
ડૂમ્સ ડે વિમાને ઉડાન ભરી ચક્કરો લગાવતા આશંકાઓની આંધીઃ ફફડાટ વચ્ચે ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ આજે કતલની રાત
તહેરાન/ વોશીંગ્ટન તા. ૭: ઈરાનને ટ્રમ્પે આપેલી સમય મર્યાદા ભારતીય સમય મુજબ આવતીકાલે સવારે ૫ૂરી થાય છે. તેથી આજે કતલની રાત ગણાય. ઈરાને પ્રતિકાર કર્યા પછી હવે શું થશે. તે અંગે અટકળો થઈ રહી છે. તો અમેરિકાના ડૂમ્સ ડે વિમાને આકાશમાં ચક્કરો લગાવ્યા પછી ચિન્તા વધી છે. આ ભીષણ યુદ્ધ હવે પરમાણુ યુદ્ધમાં ફેરવાઈ શકે છે. તેવી આશંકાઓ વચ્ચે યુએનએસસીમાં હોર્મુઝ સ્ટ્રેટ અંગે મહત્ત્વપૂર્ણ ઠરાવ તથા ચીન દ્વારા આ પહેલા 'વીટો'પાવરના કરાયેલા ઉપયોગ પણ અનિશ્ચિતતાઓ વધારી દીધી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને મંગળવાર, ૭ એપ્રિલે રાત્રે ૮ વાગ્યા સુધીમાં સમજૂતી પર પહોંચવા માટે અલ્ટીમેટમ આપ્યું છે. ટ્રમ્પે ધમકી આપી છે કે જો ઈરાન કોઈ સમજૂતી પર પહોંચશે નહીં, તો તે તેને નરકમાં ફેરવી દેશે અને રાતોરાત તેનો નાશ કરી શકે છે.
આ ધમકી વચ્ચે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી) મંગળવારે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા વેપારી જહાજોને સુરક્ષિત રાખવા માટેના ઠરાવ પર મતદાન કરે તેવી અપેક્ષા છે. જોકે, ઈરાનને ચીનનો ટેકો મળ્યો છે, અને આ ઠરાવ અગાઉના ઠરાવની તુલનામાં નોંધપાત્ર રીતે નબળો પડી ગયો છે. આ એટલા માટે કરવામાં આવ્યું કારણ કે વીટો ધરાવતો દેશ ચીને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે બળના ઉપયોગનો વિરોધ કર્યો હતો.
યુએન સુરક્ષા પરિષદમાં ૧૫ સભ્યો છે. હાલમાં બહેરીન કાઉન્સિલનું પ્રમુખપદ ધરાવે છે. બહેરીને ચીન, રશિયા અને કેટલાક અન્ય દેશોના વિરોધને દૂર કરવા માટે આ ઠરાવ પસાર કરવા માટે ઘણાં ડ્રાફટ તૈયાર કર્યા છે. રોઇટર્સ દ્વારા જોવામાં આવેલા પ્રસ્તાવના નવા ડ્રાફટમાં બળના ઉપયોગ માટે સ્પષ્ટ અધિકૃતતા દૂર કરવામાં આવી છે.
ઠરાવમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ પ્રયાસોમાં ેવેપારી અને માલવાહક જહાજોને સુરક્ષિત રીતે એસ્કોર્ટે કરવાનો સમાવેશ થઈ શકે છે. આ ઠરાવ હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા આંતરરાષ્ટ્રીય શિપિંગને બંધ કરવા, અવરોધિત કરવા અથવા તેમાં દખલ કરવાના કોઈપણ પ્રયાસને રોકવાના પ્રયાસોને પણ સમર્થન આપે છે.
અહેવાલો અનુસાર, રાજદ્વારીઓએ જણાવ્યું હતું કે નબળા ઠરાવને પસાર થવાની શક્યતા વધુ છે, પરંતુ તે સફળ થશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી. પસાર થવા માટે ઓછામાં ઓછા નવ દેશોનો ટેકો જરૂરી છે અને સુરક્ષા પરિષદના પાંચ કાયમી સભ્યો - બ્રિટન, ચીન, ફ્રાન્સ, રશિયા અને યુનાઇટેડ સ્ટેટ્સમાંથી કોઈનો વીટો નહીં. આનો અર્થ એ છે કે ચીન અને રશિયા કોઈપણ સમયે ઠરાવને હરાવી શકે છે. આ કારણે અનિશ્ચિતતાઓ સાથે વૈશ્વિક ચિંતા વધી છે.
શેપીટર્સને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે જો ઈરાન તેનું પાલન નહીં કરે, તો તેઓ તેનો નાશ કરશે. હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાની ૧૦ દિવસની સમયમર્યાદા પૂરી થાય તેના એક દિવસ પહેલા, ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે કહૃાું હતું કે ઈરાન પરમાણુ શસ્ત્રો રાખી શકતું નથી. આ પ્રેસ કોન્ફરન્સમાં, ટ્રમ્પે ફરી એકવાર વિજયનો દાવો કર્યો હતો.
ટ્રમ્પે કહૃાું, આ ખૂબ જ મહત્વપૂર્ણ સમય છે. અમે તેમને કાલે રાત્રે ૮ વાગ્યા સુધીનો સમય આપી રહૃાા છીએ, અને તે પછી, તેમની પાસે કોઈ પુલ બાકી રહેશે નહીં. તેમની પાસે કોઈ પાવર પ્લાન્ટ નહીં હોય. તેઓ પાષાણ યુગમાં પાછા ફરશે. ટ્રમ્પની આ સમય મર્યાદા ભારતીય સમય મુજબ આવતીકાલે સવારે ખતમ થાય છે.
ટ્રમ્પે એવો દાવો કર્યો હતો કે અમેરિકા પાસે એક યોજના છે જે ઈરાનના દરેક પુલને નષ્ટ કરી દેશે અને ઈરાનના દરેક પાવર પ્લાન્ટને કાલે રાત્રે ૧૨ વાગ્યા સુધીમાં તોડી નાખશે.
અમેરિકાની ઈરાન સાથેની શાંતિ મંત્રણા નિષ્ફળ જતાં હવે દુનિયા પર પરમાણુ યુદ્ધનું જોખમ તોળાઈ રહૃાું હોય તેવા સંકેતો મળી રહૃાા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ડૂમ્સડે પ્લેન તરીકે ઓળખાતું અત્યંત સુરક્ષિત વિમાન સોમવારે નેબ્રાસ્કાના આકાશમાં ચક્કર લગાવતું જોવા મળ્યું હતું. જેનાથી સમગ્ર વિશ્વમાં ફફડાટ ફેલાયો છે.
બોઈંગ ઈ-૪બી નાઈટવોચને જનરલ ભાષામાં ડૂમ્સડે પ્લેન કહેવામાં આવે છે. આ કોઈ સામાન્ય વિમાન નથી, પરંતુ હવામાં તરતું અમેરિકાનું કમાન્ડ સેન્ટર છે. આ વિમાન એવી રીતે બનાવવામાં આવ્યું છે કે તે પરમાણુ વિસ્ફોટ અને ઇલેક્ટ્રોમેગ્નેટિક પલ્સ (ઈએમપી) ને પણ સહન કરી શકે છે.
કટોકટીના સમયે અમેરિકી રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને સંરક્ષણ મંત્રી આ વિમાનમાંથી જ આખા દેશનું સંચાલન કરી શકે છે અને સૈન્યને આદેશ આપી શકે છે. આ વિમાન સતત ઘણા દિવસો સુધી હવામાં રહી શકે છે કારણ કે તેમાં હવામાં જ ઈંધણ ભરી શકાય તેવી સુવિધા છે.
સોમવાર, ૬ એપ્રિલના રોજ ફ્લાઈટ ટ્રેકિંગ ડેટા મુજબ, આ વિમાન સવારે ૧૦.૧૭ વાગ્યે નેબ્રાસ્કાના ઓફટ એરફોર્સ બેઝ પરથી ઉડ્યું હતું. આ એરબેઝ અમેરિકાના પરમાણુ કમાન્ડ સેન્ટરનું મુખ્ય મથક છે. વિમાને આ વિસ્તારમાં ઓછામાં ઓછા ૬ ચક્કર લગાવ્યા હતા.
જોકે, સત્તાવાર રીતે તેને એક રૂટિન એક્સરસાઇઝ ગણાવવામાં આવી રહી છે, પરંતુ સમયને જોતા અનેક તર્ક-વિતર્ક થઈ રહૃાા છે. ઓફટ એરબેઝની આસપાસ નાગરિક હવાઈ ટ્રાફિક ઓછો હોવાથી ત્યાં અવારનવાર આવી તાલીમ થતી હોય છે.
આ ઘટના એવા સમયે બની છે જ્યારે પાકિસ્તાનની મધ્યસ્થતામાં ચાલી રહેલી શાંતિ મંત્રણાને ઈરાને ફગાવી દીધી છે. ઈરાને પાકિસ્તાન દ્વારા પ્રસ્તાવિત યુદ્ધવિરામના પ્લાનને નકારી કાઢતા કાયમી શાંતિની માંગ કરી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે મંગળવાર સુધીની ડેડલાઇન આપતા ઈરાનને ચેતવણી આપી છે કે, જો તેઓ વૈશ્વિક ઉર્જા માર્ગો ખોલવા માટે તૈયાર નહીં થાય, તો તેહરાનને નરક (હેલ) બનાવી દઇશું.
૨૮ ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાનના અનેક ઠેકાણાઓ પર સંયુક્ત હુમલા કરવામાં આવ્યા. જેના જવાબમાં ઈરાને વળતો પ્રહાર કર્યો હતો. જવાબમાં ઈરાને મધ્ય પૂર્વમાં ફેલાયેલા અમેરિકી અને સાથી દેશોના મથકો પર હુમલા કર્યા, જેનાથી સમગ્ર ક્ષેત્રમાં યુદ્ધની સ્થિતિ સર્જાઈ હતી. હાલમાં ઈરાને હોર્મુઝની સામુદ્રધુની બ્લોક કરી રાખી છે, જેના કારણે વૈશ્વિક તેલ પુરવઠા પર માઠી અસર પડી છે.
પરમાણુ કમાન્ડ સેન્ટર ઉપર ડૂમ્સડે પ્લેનનું ઉડવું એ ગંભીર સંકેત છે. જો વાટાઘાટો નિષ્ફળ જાય તો અમેરિકા સૈન્ય રીતે તૈયાર છે તેવો સંદેશ આપ્યો છે. ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવથી વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધની નજીક જઈ રહૃાું હોય તેમ લાગે છે. હવે આખી દુનિયાની નજર અમેરિકાની ડેડલાઇન પર છે. શું ઈરાન નમતું જોખશે કે પછી આ ડૂમ્સડે પ્લેન ખરેખર યુદ્ધના મેદાનમાં ઉતરશે? તે જોવું રહૃાું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial