Sensex

વિગતવાર સમાચાર

પ્રવર્તમાન યુગમાં યુદ્ધના પ્રકારો બદલ્યા છે ત્યારે સુરક્ષા ક્ષેત્રે પણ રિફોર્મ્સ જરૂરી...

                                                                                                                                                                                                      

અત્યારે દુનિયા યુદ્ધોના જ્વાળામુખી પર બેઠી છે અને રશિયા-યુક્રેન, ઈઝરાયલ-ઈરાન-અમેરિકા અને હવે અફઘાનિસ્તાન-પાકિસ્તાન યુદ્ધ વકરતા ક્યાંક ત્રીજા વિશ્વયુદ્ધની બુનિયાદ તો તૈયાર થઈ રહી નથી ને ? તેવા સવાલો ઉઠવા લાગ્યા છે. આ સંજોગોમાં હવે પ્રત્યેક દેશને પોતાની સુરક્ષાની ચિંતા હોય એ સ્વાભાવિક છે. હવે યુદ્ધના પ્રકારો પણ બદલાવા લાગ્યા છે. પહેલાના જમાનામાં ભૂમિદળો હાથી-ઘોડા-રથ અને તીર-ધનુષ્ય, ભાલા, તલવાર અને ચક્રો જેવા હથિયારોથી યુદ્ધ થતા, તે પછી સમય બદલાતો ગયો,દરિયાઈ માર્ગે તથા આકાશ માર્ગે હૂમલાઓ થવા લાગ્યા, તોપગોળા, દારૂગોળા, મશીનગનો, ટેન્કો અને બોમ્બ વર્ષાથી લઈને પરમાણુ હૂમલા સુધીના ખતરનાક પ્રયોગો પણ થયા.

પહલગામ હૂમલા પછી જ્યારે ભારતે ઓપરેશન સિંદૂર ચલાવ્યું, ત્યારે ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી દીધી હતી, પરંતુ આપણે મીડિયાવોરમાં કદાચ પાછળ રહી ગયા અને પાકિસ્તાન જૂઠ્ઠાણા, ખોટા દાવા અને જૂની તસ્વીરો તથા વીડિયો રજૂ કરીને ભ્રમ ફેલાવવા લાગ્યું હતું તે પછી કદાચ ભારતીય સેનાના જ કોઈ ઉચ્ચ અધિકારીએ એવું મંતવ્ય વ્યક્ત કર્યું હતું કે ભારતીય સેનામાં પણ એક એવી અલાયદી મીડિયા બ્રાંચ કે પાંખ હોવી જોઈએ, જે દુશ્મન દેશના ભ્રમ ફેલાવનારા મીડિયા રિપોટર્સને કાઉન્ટર કરી શકે અને વાસ્તવિકતા દુનિયા સમક્ષ ખૂબ જ અસરકારક રીતે પ્રસ્તૂત કરી શકે.

વર્તમાન યુગમાં મોટા યુદ્ધ જહાજો, અદ્યતન યુદ્ધ વિમાનો, સબમરીનો તથા મિસાઈલોની સાથે સાથે નાના નાના હથિયારો, ડ્રોન અને અદ્યતન બોટ્સ તથા માનવરહિત નાના યુદ્ધ વિમાનોનો ભંડાર પણ અત્યંત જરૂરી છે. ઓપરેશન સિંદૂર સમયે પણ પાકિસ્તાને ડ્રોનવર્ષા જ કરી હતી, જે ભારતીય સુરક્ષા પ્રણાલિએ ઈન્ટરસેપ્ટ કરીને આકાશમાં જ નષ્ટ કરી દીધી હતી. ઈરાન પણ અડોશ-પડોશમાં આવેલા અમેરિકાના સૈન્ય મથકો તથા ઈઝરાયલ પર મિસાઈલો અને બોમ્બ વર્ષાની સરખામણીમાં ડ્રોનના હૂમલાઓ વધુ કરી રહ્યું છે અને અબજો રૂપિયાના યુદ્ધ વિમાનોના વિકલ્પે આ સેંકડો ડ્રોન્સ દુશ્મનને હંફાવવામાં ખૂબ જ ઉપયોગી બની રહ્યા હોય, તેવું પણ લાગે છે. જો કે, અદ્યતન યુદ્ધ વિમાનોનો સંપૂર્ણ વિકલ્પ તો ડ્રોન બની જ ન શકે, પરંતુ દુશ્મનની તાકાત તોડવા તથા હફાવવા અને નાના જોખમમાં મોટી સફળતાઓનું કામ તો ડ્રોન્સ કરી જ શકે છે, અને  તે હવે સંપૂર્ણપણે પૂરવાર પણ થઈ ચૂકયું છે.

આ કારણે જ તાજેતરમાં રક્ષામંત્રી રાજનાથસિંહે પણ યુદ્ધમાં ડ્રોનનું મહત્ત્વ સમજાવ્યું હતું. દિલ્હીમાં એક રાષ્ટ્રીય સંરક્ષણ ઉદ્યોગ સંમેલન યોજાયુ હતું. આ સંમેલનને સંબોધતા રાજનાથસિંહે જે કાંઈ કહ્યું હતું તે ઘણું જ મહત્ત્વપૂર્ણ અને સૂચક હતું, અને યુદ્ધોના બદલતા પ્રકારોની ગવાહી પૂરે તેવુ હતું. રાજનાથસિંંહના આ મંતવ્યોની ઘણી ચર્ચા પણ થઈ રહી છે, ક્યારેકતેઓ જે કાંઈ બોલે છે, તે ઘણું જ ગહન હોય છે.

તેમણે કહ્યું હતું કે ડ્રોનના માળખાનું ઉત્પાદન જ નહીં, પરંતુ ડ્રોનની એરફ્રેમથી લઈને બેટરી, એન્જિન અને સોફટવેર સહિતના તમામ પાર્ટસનું ઉત્પાદન પણ ભારતમાં જ થાય, તેવી આત્મનિર્ભરતા કેળવવી જરૂરી છે. ભારતે ડ્રોનના સંપૂર્ણપણે ભારતમાં જ ઉત્પાદન માટે કોઈ ઈકોસિસ્ટમ સ્થાપિત કરવી પડશે.

તેમણે કહ્યું કે પ્રવર્તમાન યુદ્ધોમાં ડ્રોન અને કાઉન્ટર ડ્રોન ટેકનોલોજીના મહત્ત્વને સ્પષ્ટપણે ઉજાગર કર્યું છે. રશિયા-યુક્રેન અને ઈરાન-ઈઝરાયલ વચ્ચેના યુદ્ધોમાં ડ્રોનના થતા સફળ પ્રયોગો જોતા એ તો સમજી જ શકાય છે કે ભવિષ્યના યુદ્ધોમાં પણ ડ્રોન અને કાઉન્ટર ડ્રોન ટેકનોલોજીની ભૂમિકા વ્યૂહાત્મક અને વ્યાપક રીતે વધતી જ રહેવાની છે.

ટૂંકમાં છેલ્લા એક દાયકાથી વિશ્વમાં થયેલા જુદા જુદા યુદ્ધો તથા પ્રવર્તમાન યુદ્ધો પરથી એટલું તો નક્કી થઈ જ ગયું છે કે ભૂમિદળ, વાયુસેના અને નેવી ઉપરાંત અદ્યતન ટેકનોલોજી તથા બદલતી રણનૈતિક અને કૂટનૈતિક પોલિસી અને પ્લાનીંગમાં મૂળભૂત રિફોર્મ્સ માટે નવી પાંખો ઊભી કરવી પણ જરૂરી છે. ભારતીય સેનામાં જ એ.આઈ., શસ્ત્ર પ્રોડકશન, ડ્રોન ટેકનોલોજી, સાયન્સ એન્ડ ટેકનોલોજી તથા સુરક્ષા મીડિયા પાંખ જેવા વિભાગો સક્રિય રીેતે સામેલ હોઈ અને તેમાં પ્રાઈવેટાઈઝેશન કે કોઈનો હસ્તક્ષેપ ન હોય, એટલું જ નહીં, તેને સંપૂર્ણ ઓટોનોમી (સ્વાયત્તતા) અપાય, તે સમયની માંગ છે અને તે કોઈપણ સરકાર હોય, તેની બુનિયાદી પ્રતિબદ્ધતા હોય, તે અત્યંત જરૂરી છે.

ડ્રોનના માળખા જ નહીં, પરંતુ સંપૂર્ણ ડ્રોન અને તેની સુરક્ષા અને સંચાલન પ્રણાલિ પણ પૂર્ણરૂપે ભારતીય હોવી જોઈએ. રાજનાથસિંહે તો ડ્રોન ઉત્પાદન ઉપરાંત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને રોબોટ્સથી લઈને અવકાશી (સ્પેસ) ટેકનોલોજી સુધીનું સંયોજન ભવિષ્યના યુદ્ધોમાં અનિવાર્ય બનનાર હોવાથી આ તમામ ક્ષેત્રે ભારતે હવે સ્વનિર્ભર બનવું જ પડશે.

વર્તમાન યુગમાં તમામ ઉત્પાદનો પર એ.આઈ. તથા રોબોટિક્સ સિસ્ટમોનો પ્રભાવ વધી રહ્યો છે, ત્યારે જો આપણે પણ મજબૂત બદલાવ તથા પોલિસી નહીં બદલીએ તો સંરક્ષણક્ષેત્રે પાછળ રહી જઈશું, તેવી સંભાવના નકારી શકાય તેમ નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial