
અંબાલાલ પટેલ કહે છે કે હવે પછી હું કંઈ જ નથી કહેવાનો. મેં આટલા વર્ષો સુધી ઘણી જ વાતો કરી, વરસાદની આગાહીઓ પણ કરી. અને ઈશ્વરકૃપાએ ઘણી બધી આગાહીઓ સાચી પણ પડી. પરંતુ હવે હું વરસાદની કોઈ આગાહી કરીશ નહીં.
નહીં, નહીં, દુકાળ પડવાની કોઈ વાત નથી. વરસાદ તો આવવાનો જ છે, ક્યાંક થોડો વધારે, તો ક્યાંક થોડો ઓછો. ક્યાંક વહેલો તો ક્યાંક મોડો. ઈશ્વર કૃપાએ આ વર્ષ તો સારૃં જ જવાનું છે. પરંતુ હું કશું જ નહીં બોલું..!
આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં સત્તાવાર રીતે તો ત્રણ ઋતુઓ છે -- શિયાળો, ઉનાળો અને *અંબાલાલ પટેલ કહે છે કે...*વારી ચોમાસાની ઋતુ. જૂન મહિનો આવતાં જ ટીવી, વર્તમાન પત્ર, સોશિયલ મીડિયા, પાનની દુકાન, ચાની લારી, બધી જગ્યાએ એક જ વાત ગુંજે, *અંબાલાલ પટેલ કહે છે કે આ વર્ષે ચોમાસુ મોડુ આવશે પણ વરસાદ ૨૨% વધારે પડશે...*
ચોમાસાની ઋતુમાં તો આખા ગુજરાતમાં ફક્ત બે પ્રકારના લોકો વસતા હોય એવું જ લાગે,
એક, જે લોકો વેધર એપ સતત ચેક કરતા રહે અને હવામાન ખાતાની કરેલી આગાહી ઉપર જ ભરોસો રાખે અને એ પ્રમાણે જ પોતાનું રોજીંદુ ટાઈમટેબલ ગોઠવે.
અને બે, એવા લોકો કે જે અંબાલાલ પટેલનો જ ભરોસો કરે અને તેમના જ ફોરવર્ડેડ મેસેજ ચેક કરે. અને ઇતિહાસ સાક્ષી છે કે ગુજરાતમાં આવા બીજા પ્રકારના લોકો, એટલે કે અંબાલાલ પટેલના ચાહકો જ બહુમતીમાં છે.
આ વર્ષે શિયાળો તો ગુજરાતને સ્પર્શીને ચાલ્યો ગયો, પરંતુ ઉનાળો તો એકદમ લાંબો અને આકરો રહ્યો.
હવે તો બીક લાગે છે કે ક્યાંક ચોમાસુ પણ ગુજરાતને હળવો સ્પર્શ કરીને ચાલ્યું ન જાય.. કારણ કે આજ સુધી તો વર્ષો થયા ચોમાસામાં અંબાલાલ પટેલ મન મૂકીને વરસતા... આઈ મિન, વરસાદની ધોધમાર આગાહીઓ કરતા. વરસાદ પણ મન મૂકીને વરસતો, અનરાધાર વરસતો -- એવો વરસતો કે શુષ્ક અને નીરસ માણસ પણ વરસતા વરસાદમાં તરબોળ થઈને, મેઘાણીભાઈને યાદ કરીને કે યાદ કર્યા વગર પણ, તેનું જ ગીત ગાતો, *મન મોર બની થનગાટ કરે...*.
કહે છે કે અંબાલાલ પટેલને કોઈકે થોડા ન ગમે એવા સવાલ પૂછ્યા -- કદાચ બે ચાર કડવી વાતો પણ કરી. અને અંબાલાલ પટેલ રિસાયા. વરસાદની આગાહીઓ બંધ અને તેઓ ખામોશ. બિલકુલ ખામોશ.
અને તેની સાથે સાથે જ મેઘરાજા પણ ખામોશ. શું જુગલબંધી જામી છે...!
હવે તો આ જુગલબંધી તૂટે તો સારૃં... આપણા અંબાલાલ પટેલ વરસે તો સારૃં. અંબાલાલ પટેલની વરસાદી આગાહી વગરના છાપા પણ એકદમ સૂકા સૂકા લાગે છે -- સોશિયલ મીડિયાના મેસેજ તો બિલકુલ નીરસ.
હવે તો અંબાલાલ પટેલને ફક્ત એક જ વિનંતી છે કે તેઓ આ ખામોશી તોડે અને ફરીથી વરસાદ વિશેની આગાહી આપવી શરૂ કરે. અમારા માટે નહીં તો ગુજરાતના ખેડૂતો માટે આગાહી કરો. અરે ખેડૂતો માટે નહીં તો જામનગરના ભજીયાની રેકડીવાળા માટે વરસાદની આગાહી કરો કે જેથી તેઓએ રાંધેલો માલ ફેંકી દેવાનો વારો આવી નહીં....!
અને બીજા કોઈ માટે નહીં તો કંઈ નહીં, પરંતુ હવામાન ખાતાના કર્મચારીઓ માટે તો આગાહી જરૂર કરો. કારણ કે હવામાન ખાતાના આ કર્મચારીઓને પોતાની ઓફિસના લેટેસ્ટ મશીનો, કોમ્પ્યુટર કે સેટેલાઈટ દ્વારા ખેંચવામાં આવેલી તસવીરોને બદલે તમારા દ્વારા કરવામાં આવતી આગાહી પર વધારે ભરોસો છે.
વિદાય વેળાએ : એક અફવા તો એવી પણ છે કે અંબાલાલ પટેલને નાસામાંથી નોકરીની ઓફર આવી છે, અને એટલે જ તેઓએ વરસાદની આગાહી કરવાનું બંધ કર્યું છે...!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial