
સાંસદ પરિમલભાઈ નથવાણીનો સવાલઃ સરકારનો જવાબ
જામનગર તા. ૧રઃ છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી નેશનલ હાઈવે પર રૂ।. ર૦,૩૮૩ કરોડનો ટોલ વસૂલવામાં આવ્યો છે. સાંસદ પરિમલ નથવાણીએ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મંત્રીએ આપેલ જવાબમાંથી આ માહિતી જાણવા મળી છે.
કેન્દ્ર સરકારે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઈવે પરથી રૂ।. ર૦,૩૮૩ કરોડનો ટોલ વસૂલ્યો છે. કેન્દ્ર સરકારે આ પાંચ વર્ષ દરમિયાન ગુજરાતના નેશનલહાઈવેના વિકાસ અને જાળવણી માટે રૂ।. ૪૭,ર૩૬ કરોડની ફાળવણી પણ કરી છે. રાજ્યસભાના સભ્ય પરિમલ નથવાણીએ ઊઠાવેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્રિય રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મંત્રી નીતિન ગડકરીએ ૧૧ માર્ચ, ર૦ર૬ ના રાજ્યસભામાં આ માહિતી આપી હતી.
૫રિમલભાઈ નથવાણીએ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર વસૂલવામાં આવેલા ટોલ અને તે જ સમયગાળા દરમિયાન રાજ્યમાં નેશનલ હાઈવેના બાંધકામ અને જાળવણી માટે રાજ્યને ફાળવાયેલા ભંડોળની વિગતો માગી હતી. વધુમાં તેમણે ગુજરાતના હાઈવે પ્રોજેક્ટ્સ, ખાસ કરીને મુંબઈ-અમદાવાદ (એનએચ-૪૮), સુર-દહીંસર અને અમદાવાદ-રાજકોટ-જેતપુર રૂટ પર હાલ ચાલી રહેલું કામ ક્યારે પૂર્ણ થશે તેની સમયમર્યાદા વિશે પણ પૃચ્છા કરીહતી. આ ઉપરાંત શ્રી નથવાણી ભરૂચ-સુરત અને અમદાવાદ-હિંમતનગર હાઈવે સહિત ગુજરાતના મુખ્ય હાઈવે રૂટ પર પડેલા અસંખ્ય ખાડા અને રોડની તૂટી ગયેલી સપાટીના સંદર્ભમાં સરકારે લીધેલા પગલાં વિશે પણ જાણવા માગતા હતાં.
એનએચ-૪૮ ના વાપી-સુરત અને સુરત-ભરૂચના સ્ટ્રેટ વિશે માહિતી આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, સિક્સલેનિંગ કાર્ય પૂર્ણ થયાપછી તે બધા રોડ હાલ પર્ફોર્મન્સ બેઝ્ડ રોડ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ મોડ પર જાળવણી હેઠળ છે. ૧૬ પુલ અને ફ્લાયઓવર/વાહન અંડરપાસના બાંધકામનું કામ પ્રગતિ હેઠળ છે, જે જાન્યુઆરી ર૦ર૭ સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.
મંત્રીના લેખિત જવાબમાં માહિતી અપાઈ હતી કે, એનએચ-૪૮ ના ભરૂચ-વડોદરા સ્ટ્રેચનું સિક્સ-લેનિંગ કામ વર્ષ ર૦૧૧ માં પૂર્ણ થઈ ગયું છે અને હાલમાં તે પીબીએમસી મોડ પર જાળવણી હેઠળ છે. અહીં ૭ પુલ અને ફ્લાયઓવર/વાહન અંડરપાસના બાંધકામનું કામ પ્રગતિ હેઠળ છે, જે ડિસેમ્બર ર૦ર૬ સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે, જ્યારે વડોદરા-અમદાવાદ વચ્ચેના સિક્સ-લેનિંગ કામ પહેલાથી જ પૂર્ણ થઈ ગયું છે અને તે બીઓટી હેઠળ છે. શામળાજી-મોટા ચિલોડા વચ્ચેના સિક્સ-લેનિંગનું બાકી રહેલું કામ જૂન ર૦ર૬ સુધીમાં પૂર્ણ કરવાનું તેમનું લક્ષ્ય છે, એમ જણાવવામાં આવ્યું હતું.
કેન્દ્રિય મંત્રી ગડકરીએ એ પણ માહિતી આપી હતી કે એનએચ-ર૭ ના રાજકોટ-જેતપુર સેક્સનનું સિક્સ-લેનિંગ કામ પ્રગતિ હેઠળ છે અને જાન્યુઆરી ર૦ર૭ સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. હાલ રાજકોટ-અમદાવાદ પ્રોજેક્ટ ગુજરાત સરકારના અધિકાર ક્ષેત્ર હેઠળ છે અને તેમના પોતાના બજેટ સંસાધનો દ્વારા આ કામ કરવામાં આવી રહ્યું છે.
તદુપરાંત દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનું કામ પણ અમલીકરણ હેઠળ છે, જે માર્ચ ર૦ર૮ સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, તેવી માહિતી આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial