Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

દેવભૂમિ દ્વારકાથી દુનિયા સુધી અને નગરથી નેશન સુધી ઈલેક્ટ્રીક વાહનોની દિશામાં પ્રગતિ અને પડકારો...

દિલ્હીની રાજ્ય સરકારે નવી ઈવી પોલિસી જાહેર કરી, હવે શું?

                                                                                                                                                                                                      

થોડા દિવસો પહેલા દિલ્હીની રાજ્ય સરકારે ઈલેક્ટ્રીક વાહનો માટે જાહેર કરેલી નવી પોલિસી પછી ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારની નવી પોલિસી લાગુ કરાશે કે નહીં, તે અંગેની ચર્ચા શરૂ ગઈ છે.

આમ તો ગુજરાતે પણ થોડા વર્ષો પહેલા ઈલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહિત કરવા કેટલીક રાહતો જાહેર કરી હતી, પરંતુ વર્ષ ર૦ર૪ થી તેમાં ફેરફાર કરાયો હતો. હવે જ્યારે દિલ્હીની રાજ્ય સરકારે નવી ઈલેક્ટ્રીક વાહન પોલિસી જાહેર કરી દીધી અને તેના દેશવ્યાપી મિશ્ર પ્રત્યાઘાતો પડ્યા, પરંતુ મોટાભાગે તેને આવકાર મળ્યો, તે પછી ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર પણ આ દિશામાં પુનઃ વિચારણા કરશે, તેવી ચર્ચા થઈ રહી છે, ત્યારે આપણે દેશ-દુનિયામાં ઈલેક્ટ્રીક વાહનોની વર્તમાન સ્થિતિ અને સંભાવનાઓને કેન્દ્રમાં રાખીને 'મન હોય તો માળવે જવાય'નું સૂત્ર રાજ્ય સરકારને પણ લાગુ કરીને કેટલુંક વિહંગાવલોકન કરીએ...

વિશ્વમાં ઈલેક્ટ્રીક વાહનોની સંખ્યા

વિશ્વમાં અંદાજે ૬ કરોડ જેટલા ઈલેક્ટ્રીક વાહનો સડકો પર દોડી રહ્યા છે, અને દર વર્ષે લગભગ પોણાબે કરોડ વાહનોનું વેંચાણ થઈ રહ્યું હોવાથી વિશ્વમાં ઈલેક્ટ્રીક વાહનોની સંખ્યા ઝડપભેર વધી રહી છે. જુદા જુદા દેશોની વાત કરીએ, તો ચીનમાં લગભગ બે કરોડથી વધુ ઈલેક્ટ્રીક વાહનો છે. ચીનમાં અડધોઅડધ નવી ઈલેક્ટ્રીક કાર છે. ચીનને ઈલેક્ટ્રીક વાહનોનું મોટું માર્કેટ માનવામાં આવે છે, તેની સામે અમેરિકામાં ૧૪૦ લાખની આજુબાજુ ઈલેક્ટ્રીક વાહનો સડકો પર દોડતા હશે. નોર્વેમાં ૮ લાખ, જર્મનીમાં રપ લાખ, યુ.કે.માં ર૦ લાખ તો ભારતમાં ગત્ વર્ષે રપ લાખની આજુબાજુ હશે, જે તાજા રિપોર્ટ મુજબ ૮પ લાખથી વધી ગઈ હશે, જો કે યુરોપમાં સર્વાધિક ઈલેક્ટ્રીક વાહનો વેંચાઈ રહ્યા હોવાના અહેવાલો છે. અત્યારે વિશ્વમાં સડકો પર દોડતા વાહનોમાં લગભગ ર૪ ટકા જેટલા ઈલેક્ટ્રીક વાહનો છે, જેમાં હવે ઝડપભેર વધારો થઈ રહ્યો હોવાનું કહેવાય છે. જુદા જુદા સોર્સમાંથી જુદા જુદા આંકડાઓ આવતા હોવાથી અંતિમ માહિતી સંબંધિત અધિકૃત વિભાગની જ માન્ય ગણાય...

ભારતમાં ઈલેક્ટ્રીક વાહનોની સંખ્યામાં ઝડપી વધારો

વર્ષ ર૦ર૬ સુધીમાં ભારતમાં વાહન ડેશબોર્ડ તથા અન્ય રિપોર્ટો મુજબ ઝડપી વધારો થયો છે, અને ઉત્તરોત્તર વધી રહ્યો છે. ભારતમાં વેચાતા કુલ વાહનોમાં ઈલે. દ્વિચક્રીય (ટુ-વ્હીલર્સ) માંથી સૌથી વધુ પ૮ ટકા જેટલા છે, જ્યારે ઈલેક્ટ્રીક થ્રી-વ્હીલર્સ (ત્રિચક્રિય-રિક્ષા વગેરે) વાહનોની હિસ્સેદારી વધીને લગભગ ૩૦ ટકા થવા જઈ રહી છે. મુસાફર કારોની સંખ્યામાં સૌથી વધુ ૮૪ ટકા જેટલો વધારો ઈલેક્ટ્રીક કારોમાં થયો છે. તે ઉપરાંત ઈલેક્ટ્રીક બસોની સંખ્યા પણ ઘણી જ ઝડપે વધી રહી છે, અને ડેટા બદલાતા રહે છે. તેથી અહીં અંદાજીત તથા ઉપલબ્ધ ડેટા આધારિત વિશ્લેષણ કરાયું છે.

ભારતમાં ઉત્તરપ્રદેશમાં ઈ-રિક્ષા તથા સ્કુટર બાઈકના માર્કેટમાં ઝડપી વધારો થયો છે, જે વાહનોના કુલ વાહનોના પાંચના ભાગ જેટલો છે. મહારાષ્ટ્રમાં આ ટકાવારી ૧૧ ટકા છે, કર્ણાટકમાં લગભગ નવ ટકા છે. તમિલનાડુમાં ૬ ટકા છે, અને રાજસ્થાનમાં પણ લગભગ તેટલી જ હિસ્સેદારી છે. વિશ્વમાં ચીનનું શેનઝોન શહેર તથા ભારતમાં બેંગ્લુરૂમાં ઈલેક્ટ્રીક વાહનોનું સૌથી વધુ વેંચાણ થાય છે. શેનઝોનમાં ૧૦૦ ટકા ઈલેક્ટ્રીક પબ્લિક ટ્રાન્સપોર્ટ છે અને શહેરની ૧૬,૦૦૦ બસો તથા રર,૦૦૦ ટેક્સીઓ પૂરેપૂરી ઈલેક્ટ્રીક સિસ્ટમથી ચાલે છે. તે ઉપરાંત શંઘાઈ અને અમેરિકાના લોસ એન્જલેશમાં પણ ઈલેક્ટ્રીક પરિવહન ઘણું જ વધુ છે.

ગુજરાતમાં ઈલેક્ટ્રીક વાહનોની સ્થિતિ અને પ્રોત્સાહનો

અત્યારે ગુજરાતમાં પણ ઈલેક્ટ્રીક વાહનોની નવી પોલિસીની વિચારણા થઈ રહી હોવાની ચર્ચા થઈ રહી છે, ત્યારે દિલ્હી કરતા પણ વધુ પ્રોત્સાહનો ગુજરાત સરકાર આપી શકે છે, તેવા અભિપ્રાયો જાણકારો વ્યક્ત કરી રહ્યા છે. ગુજરાતે પણ ઈલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહિત કરવા ગુજરાત રાજ્ય ઈલેક્ટ્રીક વાહન નીતિ-ર૦ર૧ હેઠળ આરટીઓ ટેક્સ ૬ ટકાથી ઘટાડીને ૧ ટકો કર્યો હતો, જો કે કેટલાક ચોક્કસ ક્ષમતાના ઈલેક્ટ્રીક વાહનો પર કિલોવોટ દીઠ અપાતી ખરીદ સબસિડી વર્ષ ર૦ર૪ માં બંધ કરી દીધી હતી. હવે દિલ્હીની રાજ્ય સરકારે આરટીઓ ટેક્સ વર્ષ ર૦૩૦ સુધી શૂન્ય કરી દીધો છે, અને નવી પ્રોત્સાહક સબસિડીઓ જાહેર કરી છે, ત્યારે ગુજરાત સરકાર પણ ટૂંક સમયમાં ઉદાર સબસિડી અને શૂન્ય આરટીઓ ટેક્સની જાહેરાત કરશે, તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે. એવું કહેવાય છે કે પશ્ચિમ એશિયા સંકટ અને હોર્મુઝની સળગતી સમસ્યા પછી હવે ગુજરાત સહિતના ઘણાં રાજ્યો ઈલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહિત કરવાની પહેલ ઝડપથી કરશે, તે નક્કી છે.

ગુજરાતમાં ઈલેક્ટ્રીક

વાહનોની અંદાજીત સંખ્યા

ગુજરાતમાં ઈલેક્ટ્રીક વાહનોની નોંધણીનો આંકડો ૧.૧૮ લાખને વટાવી ગયો છે અને ટૂંક સમયમાં ડબલ થવાની ધારણા છે. માર્ચ ર૦ર૬ માં સાડાબાર હજારથી વધુ નવા ઈલેક્ટ્રીક વાહનો નોંધાયા છે, જે ઈલેક્ટ્રીક વાહનોની સંખ્યામાં ૭પ ટકા જેટલી વૃદ્ધિ દર્શાવે છે, તે પૈકી દ્વિચક્રીય અને ત્રિ ચક્રીય વાહનોમાં ૧૧૧ ટકાનો ઉછાળો આવ્યો હોય તો તે સારા સંકેત છે. રાજ્ય સરકારે આપેલી કેટલીક છૂટછાટો માર્ચ ર૦ર૬ માં પૂરી થવાની હતી, તે વર્ષ ર૦ર૭ સુધી વધારી દેવામાં આવી છે. ગુજરાતમાં ઈલેક્ટ્રીક વાહનોના ઉપયોગમાં સુરત, અમદાવાદ અને રાજકોટ અગ્રીમ હરોળમાં છે. જામનગર જિલ્લો તથા દ્વારકા જિલ્લામાં પણ અત્યારે હજારોની સંખ્યામાં ઈલેક્ટ્રીક વાહનો સડકો પર ફરે છે. વર્ષ ર૦ર૪-રપ ની સરખામણીમાં આ વર્ષે ઈલેક્ટ્રીક વાહનોની ખરીદી લગભગ ડબલ થઈ ગઈ હોવાનો અંદાજ છે. હજુ પણ ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધે અને પી.એમ. ઈ-ડ્રાઈવ યોજના હેઠળ મળતી સબસિડીની મુદ્ત જુલાઈ ર૦ર૬ થી વધારવામાં આવે તો આ ઝડપ હજુ ઘણી વધી શકે છે.

પબ્લિક પરિવહનમાં ઈલેક્ટ્રીક વાહનો

ગુજરાતમાં પબ્લિક પરિવહન ક્ષેત્રે ઈલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ ક્રમશઃ વધી રહ્યો છે. ગુજરાત રાજ્યના એસ.ટી. કોર્પોરેશને ઘણી ઈલેક્ટ્રીક બસો શરૂ કરી છે. જામનગર સહિત રાજ્યભરમાં મોટા શહેરોમાં ઈલેક્ટ્રીક સિટીબસો પણ શરૂ કરાઈ છે, તો કેટલાક શહેરોમાં પહેલેથી કેટલાક ઈલેક્ટ્રીક વાહનો ઉપયોગમાં હતાં. સરકારી તંત્રોમાં દોડતા કેટલાક સ્થાનિક વાહનોના સ્થાને પણ ઈલેક્ટ્રીક વાહનો લાવવાની વિચારણા થઈ રહી હોય તો તે આવકારદાયક છે. જામનગર મહાનગરપાલિકાના કેટલાક પદાધિકારીઓ તથા તંત્રના અધિકારીઓ પોતાના તથા પોતાના પરિવારજનો દ્વારા પણ મહત્તમ ઈલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ કરવાનો કોન્સેપ્ટ અપનાવી રહ્યો હોય તો તે પણ આવકારદાયક અને પ્રેરણાદયક ગણાશે, તે નક્કી છે.

ઈન્ડિયા ઈલેક્ટ્રીક મોબિલિટી ઈન્ડેક્સ

રાષ્ટ્રીય કક્ષાની મીડિયા ડિબેટીંગ મુજબ એવું કહેવાય છે કે, ઈન્ડિયા ઈલેક્ટ્રીક મોબિલિટી ઈન્ડેક્સમાં ગુજરાતનું સ્થાન ૧૬ મું આવ્યું હતું. આ ઈન્ડેક્સમાં ૧૬ માપદંડો નક્કી કરાયા હતાં, જેમાં ટ્રાન્સપોર્ટ ઈલેક્ટ્રીફિકેશન પ્રોગ્રેસ, ચાર્જીંગ ઈન્ટ્રાસ્ટ્રક્ચર રેડિનેશ, ઈ.વી. રિસર્ચ એન્ડ ઈનોવેશન સ્ટેટ્સ જેવા મુદ્દાઓ આવરી લેવાયા હતાં. આ રિસર્ચમાં ૧૦૦ ટકા માર્કસ કોઈને નહીં આવતા એક પણ રાજ્યને એચિવર્સ તરીકેનું સ્થાન મળ્યું નહોતું, પરંતુ દિલ્હી, મહારાષ્ટ્ર અને ચંદીગઢ ફ્રન્ટ રનર્સ, કર્ણાટક, તમિલનાડુ અને હરિયાણા પરફોર્મર્સ તથા ગુજરાત, યુ.પી., રાજસ્થાન, બિહાર વિગેરે રાજ્યોને એસ્પિરેન્ટ્સની શ્રેણીનું સ્થાન મળ્યું હતું. ગુજરાતને માત્ર ૪ર પોઈન્ટ (ગુણ અથવા માર્કસ) મળ્યા હતાં, તેથી ગુજરાતને ઈવીના ક્ષેત્રે વધુ ગતિશીલ બનાવવા તથા અગ્રીમ હરોળમાં લાવવા માટે પણ દિલ્હીની નવી પોલિસી કરતા પણ વધુ પ્રોત્સાહક, ઉદાર અને ફૂલપ્રૂફ પોલિસી બનાવવાની જરૂર છે.

વિનોદ કોટેચા, એડવોકેટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial