Sensex

વિગતવાર સમાચાર

રિક્ષામાંથી મળેલા સોનાના ચેઈન અંગે માંડવલી કરી લેવાનું કહી ખેતમજૂર સાથે રૂ।.૪૦ હજારની છેતરપિંડી

રિક્ષાચાલક અને તેના સાગરિત સામે પોલીસમાં ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: ખંભાળિયામાં ખેતમજૂરી માટે આવીને રહેતા એક શ્રમિક સાથે વિચિત્ર પ્રકારે છેતરપિંડી કરી લેવામાં આવી છે. આ શ્રમિક ગયા રવિવારે બપોરે પોતાના પુત્ર સાથે ખંભાળિયાના સલાયા ફાટક પાસેથી એક રિક્ષામાં બેઠા હતા. તે રિક્ષામાં અગાઉથી હાજર એક શખ્સે પોતાનો ચેઈન રિક્ષામાં ખોવાઈ ગયાનું નાટક કર્યા પછી પ્લાસ્ટિકની ડબ્બીમાંથી તે ચેઈન રિક્ષાચાલક અને આ શ્રમિકને મળી આવ્યો હતો તેનો ભાગ પાડી માંડવલી કરી લેવાની લાલચ બતાવી રિક્ષાચાલકે આ શ્રમિક પાસેથી ચાંદીનું કડુ, મોબાઈલ, રોકડ મળી રૂ।.૪૦૯૦૦ પડાવી લઈ પોબારા ભણી લીધા હતા. પોલીસે તેની ફરિયાદ પરથી રિક્ષાચાલક તથા તેના સાગરિત એવા અન્ય મુસાફરની શોધ શરૂ કરી છે.

છેતરપિંડીના આ બનાવની વધુ વિગત મુજબ મૂળ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના તલીયા ગામના વતની ઈશ્વરભાઈ માલુભાઈ મછાર અને તેમના પરિવારજનો ખેતમજૂરી માટે ખંભાળિયા પંથકમાં આવીને રહે છે. તે દરમિયાન રવિવારે બપોરે ઈશ્વરભાઈ પોતાના દીકરા સાથે એક બસમાં ખંભાળિયા પહોંચ્યા હતા.

ત્યાં સલાયા ફાટક પાસે ઉભી રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી ઉતરી ઈશ્વરભાઈ તથા તેનો પુત્ર એક ઓટો રિક્ષામાં મુસાફર તરીકે બેઠા હતા. જેમાં અગાઉથી એક અજાણ્યો શખ્સ બેસેલો હતો. ત્રણેય મુસાફરને સાથે રાખી રિક્ષાચાલકે પોતાનું વાહન હંકાર્યું હતું. તે પછી સાથે બેસેલા શખ્સે હાંફળાફાંફળા બની જવાનો અભિનય કરી પોતાનો સોનાનો ચેઈન રિક્ષામાં ક્યાંક પડી ગયો છે તેમ કહેતા રિક્ષાચાલક અને ઈશ્વરભાઈ ચેઈન શોધવામાં લાગ્યા હતા.

ચેઈન મળે તે પહેલાં જે વ્યક્તિએ પોતાનો ચેઈન પડી ગયો છે તેમ કહ્યું હતું તે અજાણ્યો શખ્સ ચાલ્યો ગયો હતો તે પછી પ્લાસ્ટિકની ડબ્બી રિક્ષામાંથી મળી આવી હતી. તે ડબ્બીમાં સોનાનો દેખાતો હોય તેવો ચેઈન જોવા મળતા રિક્ષાચાલક તથા ઈશ્વરભાઈએ આ ચેઈન વેચીને તેમાંથી ઉપજેલી રકમનો ભાગ પાડી લેવાનું નક્કી કર્યું હતું અને ચેઈન પોતાની પાસે રાખવાનું ઈશ્વરભાઈએ કહેતા સમજીને તેની કિંમત આપી દેવા રિક્ષાચાલકે કહ્યું હતું.

આવી રીતે સોનાનો ચેઈન પોતાને મળી જશે તેવી લાલચમાં આવી ગયેલા ઈશ્વરભાઈએ ઘરેથી પૈસા લઈ આવું તેમ કહેતા રિક્ષાચાલકે ચેઈન તમારી પાસે છે અને તમે પૈસા આપવાની બદલે ભાગી જાવ તો? તેમ કહેતા રિક્ષાચાલકને વિશ્વાસ અપાવવા માટે ઈશ્વરભાઈએ ચેઈન પોતાની પાસે રાખી હાથમાં પહેરેલુ ૧૫૦ ગ્રામનું ચાંદીનુ કડુ, રૂ।.૯૦૦ રોકડા તથા રૂ।.પ હજારની કિંમતનો મોબાઈલ રાખવા અને પૈસા લઈને આવું ત્યારે આ વસ્તુ પાછી આપી દેવાનું કહ્યું હતું તેથી રિક્ષાચાલક માની ગયો હતો!

તે પછી ઘરેથી પૈસા લઈને આવેલા ઈશ્વરભાઈને ઉપરોક્ત રિક્ષાચાલક મળી આવ્યો ન હતો તેઓએ આ રીતે પોતાની સાથે છેતરપિંડી થઈ ગયાનું જણાઈ આવતા કુલ રૂ।.૪૦૯૦૦ની મત્તા પડાવી લઈ પલાયન થઈ જનાર રિક્ષાચાલક અને તેના સાગરિત એવા રિક્ષામાં બેસેલા બીજા મુસાફર સામે ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બીએનએસની કલમ ૩૧૮ (ર), ૫૪ હેઠળ ગુન્હો નોંધી રિક્ષાચાલક તથા તેના સાગરિતના સગડ દબાવ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial