Sensex

વિગતવાર સમાચાર

ડોલ્ફિન સાઈટ માટે શિવરાજપુર અને પોશિત્રા માટે 'બેસ્ટ સ્પોટ'

રાજ્યના સમુદ્રકાંઠાઓમાં ૬૮૦થી વધુ ડોલ્ફીન મોજુદઃ અર્જુનભાઈ મોઢવાડિયા

                                                                                                                                                                                                      

વન્યજીવોની સાથે સાથે સૌથી સુંદર અને આકર્ષક જળચર એવા 'ડોલ્ફિન'ના સંરક્ષણ-સંવર્ધનમાં ગુજરાતે મહત્વનું યોગદાન આપ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં જળચર-વન્ય જીવ સંરક્ષણ અને સંવર્ધનના વિશેષ પ્રયાસોના પરિણામે વર્ષ-૨૦૨૫ની છેલ્લી ગણતરી મુજબ ગુજરાતના ૪,૦૮૭ ચો.કિ.મી.ના દરિયાઈ વિસ્તારમાં અંદાજે ૬૮૦થી વધુ  ડોલ્ફિન નોંધાઈ છે, ત્યારે જળચર તેમજ વન્યજીવ પ્રવાસન ક્ષેત્રે પણ ગુજરાતે હરણફાળ ભરી છે. ગુજરાતના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ એવા શિવરાજપુર અને પોશિત્રાનો દરિયાકિનારો ડોલ્ફિન માટે 'બેસ્ટ સ્પોટ' તરીકે પણ ઓળખાય છે. અહીં પાણી ખૂબ જ સ્વચ્છ હોવાથી ડોલ્ફિન સરળતાથી દેખાઈ આવે છે. તેમ,વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું.

વધુમાં મોઢવાડિયાએ કહૃાું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સીધા માર્ગદર્શનમાં છેલ્લા ૧૨ વર્ષમાં દરિયા કિનારે મેન્ગ્રુવની સાથે સાથે ગુજરાતમાં જળચર પ્રાણીઓના સંરક્ષણની સાથે તેમના વસવાટ-વિકાસ માટે અનેકવિધ સંયુક્ત પ્રયાસો વન વિભાગે હાથ ધર્યા છે. કચ્છના અખાતના દક્ષિણી ભાગમાં આવેલા મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચુરીના, ઓખાથી નવલખી સુધી વિસ્તરેલા ૧,૩૮૪ ચો.કિ.મીનીના વિસ્તારમાં સૌથી વધુ ૪૯૮ ડોલ્ફિન હોવાની સંભાવના છે. જ્યારે કચ્છના અખાતના ઉત્તર તરફના ભાગમાં કચ્છ વર્તુળ હેઠળના ૧,૮૨૧ ચો.કિ.મી.માં ૧૬૮, ભાવનગરના ૪૯૪ ચો.કિ.મી.માં ૧૦ તેમજ મોરબીના ૩૮૮ ચો.કિ.મી.માં ચાર ડોલ્ફિન જોવા મળી છે. આમ,કચ્છના અખાતમાં આવેલો આ ભારતનો પ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ડોલ્ફિનનું મુખ્ય ઘર છે.

મોઢવાડિયાએ કહૃાું હતું કે, 'સ્વસ્થ ઇકોસિસ્ટમ માટે ડોલ્ફિન ખુબ જ મહત્વનું જળચર પ્રાણી' છે.સમુદ્રી દરિયાઇ સસ્તન પ્રાણીઓના કેટલાક ટોચના શિકારી આહાર શ્રૃંખલામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને સમુદ્રી ઇકોસિસ્ટમમાં સંતુલન સુનિશ્ચિત કરવામાં પણ મદદ કરે છે.આ ડોલ્ફિનને બચાવવામાં કચ્છથી ભાવનગર સુધી દરિયામાં માછીમારી કરતા માછીમાર ભાઈઓનું યોગદાન પણ એટલું જ મહત્વનું છે. આ સર્વગ્રાહી પ્રયાસોના પરિણામે ગુજરાતના દરિયા કિનારે જોવા મળતી ડોલ્ફિન દેશ - વિદેશના પ્રવાસીઓ માટે નવું આકર્ષણ કેન્દ્ર બન્યું છે. ડોલ્ફિન એ લુપ્ત થતી પ્રજાતિઓમાં સામેલ હોવાથી ડોલ્ફિનનો શિકાર કે નુકશાન પહોંચાડવું તે બિન-જામિનપાત્ર ગુનો છે તેમ, મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.

ગુજરાતમાં જોવા મળતી

ડોલ્ફિનની વિશેષતાઓ

ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં મુખ્યત્વે ઇન્ડો-પેસિફિક હમ્પબેક ડોલ્ફિન તેમજ બોટલનોઝ ડોલ્ફિન એમ બે પ્રકારની ડોલ્ફિન સૌથી વધુ જોવા મળે છે. હમ્પબેક ડોલ્ફિન વધારે પ્રમાણમાં અરબી સમુદ્રમાં મળી આવે છે, તેને વિશિષ્ટ ખૂંધ અને વિસ્તરેલી ડોર્સલ ફિન એટલે કે, પૂંછડીથી ઓળખી શકાય છે. ડોલ્ફિન તેમના મૈત્રીપૂર્ણ અને જિજ્ઞાસુ સ્વભાવ માટે જાણીતી છે. ડોલ્ફિન ઘણીવાર લહેરોમાં કૂદતી અને રમતી જોવા મળે છે, જે પ્રવાસીઓને તેમના એક્રોબેટિક પ્રદર્શનથી આનંદિત કરી મૂકે છે. તેમનું શરીર આકર્ષક અને મોઢાનો આકાર 'બોટલ' જેવો હોવાથી તેમને સરળતાથી ઓળખી શકાય તેવી બનાવે છે. ડોલ્ફિનનો મુખ્ય ખોરાક માછલીઓ અને કરચલા, જિંગા હોવાથી દરિયાકિનારા અને નદીમુખો પાસે જોવા મળે છે. હમ્પબેક ડોલ્ફિન સામાન્ય રીતે ૨.૫ થી ૩.૨ મીટર લાંબી હોય છે અને તેમનું વજન ૧૫૦ થી ૨૫૦ કિલોગ્રામ સુધી હોઈ શકે છે.

વધુમાં માછલીઓની જેમ ડોલ્ફિનને ચૂઇ હોતી નથી. તેઓ સસ્તન પ્રાણી હોવાથી ફેફસાં દ્વારા શ્વાસ લે છે. તેથી જ તેઓ દર થોડી મિનિટે પાણીની સપાટી પર માથું બહાર કાઢીને શ્વાસ લેવા આવે છે, જે દૃશ્ય પ્રવાસીઓ માટે લહાવો બની જાય છે.

ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણીઃ ગંગા ડોલ્ફિન

ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી 'ગંગા ડોલ્ફિન' છે, તે પવિત્ર ગંગા નદીની શુદ્ધતા દર્શાવે છે. ભારત સરકારે તા. ૫ ઓક્ટોબર ૨૦૦૯ના રોજ ડોલ્ફિનને ભારતના 'રાષ્ટ્રીય જળચર પ્રાણી' તરીકે જાહેર કર્યું છે. સાથે જ, ડોલ્ફિન 'માનવમિત્ર જળચર' તરીકે જાણીતી છે તેમજ તેના બૌદ્ધિક-મનોરંજક સ્વભાવ માટે લોકપ્રિય છે. કચ્છથી ભાવનગર સુધીના દરિયાકાંઠે ડોલ્ફિનને માણવી-જોવી એ અપાર આનંદની સાથે રોમાંચક અનુભવ પ્રદાન કરે છે. જે ગુજરાત સહિત દેશ-વિદેશના પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહૃાું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial