
સીએની પરીક્ષામાં ડ્રોપ મેળવ્યા પછી ડિપ્રેશન અનુભવતા હતાઃ પરિવાર હતપ્રભ બન્યોઃ
જામનગર તા. ૨૦: જામનગરના ગોવાળ મસ્જિદ વિસ્તારમાં આવેલા શાલીગ્રામ એપાર્ટમેન્ટના નવમા માળેથી આજે સવારે એક સોની સમાજની યુવતીએ મોતની છલાંગ લગાવી હતી. ધડાકાભેર જમીન પર પછડાયેલી આ યુવતી ગણતરીની સેકંડોમાં મોતને શરણ થઈ હતી. દોડી આવેલી પોલીસ ટીમે મૃતદેહનો કબજો સંભાળી પી.એમ. માટે ખસેડ્યો છે અને સ્થળ પરથી જાણવા મળ્યા મુજબ સીએની પરીક્ષા આપવાની બદલે તાજેતરમાં જ ડ્રોપ મેળવનાર આ યુવતીનો પરિવાર કેદારનાથ જવાની તૈયારી કરી રહ્યો હતો તે દરમિયાન ડિપ્રેશન અનુભવતા આ યુવતીએ આજે સવારે પ્રાણઘાતક પગલું ભરી લીધુ છે.
જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારથી હવાઈચોક તરફ જવાના રસ્તા પર આવેલી ગોવાળ મસ્જીદ સામેના શાલીગ્રામ એપાર્ટમેન્ટના સાતમા માળેથી આજે સવારે અંદાજે પોણા નવેક વાગ્યે એક યુવતીએ કોઈ કારણથી મોતની છલાંગ લગાવી હતી.
ધડાકાભેર આ એપાર્ટમેન્ટના પાર્કિંગ પાસે પછડાયેલા યુવતીના માથામાં ફૂટ પડી હતી અને તેમાંથી વહેવા લાગેલા લોહી વચ્ચે આ યુવતી મોતને શરણ થયા હતા. જોરદાર ધબાકાનો અવાજ સાંભળી આ એપાર્ટમેન્ટના ચોકીદાર તેમજ રોડ પરથી પસાર થતા વ્યક્તિઓ અને તે ઈમારતમાં રહેતા નાગરિકો દોડી આવ્યા હતા.
તે દરમિયાન કોઈએ ૧૦૮ તથા પોલીસને જાણ કરતા એમ્બ્યુલન્સ ધસી આવી હતી અને પોલીસ ટૂકડી પણ આવી પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી મૃતકની ઓળખ મેળવવા શરૂ કરેલી તપાસમાં આ યુવતી તે એપાર્ટમેન્ટમાં ન રહેતા હોવાનું ખૂલ્યું હતું અને ગણતરીની મિનિટોમાં પોલીસને જાણકારી મળી હતી કે, આ યુવતી કલ્યાણજી ચોક નજીક ઝવેરી ડેલીમાં રહેતા દ્રષ્ટિબેન જતીનભાઈ પારેખ (ઉ.વ.ર૩) છે. તેથી પોલીસે તેમના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યાે હતો. ત્યાં દોડી આવેલા યુવતીના સંબંધીઓએ આ મૃતદેહ દ્રષ્ટિબેન પારેખ નામના સોની યુવતીનો હોવાનું જણાવ્યું હતું.
પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડી આ એપાર્ટમેન્ટના સીસીટીવી ફૂટેજ ચકાસતા અંદાજે પોણા નવેક વાગ્યામાં થોડી મિનિટો ઓછી હતી ત્યારે તે યુવતી ગ્રાઉન્ડ ફલોરમાંથી નવમા માળ તરફ જવા રવાના થયાનું જણાઈ આવ્યું હતું અને તેણી જ્યારે એપાર્ટમેન્ટમાં આવ્યા ત્યારે તેમની સાથે યોગા કરવા માટે સાથે રાખવામાં આવતી ચાદર વગેરે હતા તે સામગ્રી નવમા માળેથી મળી આવી છે. જેના પગલે આ યુવતી યોગા કરવા માટેનું બહાનુ બતાવી તે એપાર્ટમેન્ટમાં પ્રવેશ્યા હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ આ યુવતી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરતા હતા. તે દરમિયાન ડ્રોપ આઉટ મેળવી ચૂકેલા દ્રષ્ટિબેન થોડા દિવસથી ભારે માનસિક સંતાપ અનુભવી રહ્યા હતા. તે દરમિયાન તેમનો પરિવાર કેદારનાથ દર્શન કરવા જવા માટેનું આયોજન પણ કરી રહ્યો હતો ત્યારે આજે સવારે દ્રષ્ટિબેને શાલીગ્રામ એપાર્ટમેન્ટના નવમા માળે પહોંચી મોતની છલાંગ લગાવી લીધી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial