વચ્ચે ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટતા કરી છે કે સામાન્ય નાગરિકોને મળતા રાંધણ ગેસના પુરવઠામાં કોઈ તકલીફ ન થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર આ મુદ્દે કેન્દ્ર સરકાર સાથે સતત સંપર્કમાં છે અને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે.

કેન્દ્ર સરકારે દેશભરમાં 'એસેન્શિયલ કોમોડિટી એક્ટ ૧૯પપ' લાગુ કરી દીધો છે. હોર્મુઝ જળમાર્ગના રસ્તે થતી ગેસ સપ્લાય ઠપ થયા પછી સરકારે આ પગલું ભર્યું છે. ગેસની અછતને ધ્યાનમાં રાખીને દિલ્હી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ સહિત ઘણાં રાજ્યોએ કોમર્શિયલ ગેસના સપ્લાય પર હાલ પૂરતો પ્રતિબંધ મૂક્યો છે.

કોમોડિટી એક્ટ લાગુ થયા પછી હવે ચાર કેટેગરીમાં ગેસ વહેંચાશે. પ્રથમ કેટેગરીમાં ઘરનો રસોઈ ગેસ અને વાહનોમાં ભરાતી સીએનજી આવેછે. તેમને પહેલાની જેમ સંપૂર્ણ ગેસ મળતો રહેશે. જે સંપૂર્ણ સપ્લાઈની કેટેગરીમાં ગણાશે.

બીજી કેટેગરીમાં ખાતર બનાવતી ફેક્ટરીઓને લગભગ ૭૦ ટકા ગેસ આપવામાં આવશે. તેમને એ સાબિત કરવું પડશે કે ગેસનો ઉપયોગ ખાતર બનાવવામાં જ થયો છે. ત્રીજી કેટેગરી (મોટા ઉદ્યોગો) માં નેશનલ ગ્રીડ સાથે જોડાયેલી ચાની ફેક્ટરીઓ અને અન્ય મોટા ઉદ્યોગોને તેમની જરૂરિયાત મુજબ લગભગ ૮૦ ટકા ગેસ મળશે. ચોથી કેટેગરી (નાના વ્યવસાયો અને હોટલ) માટે શહેરોના ગેસ નેટવર્ક સાથે જોડાયેલા નાના કારખાનાઓ, હોટલ અને રેસ્ટોરન્ટને પણ તેમની જુની ખપત મુજબ લગભગ ૮૦ ટકા ગેસ આપવામાં આવશે.

ઉત્તર પ્રદેશમાં કોમર્શિયલ સિલિન્ડરોની સપ્લાય પર અઘોષિત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આનાથી હોટેલ-રેસ્ટોરન્ટ અને ઢાબા સંચાલકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. કંપનીઓએ એજન્સીઓને સંપૂર્ણ ધ્યાન ફક્ત ઘરેલું ગેસ પર રાખવા જણાવ્યું છે, પરંતુ આ છતાં સામાન્ય લોકોમાં ગભરાટનો માહોલ છે. લખનઉ, કાનપુર અને વારાણસી જેવા શહેરોમાં બુકિંગના ૪-૫ દિવસ પછી પણ ડિલિવરી થઈ રહી નથી.

મધ્યપ્રદેશમાં હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોનું કહેવું છે કે તાજેતરમાં સિલિન્ડરની કિંમત ૧૭૭૩ રૂપિયાથી વધારીને ૧૮૮૮ રૂપિયા કરવામાં આવી છે અને તેઓ આ વધેલી કિંમત ચૂકવવા પણ તૈયાર છે. આવા સંજોગોમાં લગ્નની સિઝન વચ્ચે કોમર્શિયલ સિલિન્ડરનો સપ્લાય રોકવાનો નિર્ણય શા માટે લેવામાં આવ્યો તેવો સવાલ ઉઠે છે.

રાજસ્થાનમાં હોટલ અને રેસ્ટોરન્ટ સાથે સંકળાયેલા વેપારીઓનું કહેવું છે કે તેલ કંપનીઓના નિર્ણયથી હોટલ-રેસ્ટોરન્ટ સંચાલકો સામે મોટું સંકટ ઊભું થયું છે. આનાથી ૩ લાખ લોકો જોડાયેલા છે. ગેસનો અમારી પાસે કોઈ વિકલ્પ નથી. આવી સ્થિતિમાં, દરેક પ્રકારના હોટલ-રેસ્ટોરન્ટ, મેરેજ ગાર્ડન અને અન્ય ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકોને મોટી મુશ્કેલી થવી નિશ્ચિત છે. તેલ કંપનીઓનો અચાનક લેવાયેલો નિર્ણય પરેશાન કરનારો છે.

છત્તીસગઢમાં ડીલરોને કહેવામાં આવ્યું છે કે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ અને હોસ્પિટલ સિવાય અન્ય કોઈને કોમર્શિયલ સિલિન્ડર ન આપે. હોટલ-રેસ્ટોરન્ટ સંચાલકો માટે ગેસ સંકટ ઊભું થયું છે.

મહારાષ્ટ્રમાં  મુંબઈ, પુણે અને નાગપુરમાં કોમર્શિયલ ગેસમાં ભારે કાપ મૂકવામાં આવ્યો છે. પુણેમાં તો સ્થિતિ એટલી ખરાબ છે કે નગર નિગમે ગેસ સ્મશાનગૃહો અસ્થાયી રૂપે બંધ કરી દીધા છે. રાજ્યના લગભગ ૯,૦૦૦ રેસ્ટોરન્ટ્સ અને બાર પર બંધ થવાનો ખતરો મંડરાઈ રહૃાો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial