Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

જીવલેણ ભ્રષ્ટાચાર... રંગે હાથ પકડાતા લાંચિયાઓને થતી દૃષ્ટાંતરૂપ સજા... એ.સી.બી. દ્વારા સહયોગની અપીલ...

                                                                                                                                                                                                      

એક તરફ સામાન્ય જનતામાં હંમેશાં એક કોમન ફરિયાદ સંભળાતી હોય છે કે સરકારી-અર્ધ સરકારી કચેરીઓ-બોર્ડ-નિગમોમાં કોઈપણ કામ મોટાભાગે પૈસા આપ્યા વિના થતું જ નથી, તો બીજી તરફ સરકાર પારદર્શક વહીવટનો દાવો કરતી રહે છે. ટ્રાન્સપરન્ટ એડમિનિસ્ટ્રેશન માટે જ  ઘણી બધી સેવાઓ ઓનલાઈન કરી દેવામાં આવી છે. અને સિસ્ટમ પણ હવે ટ્રાન્સપરન્ટ અને ડિજિટલાઈઝેશન સાથે અદ્યતન થઈ રહી હોવાનું જણાવાય છે. આ વિરોધાભાસી મંતવ્યો-દાવાઓ વચ્ચે એન્ટી કરપ્શન બ્યુરોએ જાહેર જનતાને ભ્રષ્ટાચારી તંત્રો અંગે જાણકારી આપવાનો અનુરોધ કર્યા પછી વ્યાપક ભ્રષ્ટાચારનો મુદ્દો એક વધુ વખત 'ટોક ઓફ ધ સ્ટેટ' બન્યો છે.

બન્યું છે એવું કે આણંદના એક પૂર્વ આર.એ.સી.ની સામે ચાલી રહેલી એક તપાસ પછી એસીબી દ્વારા તેણી સામે ગૂન્હો નોંધવામાં આવ્યો હતો. એન્ટિ કરપ્શન બ્યુરોની તપાસમાં એવો ઘટસ્ફોટ થયો કે તેણીએ પોતાના અને પોતાના પરિવારના નામે વસાવેલી સ્થાવર અને જંગમ મિલકતો તેણીની આવક કરતા ઘણી વધુ છે. વર્ષ ૨૦૧૨ થી ૨૦૨૩ દરમ્યાન તેણીના આવક-ખર્ચ વચ્ચે ઘણી બધી વિસંગતતા સામે આવી હોવાનો દાવો પણ કરાયો છે. આ ડિફરન્સ આ અધિકારીએ કથિત ભ્રષ્ટાચાર કર્યો હોવાની પ્રબળ સંભાવનાઓ દર્શાવે છે. તેણીએ આ માલ-મિલકતો સત્તાનો દુરૂપયોગ દ્વારા આર્થિક લાભ મેળવીને વસાવી હોવાનો આરોપ મુકાયો છે, અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ જુદી જુદી કલમો હેઠળ ગૂન્હો નોંધ્યા પછી જાહેર જનતાને એવો અનુરોધ કરાયો છે કે તંત્રને ભ્રષ્ટાચારમુક્ત બનાવવા માટે સહયોગ આપે અને કોઈપણ સરકારી અધિકારી અથવા કર્મચારી ભ્રષ્ટાચાર આચરીને ગેરકાયદેસર રીતે સંપત્તિઓ ખરીદતા હોય કે મિલકતો વસાવતા હોય તો તેની જાણ એસીબીને તત્કાળ કરે.

આ વિવાદાસ્પદ કેસ સાથે સંકળાયેલા મહિલા અધિકારી સામે અન્ય કેટલાક કેસો પણ થયા હતા અને સજા થઈ હતી, હવે તેણીની મિલકતને લઈને એસીબી દ્વારા કેસ થયો હોવાના અખબારી અને પ્રેસ મીડિયાના અહેવાલો ભ્રષ્ટ અધિકારી-કર્મચારીઓ માટે બોધપાઠરૂપ છે અને તંત્રમાં ચર્ચાનો વિષય બન્યા છે.

તાજેતરમાં જ એસીબીને સૌરાષ્ટ્ર તથા ગુજરાતમાં કેટલાક ઉચ્ચ અધિકારીઓને એન્ટિકરપ્શન એકટ હેઠળ દબોચ્યા છે અને લાખો રૂપિયાની લાંચ લેતા રંગેહાથ પકડાયા છે. આ અધિકારીઓની સંપત્તિ પણ આવક કરતા ઘણી જ વધુ નીકળી હતી. એસીબીએ સીઆઈડી ક્રાઈમના ઈન્સ્પેકટર અને કોન્સ્ટેબલને રૂ।. ૩૦ લાખની લાંચ લેવાના કેસમાં દબોચ્યા. તેથી ખાતાની ક્રેડેટિબિલિટી વધી હતી. તે ઉપરાંત જમીનની કોઈ ફાઈલના નિકાલ માટે એક ડેપ્યુટી મામલતદાર, જપ્ત કરેલા વાહનને છોડાવવા માટે જીએસટીના એક અધિકારી દ્વારા રૂ।. ૧૦ લાખ લેતા ઝડપાયા હોવાના રાજ્યના જુદા જુદા સ્થળે નોંંધાયેલા ગૂન્હા જોતા ભ્રષ્ટાચાર પણ હવે "મોંઘો" થઈ ગયો હોવાનું તારણ નીકળે છે.

વર્ષ ૨૦૨૫ના એક રિપોર્ટ મુજબ બે વર્ષમાં એસીબીએ રાજયમાં ભ્રષ્ટાચાર વિરોધી ૨૧૩થી વધુ ગૂન્હાઓ નોંધીને ૩૧૦ ભ્રષ્ટાચારીઓને દબોચી લીધા હતા. જેમાં વર્ગ-૧ના ૧૩ તથા વર્ગ-૨ના ૩૫ અધિકરીઓ સામેલ છે. સૌથી વધુ કેસ ગૃહ-મહેસુલ અને પંચાયત વિભાગમાં નોંધાયા છે.

તાજેતરમાં મોટી ખાવડી પાસેથી પીજીવીસીએલના કર્મચારીઓ પકડાયા હતા, જેની સામે રૂ।. ૮૦ હજારની લાંચ લેવાનો આરોપ મુકાયો છે. તે પહેલા કલ્યાણપુરના હરિપરમાં તો સરપંચના પરિવારજનો જ લાંચ કેસમાં પકડાયા હતા. આ પ્રકારના દૃષ્ટાંતો ચોતરફ ચાલી રહેલા ભૂંડા ભ્રષ્ટાચારના છે.

જો કે, આ દૃષ્ટાંતો તો પકડાયેલા ભ્રષ્ટાચારીઓના છે. આઈસબર્ગની જેમ આ પકડાયેલા કેસો કરતા અનેકગણો ભ્રષ્ટાચાર ઉધઈની જેમ જનતાને કોતરી રહ્યો છે, અને ભ્રષ્ટાચારની ફરિયાદ કરવા માટે જરૂરી પૂરાવા અને સરકારી ખાતા સામે બાથ ભીડવાની હિંમતના અભાવે ઘણી વખત ભ્રષ્ટાચારીઓની ફરિયાદ કાં તો થતી જ નથી અને કાં તો પૂરવાર થતી નથી, તેથી જ આ ભોરીંગ વધુ ને વધુ ભરડો લઈ રહ્યો છે.

એન્ટિકરપ્શન બ્યુરો દ્વારા છટકાં ગોઠવાય, આરોપીઓ રંગે હાથ પકડાય અને તે સમયે તેની વ્યાપક પબ્લિસિટી થાય, તેથી લાંચમાં પકડયેલા અધિકારી-કર્મચારીઓની આબરૂ જાય કે સમાજમાં નીચાજોણું થાય તેથી લાંચ-રૂશ્વતના રવાડે નહીં ચડવા વડીલો સલાહ આપતા અને અધિકારી-કર્મચારીઓ પણ આ પ્રકારની સંભાવનાઓથી ડરતા હતા, પરંતુ હવે ધીમે ધીમે આ પ્રકારની શરમ-સંકોચ રહ્યા નથી અને પોતે નિર્દોષ હોવાનો દાવો કરીને કાનૂની લડત લડીને ઘણાં લાંચ રૂશ્વતના આરોપીઓ વર્ષો સુધી કેસ ચાલ્યા પછી નિર્દોષ છૂટી જતા હોય છે, તેથી એક નવી ચર્ચાએ પણ ઊઠી છે કે છટકું ગોઠવીને પૂરતા પૂરાવા સાથે રંગેહાથ સ્વયં લાંચ લેતા અધિકારીઓ-કર્મચારીઓ નિર્દોષ છૂટવા જ ન જોઈએ. આ સંદર્ભેે એસીબીના થતા કેસોમાં કેટલાને સજા થાય છે, અને કેટલા નિર્દોષ છૂટે છે, તેની ચર્ચા સાથે સવાલો પણ ઉઠતા રહે છે કે આ માટે "સિસ્ટમ" જવાબદાર છે ? કોણ જવાબદાર છે ?

ભ્રષ્ટાચારના કારણે માનવજિંદગીઓ પણ હોમાતી હોય છે. સુરતનો તક્ષશીલા અગ્નિકાંડ હોય, રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ હોય, કે પછી ગઈકાલનો લખનૌનો અગ્નિકાંડ હોય, આ બધા અગ્નિકાંડોમાં હોમાયેલી જિંદગીઓ પાછળ ભ્રષ્ટ રીતિ-નીતિ તથા લાંચિયા અધિકારીઓ જ જવાબદાર ગણાય ને ?

એક કરચોરીના કેસમાં રૂ।. ૨૦ લાખની લાંચની માંગણી કરવાના આક્ષેપ હેઠળ આણંદના ઈન્કમ ટેકસના એક ઉચ્ચ અધિકારી તથા એક એડવોકેટને સીબીઆઈ દ્વારા રંગેહાથ પકડાયા હતા. આ કેસમાં એટલા સચોટ પૂરાવા એકત્રિત કરાયા હતા કે સ્પેશિયલ કોર્ટે આ બંનેને સજા ફટકારી હતી. ઈન્કમ ટેકસના તે સમયના ૨૩ વર્ષ પહેલાના ડેપ્યુટી ડાયરેકટર કક્ષાના ઉચ્ચ અધિકારી અને તેની મદદ કરનાર એડવોક્ેટને અનુક્રમે બે વર્ષ તથા એક વર્ષની સજા ફટકારાઈ હતી. આ ચૂકાદા સામે થયેલી અપીલમાં હાઈકોર્ટે આ સજા યથાવત રાખી છે. આ દૃષ્ટાંત મજબૂત પૂરાવા હોય તો દાયકાઓ પછી પણ અપરાધીઓ છુટી શકતા નથી. આ પ્રકારના સોલીડ કેસમાં લાંચિયાઓને છટકબારી મળતી નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial