Sensex

વિગતવાર સમાચાર

યુદ્ધ બહુ લાંબુ નહીં ચાલે... ટૂંક સમયમાં ક્રુડની રેલમછેલ થતા ભાવો ધડાધડ તૂટશેઃ ડોનાલ્ડ ટ્રમ્પ

ઈરાન શાંતિ કરાર માટે આતુર હોવાના ટ્રમ્પનો દાવો !

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૨૦: ટ્રમ્પે ફરીથી વિચિત્ર દાવો કરતા કહ્યું છે કે ઈરાન સમજૂતિ કરવા તલપાપડ છે, અને ટૂંક સમયમાં યુદ્ધ સમાપ્ત થતા ક્રુડના ભાવો તળિયે જશે અને દુનિયામાં ક્રુડની રેલમછેલ બોલશે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત સતત ૧૧૦ ડોલર પ્રતિ બેરલ ચાલી રહી છે. જોકે, આ દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યા છે કે ટૂંક સમયમાં જ ક્રૂડ ઓઇલના ભાવ ક્રેશ થઈ શકે છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે હવે ઈરાન યુદ્ધ ટૂંક સમયમાં જ પૂરું થશે અને ઓઇલના ભાવ નીચે આવી જશે. ડોનાલ્ડ ટ્રમ્પના મતે, ઈરાન સાથે ચાલી રહેલો જંગ હવે બહુ લાંબી નહીં ખેંચાય અને ખૂબ જ ટૂંક સમયમાં ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો કડાકો જોવા મળશે. તેમણે દાવો કર્યો છે કે, ઈરાન સરકાર અમારી સાથે શાંતિ કરાર કરવા માટે આતુર છે. ઈરાન પાસે ઓઇલનો અખૂટ ભંડાર હોવાથી, જો આ ડીલ સફળ રહેશે તો વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ રેલમછેલ હશે, જેથી તેની કિંમતો ખૂબ જ ઝડપથી ઘટી જશે. ત્યાં એટલો મોટો ઓઇલનો સ્ટોક છે કે માર્કેટમાં ભાવ ઘડાધડ તૂટી જશે.'

વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત કરતાં ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, 'સાઉદી અરેબિયા, કતાર, યુએઈ, કુવૈત, બહેરીન અને અન્ય મધ્યપૂર્વના દેશો આ કરાર કરાવવા માટે એક ટીમ તરીકે કામ કરી રહૃાા છે. અમેરિકા પણ ઈરાનને આ શાંતિ કરાર માટે મર્યાદિત સમય આપી રહૃાું છે, કારણ કે ઈરાનને કોઈ પણ સંજોગોમાં પરમાણુ હથિયાર રાખવાની મંજૂરી આપી શકાય નહીં.' આ ઉપરાંત ટ્રમ્પે ચિંતા વ્યક્ત કરી હતી કે જો ઈરાન પરમાણુ હથિયાર મેળવી લેશે, તો તે ચોક્કસપણે તેનો ઉપયોગ કરશે.

એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે ચોંકાવનારો ખુલાસો કરતાં કહૃાું કે, 'હું ઈરાન પર સૈન્ય હુમલો કરવાનો આદેશ આપવાની બિલકુલ નજીક હતો. અમે હુમલા માટે સંપૂર્ણ રીતે તૈયાર હતા અને માત્ર એક જ કલાકનો સમય બાકી હતો. પરંતુ તે જ સમયે કતાર, સાઉદી અરેબિયા, કુવૈત અને યુએઈ સહિતના મધ્યસ્થી દેશોના ફોન આવ્યા અને મેં મારો ઇરાદો બદલી નાખ્યો. આ દેશોએ ખાતરી આપી હતી કે તેહરાન શાંતિ મંત્રણા માટે યોગ્ય વલણ અપનાવી રહૃાું છે.'

ડોનાલ્ડ ટ્રમ્પના આ દાવાઓ અને જાહેરાતની અસર આંતરરાષ્ટ્રીય માર્કેટ પર પણ જોવા મળી છે. બુધવારે ક્રૂડ ઓઇલના ભાવમાં થોડો ઘટાડો નોંધાયો છે, પરંતુ મિડલ ઇસ્ટમાં ઓઇલ સપ્લાય ખોરવાઈ હોવાને કારણે ભાવ હજુ પણ ૧૧૦ ડોલર પ્રતિ બેરલની ઉપર છે. જો કે, બોલીને ફરી જતા ટ્રમ્પનો કોઈ બહુ વિશ્વાસ કરતુ નહીં હોવાથી હાલમાં કાંઈ કહી શકાય નહીં.

ગ્લોબલ માર્કેટ એનાલિસ્ટ્સ પણ વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે થનારા સંભવિત શાંતિ કરાર પર નજર રાખી રહૃાા છે. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે, ભલે હાલમાં ઓઇલના ભાવ થોડા નરમ પડ્યા હોય, પરંતુ જો અમેરિકા ફરીથી ઈરાન પર નવા હુમલા કરવાનું જોખમ લેશે તો કિંમતો ફરી આકાશને આંબી શકે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial