
ઓનલાઈન ઈ-ફાર્મસી દ્વારા દવાઓના આડેધડ બેફામ વેંચાણ અને ભારે ડિસ્કાઉન્ટના કિમિયા સામે પ્રચંડ વિરોધનો વંટોળિયો ઊઠ્યો
જામનગર તા. ર૦: ઓનલાઈન ઈ-ફાર્મસી દ્વારા દવાઓના બેફામ વેંચાણ અને ભારે ડીસ્કાઉન્ટના વિરોધમાં આજે દેશવ્યાપી બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેમાં હાલારના તમામ કેમિસ્ટો પણ જોડાયા છે.
ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ દ્વારા ર૪ કલાકની દેશવ્યાપી હડતાલનું એલાન આપવામાં આવ્યું છે.
જેમાં આજે દેશભરના ૧ર.પ લાખથી ૧પ લાખ કેમિસ્ટો જોડાયા છે. યોગ્ય નિયંત્રણોના અભાવે પરંપરાગત મેડિકલ સ્ટોર્સનો બિઝનેસ જોખમાયો છે. સાથે જ ઓનલાઈન માધ્યમથી નકલી દવાઓનું વેંચાણ વધતા દર્દીઓને સુરક્ષા માટે ખતરો ઊભો થયો છે. તાજેતરમાં દેશમાં રૂ।. ૧પ૦ કરોડથી વધુની નકલી દવાઓ ઝડપાઈ હતી. આથી સરકારે આ અંગે કાયદો ઘડવો જોઈએ તેવી માગણી ઊઠવા પામી છે.
કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખના જણાવ્યા મુજબ સરકારની વર્તમાન નીતિઓ છૂટક દવા વ્યાપારીઓના હિતોને નુક્સાન પહોંચાડી રહી છે. આ હડતાલ પાછળ સંગઠનની મુખ્ય ત્રણ માંગણીઓ જેમાં ઓન લાઈન દવાના વેંચાણને લઈને સરકાર દ્વારા જારી કરાયેલ આઈ.ટી. સંબંધી નોટીફિકેશન તાત્કાલિક પરત ખેંચવામાં આવે અને નવેસરથી માળખુ તૈયાર થાય, મહામારી દરમિયાન લાગુ કરવામાં આવેલા બે ડ્રાફ્ટ નોટીફિકેશન સંપૂર્ણપણે પાછા ખેંચવા, ઓનલાઈન કંપનીઓ દ્વારા ગ્રાહકોને અપાતા બેફામ ડિસ્કાઉન્ટ પર તાકીદે રોક લગાવવામાં આવે અથવા ડ્રગ પ્રાઈઝ કંટ્રોલ ઓર્ડરમાં સુધારો કરીને સ્થાનિક રિટેલ દુકાનદારોનું માર્જીન વધારવામાં આવે જેથી બજારની હરિફાઈમાં તેઓ ટકી શકે.
આ તમામ મુદ્દાઓની માગણી સાથે આજે એક દિવસનું બંધનું એલાન આપવામાં આવ્યું છે. આજે રાજ્યના ૩પ હજારથી વધુ દવાની દુકાનો બંધ છે, તો હાલારમાં પણ આશરે ૮૦૦ થી વધુ મેડિકલ સ્ટોર્સ બંધ રાખવામાં આવ્યા છે.
જો કે, ઈમરજન્સીમાં દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે જામનગર સહિત રાજ્ય-દેશમાં વ્યવસ્થા કરવામાં આવી છે. ગામડામાં પણ દરેક ગામદીઠ એક મેડિકલ સ્ટોર્સ ખુલ્લો રાખવામાં આવ્યો છે, તો પ્રધાનમંત્રી જન અષૌધિ કેન્દ્ર રાબેતા મુજબ ખુલ્લા છે.
સરકારે પણ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, કેમિસ્ટોની વ્યાજબી ચિંતાઓ પર વિચારણા ચાલુ છે, પરંતુ દર્દીઓના જીવના જોખમે દવાની કાળાબજારી કે કૃત્રિમ અછત સર્જનારાઓ સામે કડક કાયદાકીય પગલાં લેવાશે.
જામનગરના કેમિસ્ટોએ એસ.ટી. માર્ગે ગાયત્રી મેડિકલ નજીક એકત્ર થઈ સૂત્રોચાર પણ કર્યા હતાં, જેથી જામનગર કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસો.ના પ્રમુખ હિરેનભાઈ ચાંગાણીએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, કેટલીક ડુપ્લીકેટ દવાનું વેંચાણ થાય છે, તો ક્યાંક કાયદાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. તેના વિરોધમાં આજે બંધ છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૮૦૦ મેડિકલ સ્ટોર્સ ધારકો આજથી હડતાલમાં જોડાયા છે. પરિણામે જામનગર, ધ્રોળ, રાવલ, જોડિયા, કાલાવડ, જામજોધપુર, ખંભાળિયા, દ્વારકા, મીઠાપુર, ઓખા, કલ્યાણપુર, ભાણવડ સહિતના ગામોમાં મેડિકલ સ્ટોર્સ બંધ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial