Sensex

વિગતવાર સમાચાર

ફલ્લામાં એમ.પી. શાહ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓનું નુકકડ નાટક

દત્તક લીધેલા પરિવારોની રૂબરૂ મુલાકાત લઈ હેલ્થ ડેટા એકત્રિત કર્યો

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: એમ.પી. શાહ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ફલ્લા ગામે ફેમિલી એડોપ્શન પ્રોગ્રામ અંતર્ગત નુકકડ નાટકો દ્વારા જનજાગૃતિ ફેલાવાઈ છે. ભાવિક તબીબોએ ગ્રામીણ પરિવારોની મુલાકાત લઈ ગ્રામજનોને મનોરંજન સાથે સ્વાસ્થ્ય શિક્ષણ પુરૃં પાડયું છે.

જામનગરની એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજના કોમ્યુનિટી મેડિસિન વિભાગ દ્વારા નેશનલ મેડિકલ કમિશનના માર્ગદર્શન હેઠળ ફલ્લા ગામે ગ્રામ્ય આરોગ્ય અભ્યાસ અને જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ફેમિલી એડોપ્શન પ્રોગ્રામ અંતર્ગત પ્રથમ વર્ષના એમબીબીએસના વિદ્યાર્થીઓએ ફલ્લા ગામના દત્તક લીધેલા પરિવારોની રૂબરૂ મુલાકાત લીધી હતી.આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ પરિવારોની આરોગ્ય સ્થિતિ, પોષણનું સ્તર, સ્વચ્છતા, પર્યાવરણ અને જીવનશૈલી સંબંધિત ઝીણવટભરી માહિતી એકત્રિત કરી હતી. ત્યારબાદ નાના સમૂહોમાં આ માહિતીનું જાહેર આરોગ્યના દૃષ્ટિકોણથી સચોટ વિશ્લેષણ કરી, તેને સરળ અને સમજી શકાય તેવા આરોગ્ય શિક્ષણના સંદેશાઓમાં રૂપાંતરિત કરી ગ્રામીણ પરિવારો સુધી પહોંચાડવાનું પ્રશંસનીય કાર્ય કર્યું હતું.સંસ્થાના કોમ્યુનિટી મેડિસિન વિભાગે આ સમગ્ર શૈક્ષણિક તાલીમ અને આયોજન માટે ભારે જહેમત ઉઠાવી હતી.

આ કાર્યક્રમમાં લોકજાગૃતિ માટે નવતર પ્રયોગ હાથ ધરતા વિદ્યાર્થીઓએ ફલ્લાની આંગણવાડી, ધ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ-ધ્રાંગડા તથા મોટી બાણુગરની શાળાઓના સહયોગથી વિવિધ વિષયો પર 'નુક્કડ નાટક' રજૂ કર્યા હતા. આ નાટકો દ્વારા કિશોરાવસ્થામાં એનિમિયા અને આયર્નયુક્ત આહારનું મહત્ત્વ, જંક ફૂડને તિલાંજલિ આપી પૌષ્ટિક આહાર અપનાવવા, વ્યક્તિગત સ્વચ્છતા અને હાથ ધોવાની સાચી પદ્ધતિઓ વિશે ગ્રામજનોને માહિતગાર કરાયા હતા. આ ઉપરાંત કિશોરીઓમાં માસિક ધર્મ સંબંધી ગેરમાન્યતાઓ દૂર કરવા અને ગંભીર રોગો સામે રસીકરણની અનિવાર્યતા જેવા સંવેદનશીલ વિષયો પર પણ અસરકારક સમજ આપવામાં આવી હતી.વિદ્યાર્થીઓએ આ તકે સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આંગણવાડીની મુલાકાત લઈ ગ્રામીણ સ્તરે મળતી આરોગ્ય સેવાઓની પ્રત્યક્ષ કામગીરી નિહાળી હતી.

આ સમગ્ર અભિયાન અંગે ડો. દિપેશ પરમારે જણાવ્યું હતું કે, ફેમિલી એડોપ્શન પ્રોગ્રામ દ્વારા ભાવિ તબીબોને સમુદાય સાથે સીધો સંપર્ક કરવાની તક મળે છે અને તેઓ ગ્રામ્ય આરોગ્યની વાસ્તવિક પરિસ્થિતિથી માહિતગાર થાય છે, જે તેમને ભવિષ્યમાં વધુ સંવેદનશીલ અને જવાબદાર તબીબ બનવામાં મદદરૂપ થશે. આ કાર્યક્રમને સફળ બનાવવામાં ફલ્લા ગામના સરપંચ, ગ્રામજનો, શાળાઓના આચાર્યશ્રીઓ, આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર, આશા કાર્યકરો અને હેલ્થ વર્કર્સનો મહત્ત્વપૂર્ણ સહયોગ સાંપડ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial