
દાદા-દાદી, નાના-નાનીની વાર્તાઓ સંસ્કાર સિંચતી હતી, તેને સોશિયલ મીડિયામાં વહેતી કરો...
ગુજરાતમાં નાની નાની વાર્તાઓ ઘણી જ રોચક, મનોરંજક અને કર્ણપ્રિય તો હોય જ છે, પરંતુ બોધક, માર્ગદર્શક અને જીવનમાં ઘણી જ ઉપયોગી હોય છે. કીડી અને કબૂતર, સસલુ અને કાચબો, કાગડો અને શિયાળ, સિંહ અને ઉંદર, હરણ અને શિયાળ, બગલો અને શિયાળ, ચતુર કાગડો, આળસુ કબૂતર, વાઘની દોસ્તી, ચીતરેલો મોર, કાબર અને કાગડો, આનંદી કાગડો, ચકલા-ચકલીની વાર્તા, લાલચુ કૂતરો, દરજી અને કાગડો, ફૂલણજી દેડકો, ખેડૂત અને વાંદરો, જંગલનો રાજા કોણ? પોપટ ભૂખ્યો નથી, બે બિલાડી અને વાંદરો, ચકલી-પોપટ અને કાગડો, ઊંટ અને શિયાળ, કીડી અને ઝાડના પાંદડા તથા લોભી કૂતરો વિગેરે પ્રાણીઓને સંબંધિત બાળકથાઓ ખરેખર બાળસંસ્કારના મહત્ત્વપૂર્ણ સ્ત્રોત હતાં.
સોશિયલ મીડિયાનો યુગ
અત્યારે સોશિયલ મીડિયાનો યેગ છે અને બાળપણથી જ બાળકોના હાથમાં મોબાઈલ સેલફોન હોય છે, જરૂર છે, ફક્ત બાળકોને ગેઈમ્સ અને અન્ય જોખમી મનોરંજક વીડિયોઝ તરફથી બાળવાર્તાઓ, સંસ્કારવર્ધક ગીત-સંગીત તથા બોધવાર્તાઓને અદ્યતન અને પ્રવર્તમાન બાળભોગ્ય ભાષા સાથે પ્રેઝન્ટેશન તરફ વાળવાની...
પહેલાના જમાનામાં દાદા-દાદી પોતાના પૌત્ર-પૌત્રીઓ કે દોહિત્રો-દોહિત્રીઓને આ પ્રકારની બાળવાર્તાઓ અને બોધકથાઓ પોતાના મૂખેથી સંભળાવતા હતાં, અને આજે પણ કદાચ દુર્ગમ ગામડાઓમાં આ પરંપરા જળાવઈ રહી હશે, પરંતુ પ્રવર્તમાન શિક્ષણકથા, ઝડપી અને દોડધામ ભર્યા જીવન તથા બદલેલા યુગમાં કદાચ આ પ્રકારનો ટાઈમ કે અનુકૂળતાઓ બાળકો પાસે પણ નહીં હોય અને દાદા-દાદી કે નાના-નાની પાસે પણ અહીં હોય. આ કારણે જ આપણે હવે આધુનિક ટેકનોલોજી અને ઈન્ટરનેટના માધ્યમથી ઉપલબ્ધ મીડિયાના માધ્યમથી જ અદ્યતન ઢબે જ એ બાળવાર્તાઓ, બોધકથાઓ અને પ્રેરક કથાઓ આધુનિક પેઢીના બાળસમાજ સુધી પહોંચાડવી પડશે.
કેટલાક દૃષ્ટાંતો
જુના જમાનામાં બાળકથાઓની સાથે સાથે કેટલાક બાળકાવ્યો પણ ઘણાં જ મનોરંજક અને જ્ઞાન સાથે ગમ્મત આપનારા હતાં. તેના કેટલાક દૃષ્ટાંતો પ્રાથમિક કક્ષાના પાઠ્યપુસ્તકોમાં પણ સમાવાતા હતાં અને બાળકાવ્યો તથા બાળવાર્તાઓના માધ્યમથી બાળપેઢીમાં સંસ્કારનું સિંચન જ્ઞાન સાથે ગમ્મતના માધ્યમથી થતું હતું.
મોટાભાગની વાર્તાઓ 'એક હતો રાજા અને એક હતી રાણી', 'એક હતો ચકલો અને એક હતી ચકલી', 'એક હતો સિંહ અને એક હતું શિયાળ' જેવા શબ્દપ્રયોગોથી શરૂ થતી હતી. રામાયણ અને મહાભારત જેવા ગ્રન્થોના પ્રસંગે તથા ઈતિહાસના પાનોએ ગુંથી લઈને આ વાર્તાઓ એટલી સાદી અને સરળ ભાષામાં પરંતુ અદ્ભુત રીતે રજૂ થતી હતી જે બાળકો-કિશોર-કિશોરીઓને ઝડપથી સમજાઈ જતી હતી, અને તેના કારણે તેઓની બુનિયાદી વિચારસરણી જ હકારાત્મક અને સુસંસ્કૃત બની જતી હતી.
દાખલા તરીકે રોટલો લઈને જતા કૂતરાને પોતાનું પ્રતિબિંબ નદીમાં જોતા એવું લાગે છે કે બીજો તેના જેવો જ કૂતરો રોટલો લઈને જાય છે, તેથી તે રોટલો ઝુંટવવા જતા પોતાનો રોટલો પણ પાણીમાં પડી જાય છે. તે વાર્તાની સાથે અતિલોભ તે પાપનું મૂળ છે, તે કહેવતને સાંકળીને બાળકોને લોભ-લાલચથી દૂર રહેવાના સંસ્કાર આટલી સહજ રીતે આપી દેવાય છે.
ઝાડની ડાળી પર બેઠેલા કાગડાની ચાંચમાં રહેલી રોટલી પડાવવાની તરકીબ કરીને શિયાળે ઝાડની નીચે બેઠા બેઠા કાગડાના ખૂબ જ વખાણ કરીને તેનો મધૂર અવાજ સંભળાવવાનું કહ્યું, ત્યારે કાગડો ફૂલાઈને બોલવા ગયો, તો ચાંચમાંથી રોટલી પડી ગઈ, જે લઈને શિયાળ ભાગી ગયું. આ વાર્તા ખુશામતખોરોથી સાવચેત રહેવાનો બોધપાઠ આપે છે, જે બાળપણથી જ બાળકોમાં સંસ્કારોનું સિંચન કરી શકે છે.
સિંહ અને ઉંદરની વાર્તા
સિંહ અને ઉંદરની વાર્તામાં સિંહને શિકારીની જાળ તોડીને તેનો મિત્ર બનેલો નાનો ઉંદરડો કેવી રીતે બચાવે છે તેનું વર્ણનકરીને કોઈને તુચ્છ કે નાનો નહીં સમજવા તથા નાનામાં નાના જીવ કે વસ્તુનું પણ અનોખું મહત્ત્વ હોય છે, તેવો સંદેશ મળે છે.
વેપારીના દીકરાની વાર્તા
એક વેપારીનો નાનડકો દીકરો દુકાન સામે ઝાડની ડાળી પર કાગડો જોઈને વારંવાર બોલતો કે, 'જુઓ બાપા, કાગો આવ્યો, કાગડો આવ્યો', તો પિતા ચોપડા લખતા લખતા તેમાં પણ લખી નાખતા કે જુઓ બાપા, કાગડો આવ્યો, કાગડો આવ્યો...
સમય વિત્યો અને પિતા બુઢા થઈ ગયા અને પરંપરાગત રીતે દીકરાએ દુકાન સંભાળી લીધી, જો કે પિતાને નિવૃત્ત રહેવું ગમે નહીં, એટલે વારંવાર દુકાનના ઓટલે બેસીને દીકરા સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરે અને દીકરાને પોતાના કામમાં ખલેલ પહોંચે. આવું અવારનવાર થવા લાગતા દીકરો પિતાને મુંગા રહેવાનું કહેવા લાગ્યો. સમય જતાં તે પિતાનું અપમાન પણ કરવા લાગ્યો અને ગમેતેમ બોલવા પણ લાગ્યો.
પિતાએ વિચાર કર્યો કે દીકરાને તેમનો ભૂતકાળ તો યાદ કરાવવો જ જોઈએ. દીકરો તો દુકાનના હિસાબ-કિતાબ હવે મોબાઈલ ફોન અને લેપટોપમાં રાખતો હતો, પરંતુ પિતાએ પોતાના જમાનાના જુના ચોપડામાં પિતૃઓની તિથિ, બાળકોની જન્મતારીખ વિગેરે લખેલું હોવાથી તે સાચવીને રાખ્યા હતાં. પિતાએ તમામ ચોપડાઓ લખીને દીકરા સામે મૂકી દીધા અને કહ્યું કે તમારી જન્મતારીખ તથા જરૂરી વિગતો સાથે પરિવાર અને માલ-મિલકતની જરૂરી માહિતી આ ચોપડાઓમાં છે, તેથી મારા ગયા પછી પણ તેને સાચવીને રાખજે.
દીકરાને કુતૂહલ થયું અને જરૂરી કઈ-કઈ માહિતી પિતાએ લખી હશે, તે જાણવાની જિજ્ઞાસાથી તેમણે ચોપડા વાચ્યા, જેમાં ઘણી ઉપયોગી માહિતી તો હતી જ, પરંતુ સાથે સાથે ઠેર-ઠેર દીકરાના બાળપણમાં 'જે બાપુજી... કાગડો આવ્યો-કાગડો આવ્યો...' એવું પણ લખેલું વાચવા મળ્યું.
દીકરાને તરત જ પોતાનું બાળપણ યાદ આવી ગયું, અને નાનપણમાં આ જ દુકાન ચલાવતા પોતાના પિતા તેમની કાલીઘેલી ભાષાથી ગુસ્સે થવાના બદલે તે વાક્યો ચોપડામાં લખીને ખૂશ થતા હતાં, તે જાણીને તેનું હૃદય ભરાઈ ગયું. બાળપણમાં માતા-પિતાએ આપેલા સંસ્કાર જાગી ઊઠ્યા અને ખૂબ જ પસ્તાવા લાગ્યો. દીકરો ઘણો ધનાઢ્ય બની ગયો હતો અને ધંધો ધીકતો ચાલતો હતો, તેથી તે ભાન ભૂલ્યો હતો, પરંતુ પિતાના ચોપડા વાચ્યા પછી તેને એ એહસાસ પણ થયો કે જુના જમાનાના હોવા છતાં પિતાએ જે તિથિ-તારીખ સાથેની માલ-મિલકત અને ધંધા-વ્યવસાયની જે વાતો લખી રાખી હતી તે પણ પિતાના ગયા પછી (નિધન પછી) પોતાને તથા પરિવાર માટે જ ઉપયોગી હતી.આ તમામ માહિતી તે પછી તેમણે કોમ્પ્યુટરમાં પણ સેવ કરી લીધી અને પ્રશ્ચાતાપ થયા પછી એક વખત તક જોઈને પિતાના પગે પડ્યો અને માફી માગી પિતાએ તેને ભેટીને કહ્યું કે દીકરા, મેં જે કાંઈ કર્યું તે મારી ફરજ હતી, પરંતુ માતા-પિતા બુઢા થાય, તે પછી સંતાનોની ફરજ શરૂ થઈ જાય છે. બાળપણમાં જે રીતે માતા-પિતાએસંભાળ રાખી, તેવી જ સંભાળ યુવાન થયા પછી સંતાનોએ માતા-પિતાની પણ રાખવી જોઈએ, તેવો સંદેશ આ વેપારી પિતા-પુત્રની વાર્તામાંથી વહેતો થાય છે.
વિનોદ કોટેચા, એડવોકેટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial