Sensex

વિગતવાર સમાચાર

જામનગરના પુરાતત્ત્વીય સંગ્રહાલયમાં બાંધણી કળા અને મંડલા આર્ટ વિશે વર્કશોપઃ સાંસ્કૃતિક કાર્યક્રમ

આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસની ઉજવણી અંતર્ગત આયોજનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: દર વર્ષે ૧૮મે ના વિશ્વમાં 'આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે. આપણી ભવ્ય અને સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત તેમજ સ્થાનિક કલા-વારસાથી લોકોને પરિચિત કરવાના ઉદ્દેશ્ય સાથે જામનગરના ઐતિહાસિક પુરાતત્ત્વીય સંગ્રહાલયમાં એક વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગરની સુપ્રસિદ્ધ 'બાંધણી કળા વર્કશોપ' અને 'મંડલા આર્ટ વર્કશોપ'નું એકસાથે આયોજન કરવામાં આવ્યું હતું.

આ બન્ને સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆતમાં પુરાતત્વીય સંગ્રહાલયના ક્યુરેટર ડો. ધીરજ વાય. ચૌધરી દ્વારા ઉપસ્થિત સૌ કલાપ્રેમીઓ અને મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસનું વૈશ્વિક મહત્ત્વ સમજાવી, માનવ જીવનમાં કળા, સંસ્કૃતિ અને ઇતિહાસના અરસપરસ જોડાણ પર વિશેષ પ્રકાશ પાડ્યો હતો. તેમણે ઉમેર્યું કે જામનગરની સદીઓ જૂની હસ્તકલા બાંધણી અને આધ્યાત્મિક મંડલા આર્ટ બંને મનની એકાગ્રતા, બારીકાઈ અને અપાર ધીરજના ઉત્કૃષ્ટ પ્રતીક છે.

આ કાર્યક્રમમાં જામનગરના 'પારેખ મગનલાલ વિરજી એન્ડ સન્સ' ના સહયોગથી બાંધણી વર્કશોપનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાત કલાકાર ધર્મેશભાઇ પારેખ અને તેમના પરિવાર દ્વારા ઉપસ્થિત લોકોને માર્ગદર્શન પૂરૃં પાડવામાં આવ્યું હતું. કલાકારો દ્વારા જામનગરની વિશ્વવિખ્યાત બાંધણી કળાના ઇતિહાસ, પરંપરાગત બાંધવાની વિવિધ શૈલીઓ અને તેની જટિલ રંગકામ પ્રક્રિયાનું જીવંત પ્રદર્શન બતાવવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં કલા નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ મંડલા આર્ટ વર્કશોપ યોજાયો હતો. જેમાં તાલીમાર્થીઓને મંડલા આર્ટના બેઝિક સ્ટેપ્સ, કેન્દ્રબિંદુનું મહત્ત્વ, વિવિધ ભૌમિતિક આકારોની ગોઠવણ અને તેનાથી મળતી માનસિક શાંતિ (આર્ટ થેરાપી) વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

આ સંયુક્ત કાર્યક્રમમાં કળા પ્રત્યે રસ ધરાવતા શાળા-કોલેજના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ તેમજ જામનગરના પ્રબુદ્ધ નાગરિકો અને લોકોએ ભાગ લીધો હતો.

સહભાગીઓએ પરંપરાગત બાંધણીની બારીકાઈઓ શીખી હતી અને સાથે જ કાગળ તેમજ કેનવાસ પર સુંદર મંડલા કૃતિઓ કંડારી હતી. જામનગરના આ ઐતિહાસિક સંગ્રહાલયની મુલાકાતે આવેલા પ્રવાસીઓ અને નગરજનો માટે વૈશ્વિક અને સ્થાનિક હસ્તકળાનો આ સમન્વય એક અનોખો અને પ્રેરણાદાયી અનુભવ સાબિત થયો હતો.

કાર્યક્રમના અંતે ક્યુરેટર ડો. ધીરજ વાય. ચૌધરી અને સંગ્રહાલયના સ્ટાફ દ્વારા સહયોગી પારેખ પરિવાર, કલાકારો અને તમામ સહભાગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial