
માર્ચ મહિનો પૂરો થવા આવ્યો છતાં પણ નટુના સેવિંગ ખાતામાં હજુ પણ થોડીઘણી જમા બેલેન્સ હતી. કદાચ તેના પર હજુ સુધી આપણા નાણામંત્રીશ્રીની વક્ર દૃષ્ટિ પડી નહીં હોય..!
હવે આ રકમ પર કોઈ પંકજભાઈ એસઆઈપી વાળા અથવા તો વિનોદભાઈ વીમાવાળાની નજર બગડે, કે પછી કોઈ શેર બજારના કે ક્રિકેટના સટ્ટા બજારના સટોડીયા સટ્ટાની લત લગાડે, તે પહેલા જ તેના પરમ મિત્ર લાલાએ તેને સમજાવ્યો, નવો આઈફોન લેવા માટે.
*પરંતુ આટલી ઓછી બચતમાં આઈફોન ક્યાંથી મળશે?* નટુએ પોતાનો પ્રોબ્લેમ કહ્યો એટલે લાલો ઉત્સાહથી બોલ્યો, *ફાઇનાન્સથી મળશે...!*
લાલાએ તેને વિગતવાર પોતાનો પ્લાન સમજાવ્યો. *જો અત્યારે માર્ચ એન્ડિંગ ચાલે છે એટલે આ બધી ફાઇનાન્સ કંપનીઓએ પોતાના લોનના ટાર્ગેટ પૂરા કરવાના છે. માટે આપણને ઇન્ટરેસ્ટ ફ્રી લોન મળી જશે. એટલે કે વ્યાજ ચૂકવવાની કોઈ મગજમારી જ નહીં.*
નટુએ હા કહી એટલે બીજા જ દિવસે તેને નવો આઈફોન મળી ગયો. નવો આઈફોન હાથમાં આવતા જ, તેનો ગુજરાતી જીવડો સળવળી ઉઠ્યો, -- બચત કરવા માટે. પછી તો તે નવો મોબાઈલ લઈને અડધું જામનગર રખડ્યો, અને છેવટે મોંઘા આઈફોન પર સસ્તું કવર અને સસ્તું સ્ક્રીન ગાર્ડ લગાવ્યું ત્યારે જ તેના જીવને શાંતિ થઈ.
માર્ચ એન્ડિંગ આવે એટલે દરેક ગુજરાતીને ચોપડા દેખાય. આજના જમાના પ્રમાણે ધંધાના બધા જ હિસાબો ભલે કોમ્પ્યુટરમાં લખાય પરંતુ સાચો ગુજરાતી વેપારી દિવાળીના દિવસે ચોપડા પૂજન તો કરવાનો જ.
દિવાળી જેવી જ ધાર્મિક વિધિ માર્ચ મહિનામાં પણ આવે છે અલગ અલગ ટેક્સ ભરવાની અને શક્ય હોય તો ટેક્સ બચાવવાની પણ. હવે આ જ સમયે આપણા મિત્રો, સાથી કર્મચારીઓ, પાડોશીઓ, દૂરના સંબંધીઓ, વગેરે બધા જ ફાઈનાન્સિયલ એક્સપર્ટ બની જાય છે. અને સાથે સાથે આપણને વિવિધ પ્રકારે રોકાણ કરવાની સલાહ પણ આપતા જાય છે, *પીપીએફમાં પૈસા રોકો..*
*મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકો..
*પેલી કંપનીની વીમા પોલિસી લઈ લો...*
*ફલાણા ટ્રસ્ટને ડોનેશન આપો..*
*ઢીકણા રાજકીય પક્ષને ડોનેશન આપો, અને ઇન્કમટેક્સમાં બાદ મેળવો..*
ટેક્સ બચાવવા માટે બચત અને ઇન્વેસ્ટમેન્ટ કરવાની આ બધી સલાહો મેળવ્યા પછી તમને તો એક જ પ્રશ્ન થશે કે, *... માર્ચ એન્ડ પછી, આ બધા જે મારા જ પૈસા છે, તેમાંથી મારી પાસે કશું બચશે કે નહીં?*
માર્ચ મહિનામાં આવો જ બીજો પ્રોબ્લેમ પણ હોય છે આપણા બિઝનેસ ટાર્ગેટ પૂરા કરવાના. વર્ષ આખું મહેનત કરવા છતાં પણ ક્યારેય બિઝનેસ ટાર્ગેટ પુરા નથી થતા ત્યારે બધાની ડિમાન્ડ એક જ હોય છે, *થોડો વધુ સમય આપો ને !*
હવે આ બધી પબ્લિક ડિમાન્ડ સાંભળીને આપણી પરમ કૃપાળુ સરકાર મુદત વધારી પણ આપે છે, ટેક્સ ભરવા માટેની મુદત, અને તે પણ ફક્ત એક દિવસ માટે. સરકાર હવે બેંકો અને નાણાકીય સંસ્થાઓમાં વાર્ષિક હિસાબો માટેની રજા ૩૧ માર્ચના બદલે પહેલી એપ્રિલના રોજ આપે છે, કે જેથી ભોળી પ્રજા વધુમાં વધુ ટેક્સ ભરી શકે..!
આને તમે સરકારી એપ્રિલ ફૂલ પણ કહી શકો..!
વિદાય વેળાએ : બધી જ ઓફિસોમાં માર્ચ એન્ડ વખતે એક જ મંત્ર લાગુ પડે છે કે, *હજી તો ઘણું બધું કામ બાકી છે..*
અને કાયમ ઘરે મોડા આવતા પતિદેવો માટે પણ માર્ચ મહિનામાં એક જ હાથવગું બહાનું છે કે, *હજી તો ઓફિસમાં ઘણું બધું કામ બાકી છે..!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial