Sensex

વિગતવાર સમાચાર

જુનાગઢના આસિ. કમિશ્નર વિરૂદ્ધ પગલાં ભરવા નગરના ઔદ્યોગિક સંગઠનોની ઉગ્ર માંગણી

જામનગરના વે૫ારીઓને જીએસટી ઓડીટના નામે હેરાનગતિ બદલ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૦: જામનગરના વેપારીઓને જીએસટી ઓડીટના નામે જુનાગઢના ઓડીટ વિભાગ (ડિવિઝન-૧૧) ના આસિસ્ટન્ટ કમિશ્નર જયદીપ ભાદીયાડ્ડા દ્વારા ભારે હેરાનગતિ કરવામાં આવે છે અને પૂર્વગ્રહયુક્ત વલણના આક્ષેપ સાથે જામનગરના ફેડરેશન ઓફ જામનગર ઈન્ડિટ્રીયલ એસ્ટેટ તેમજ જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન દ્વારા રાજયના મુખ્ય વેરા કમિશ્નરને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી તાકીદે કડક પગલા લેવા માંગણી કરવામાં આવી છે.

હાલની વૈશ્વિક મંદી અને મોંઘવારીના કપરા સમયમાં આ અધિકારી દ્વારા વેપારીઓને કાયદાકીય ટેકો આપવાના બદલે પોતાની સત્તાનો દૂરઉપયોગ કરીને માનસિક અને આર્થિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે, જેના કારણે લાંબા વર્ષો પછી જામનગરના વ્યાપર જગતમાં આવો ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

આ સંગઠનોના આવેદનપત્રમાં ભૂતકાળના ઈતિહાસની યાદ અપાવતા જણાવ્યું છે કે, વર્ષો પહેલા વર્ષ-ર૦૦૭ માં જામનગરના વેપારીઓને આવા જ એક આપખુદ અને હેરાનગતિ કરતા અધિકારી સામે અવાજ ઉઠાવ્યો હતો. તે સમયે જામનગરના તમામ વેપારીઓ એક થઈને અપ્રતિમ એકતા બતાવી હતી અને પ૦૦૦ થી વધુ સભ્યોએ રસ્તા પર ઉતરીને પ્રચંડ વિરોધ પ્રદર્શન (પદયાત્રા) કર્યુ હતું તે સમયે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી હોવા છતાં અને ચૂંટણી કમિશ્નરની કડક આચારસંહિતા (કોડ ઓફ કન્ડક્ટ) અમલમાં હોવા છતાં વેપારીઓની એકતા અને ન્યાયી માંગણી સામે ઝુકીને સરકારે તાત્કાલિક ધોરણે એ આપખુદ અધિકારીની બદલી કરવાનો આદેશ કરવો પડ્યો હતો. આજે વર્ષો પછી ફરીથી જામનગરના વેપારીઓને એ જ કડવા ઈતિહાસનું પુનરાવર્તન કરવા માટે મજબુર કરવામાં આવી રહ્યાં છે.

ગુજરાત સ્ટેટ જીએસટી ઓડિટ મેન્યુઅલ-ર૦રર સ્પષ્ટપણે કહે છે કે, જીએસટીએ વિશ્વાસ આધારિત કર વ્યવસ્થા છે. જેમાં ઓડિટનો હેતુ વેપારીઓને સુવિધા આપવાનો છે. આથી ઉલટું, આસિસ્ટન્ટ કમિશ્નર શ્રી ભાદીયાદ્રા જામનગરના મોટા એકમોને તમામ ખરીદ-વેચાણના વિશાળ ચોપડા અને દસ્તાવેજો લઈને છેક જુનાગઢ ઓફિસે રૂબરૂ ધક્કા ખાવા માટે મજબુર કરે છે. જીએસટી કાયદાની કલમ ૬પ(ર) મુજબ ઓડિટ વેપારીના ધંધાના સ્થળે થઈ શકે છે. જ્યારે વેપારીઓ કાયદેસર રીતે જામનગરમાં આવીને ઓડિટ કરવા વિનંતી કરે છે અથવા સમય માંગે છે ત્યારે તેને અસહકાર ગણીને સીધા રૂ।. પ૦,૦૦૦/- સુધીના તોતિંગ દંડની નોટિસો ફટકારી ધમકાવવામાં આવે છે.

આ અધિકારી કોઈપણ પ્રકારના રેકોર્ડ કે રીટર્નની પ્રાથમિક તપાસ (ડેસ્ક રીવ્યુ) કર્યા વિના જ સીધી 'ફોર્મ જીએસટી ડીઆરસી-૦૧એ' ની આખરી નોટિસો ઈસ્યુ કરી દે છે, આ બાબતે તેમની પૂર્વગ્રહયુક્ત માનસિકતા (પ્રીજ્યુડીસ્ડ માઈન્ડ) દર્શાવે છે કે તેઓ ઓડિટ શરૂ કરતા પહેલા જ વેપારીને દોષિત માની ચૂક્યા છે. આવા નકારાત્મક વલણને કારણે જામનગરના અનેક વેપારીઓએ પોતે જ આ અધિકારી સમક્ષ હાજર ન થવાનો સ્વૈચ્છિક નિર્ણય કર્યો છે. કારણ કે, વેપારીઓ જાણે છે કે, જ્યાં અધિકારી જ પહેલેથી જ પૂર્વગ્રહ રાખીને બેઠા હોય ત્યાં હાજર થઈને પોતાના કિંમતી સમય અને સંશાધનોનો બગાડ કરવાનો કોઈ અર્થ નથી.

વિભાગ દ્વારા મોકલવામાં આવતી મોટાભાગની નોટિસોમાં નિયમ મુજબનો ડોક્યુમેન્ટ આઈડેન્ટિફિકેશન નંબર (ડીન) કે અધિકારીની સહી પણ હોતી નથી, જે સંપૂર્ણપણે કાયદા વિરૂદ્ધ છે. વળી રૂબરૂ મુલાકાતો દરમિયાન આ અધિકારીની ભાષા અને વર્તન વેપારીઓ પ્રત્યે અત્યંત અપમાનજનક, અસભ્ય હોય છે.

મુખ્ય કમિશ્નર અને નાણામંત્રી સમક્ષ એસો.ની મુખ્ય માંગણીઓઃ

વેપારીઓ સાથે જાહેર વ્યવહાર કરતા આવા અધિકારીઓ માટે ફરજીયાત 'સાયકોમેટ્રીક અને એટિટયુડ ટેસ્ટ લેવામાં આવે અને તેમને પબ્લિક ડિલિંગમાંથી હટાવી આંતરિક વહીવટી (ડેસ્ક) કામગીરીમાં મૂકવામાં આવે.

સહી વગરની અને ડીઆઈએન વગરની તમામ ગેરકાયદેસર નોટિસો તેમજ ઓડિટ વિના ઈસ્યુ કરાયેલી ડીઆરસી-૦૧એ નોટિસો તુરંત રદ્દ કરવામાં આવે.

જામનગરના ઉદ્યોગોના વિશાળ દસ્તાવેજોને ધ્યાને રાખીને જીએસટી કાયદાની કલમ ૬પ અંતર્ગત જામનગરમાં ઓનસાઈટ (સ્થળ પર) જ ઓડિટ કરવાની સુવિધા આપવામાં આવે.

જો પ્રામાણિક કરદાતાઓની આ વહીવટી હેરાનગતિ તુરંત બંધ કરીને ન્યાય આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જામનગરના તમામ વેપારીઓ, મહામંડળો અને એસોસિએશનો સાથે મળીને વર્ષ-ર૦૦૭ જેવું જ અપ્રતિમ અને ઉગ્ર આંદોલન છેડશે. જેની સંપૂર્ણ જવાબદારી જીએસટી વિભાગની રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial