
જો થઈ છે! 'ઉજ્જવલા' ઝાંખી થઈ!
જામનગર તા. ૧૭: પ્રવર્તમાન ઘરેલુ રાંધણગેસની તંગીની સ્થિતિમાં કેન્દ્ર સરકાર ગેસનો પર્યાપ્ત જથ્થો હોવાની સત્તાવાર જાહેરાતો જવાબદાર કેન્દ્રિય મંત્રીઓના મૂખેથી કરાવી રહી છે. લોકોને રાંધણ ગેસના બાટલા અને પાઈપલાઈન મારફત ગેસ મળી રહે તે માટે શ્રેણીબદ્ધ પગલાં લેવાઈ રહ્યા છે. સંગ્રહખોરો અને કાળાબજારની પ્રવૃત્તિને ડામવા દરોડા પાડવામાં આવી રહ્યા છે. આમ જનતાને ભયભીત થવાની જરૂર નથી તેવી સાંત્વના આપવામાં આવી રહી છે.
પણ... આ તમામ ગતિવિધિ અને સરકારી સત્તાવાર જાહેરાતો સામે વાસ્તવિક્તા સાવ અલગ જ જોવા મળે છે. ઓનલાઈન બુકીંગની સિસ્ટમ બંધ કરી દેવામાં આવી છે. ગેસ એજન્સીઓ પર બાટલા નોંધાવવા તડકામાં-ખુલ્લામાં લાંબી-લાંબી કતારો લાગે છે, બાટલો નોંધાવ્યા પછી બાટલો ક્યારે આવશે તેનો સંતોષકારક જવાબ મળતો નથી.
આવી સ્થિતિનો ખ્યાલ કદાચ સરકારને હશે જ અને તેથી જ સરકારે ખુદે જ હોટલો-રેસ્ટોરન્ટોમાં કોલસા અને કેરોસીનનો ઉપયોગ કરવાની છૂટ આપવી પડી છે. એટલું જ નહીં, ગ્રામ્ય વિસ્તારોમાં પરિવાર દીઠ પાંચ-પાંચ લીટર કેરોસીન આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે, જે માટે દરેક રાજ્ય સરકારને હજારો લીટર કેરોસીન ફાળવવામાં આવનાર છે. અત્યારે કેરોસીનનો બજાર ભાવ શું છે અને ગ્રામ્ય વિસ્તારોમાં પાંચ લીટર કેરોસીન રાહત ભાવે આપવામાં આવશે કે મફતમાં આપવામાં આવશે તેની કોઈ સ્પષ્ટતા થઈ નથી. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં ગામડે-ગામડે કેરોસીન વિતરણ કેન્દ્ર શરૂ થશે કે સસ્તા અનાજની દુકાનોમાંથી મળશે? આ કેન્દ્રો કે દુકાનોને પરિવારોની સંખ્યા મુજબનો કેરોસીનનો જથ્થો રાજ્ય સરકાર ક્યારે ૫હોંચાડશે? આ વિતરણ કાર્યમાં પણ આમજનતા હાથમાં ખાલી ડબલા લઈ કલાકો સુધી લાઈનમાં જોતરાય જશે તેવું લાગે છે!
કેન્દ્ર સરકાર હવે ઘરે ઘરેલું રાંધણ ગેસના જોડાણો આપવા ખાસ કરીને ગરીબ વર્ગના લોકો અને ગ્રામ્ય પંથકમાં મહિલાઓને લાકડા-કેરોસીનના ચૂલા ન ફૂંકવા પડે તે માટે ઉજ્જવલા યોજના શરૂ કરી હતી, અને તેમાં સરકારના દાવા મુજબ દેશભરમાં કરોડો જોડાણો અપાયા... જો કે ત્યાર પછી રીફીલના પૈસા ન હોય તેવા અનેક પરિવારોના જોડાણો નિરર્થક પૂરવાર પણ થયા હોવાના અહેવાલો પણ અવારનવાર પ્રસિદ્ધ થતા રહ્યા છે.
આમ ઘરેલુ રાંધણ ગેસની તંગીના કારણે જાણે ફરીથી લાકડાના બળતણ અને કેરોસીનનો યુગ આવી ગયો કે શું તેવા પ્રશ્નો ઊઠવા પામ્યા છે. ગરીબ અને ગ્રામ્ય પંથકની મહિલાઓ ફરીથી ચૂલામાં બળતણ મૂકી-કેરોસીન છાંટીને ફૂંકો મારીને ચૂલા પેટાવતી જોવા મળે તો નવાઈ નહીં!
જો કે વૈશ્વિક યુદ્ધની સ્થિતિ થાળે પડી ગયા પછી ગેસની તંગી કે પેટ્રોલ-ડીઝલ અને હવે કોરોસીનની કોઈ સમસ્યા નહીં રહે તેવી આશા પણ વ્યક્ત થઈ રહી છે, પણ યુદ્ધ કેટલો સમય ચાલશે અને યુદ્ધનો અંત આવશે કે વધુ વકરશે તે અંગે પણ કોઈ આગાહી થઈ શકે તેવી સ્થિતિ આજે તો નથી જ!
આપણે સૌ આશા રાખીએ કે જેમ બને તેમ જલદી સૌ 'સારાવાના' થઈ જાય!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial