Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

ભારતના પ્રથમ મહિલા વનસ્પતિ શાસ્ત્રી ડૉ. જાનકી અમ્માલની પ્રેરક સંઘર્ષ કથા

                                                                                                                                                                                                      

આજે આપણે જ્યારે સવારે ઊઠીને ગરમાગરમ ચામાં ખાંડ નાખીએ છીએ, ત્યારે ક્યારેય વિચાર્યું છે કે આ ખાંડ આપણા સુધી કેવી રીતે પહોંચી? ભારતમાં કરોડો લોકો જે શેરડી અને ખાંડનો ઉપયોગ કરે છે, તેની પાછળ એક એવી ભારતીય મહિલાની વર્ષોની તપસ્યા છુપાયેલી છે જેમનું નામ ઈતિહાસના પાનાઓમાં ક્યાંક ખોવાઈ ગયું છે. આ મહાન વૈજ્ઞાનિક એટલે ડો. ઈદાવલાથ કાક્કત જાનકી અમ્માલ  જેઓ ભારતના પ્રથમ મહિલા વનસ્પતિશાસ્ત્રી (બોટાનિસ્ટ) હતા.

આજે જ્યારે દીકરીઓને ભણાવવા અને આગળ વધારવાની વાતો થાય છે, ત્યારે જાનકી અમ્માલનું જીવન આપણને વનસ્પતિની જેમ જ અડગ રહીને મુશ્કેલીઓ સામે લડવાની પ્રેરણા આપે છે.

જાનકી અમ્માલનો જન્મ ૪ નવેમ્બર, ૧૮૯૭ના કેરળના તેલીચેરી (હાલનું થાલાસ્સેરી)માં થયો હતો. એ જમાનો એવો હતો જ્યારે દીકરીઓનું કામ માત્ર ઘરકામ કરવાનું અને નાની ઉંમરે પરણી જવાનું હતું. પરંતુ જાનકીના સપના કંઈક અલગ હતા. તેમને કુદરત, ઝાડ-પાન અને પ્રકૃતિ પ્રત્યે નાનપણથી જ અખૂટ પ્રેમ હતો. તેમણે એ જમાનામાં લગ્ન કરવાનો ઈનકાર કર્યો અને ભણવાનું પસંદ કર્યું. ચેન્નાઈથી ગ્રેજ્યુએશન પૂરૃં કર્યા પછી, તેમની અસાધારણ બુદ્ધિ જોઈને તેમને અમેરિકાની પ્રખ્યાત મિશિગન યુનિવર્સિટીમાંથી સ્કોલરશિપ મળી. ત્યાંથી તેમણે વનસ્પતિશાસ્ત્રમાં ડોક્ટરેટ (૫ીએચ.ડી.) ની પદવી મેળવી. એ સમયે તેઓ આ સિદ્ધિ મેળવનારા માત્ર ભારતના જ નહીં, પણ કદાચ સમગ્ર એશિયાના ગણ્યા-ગાંઠ્યા મહિલાઓમાંના એક હતા.

મીઠી શેરડીની શોધ

૧૯૩૦ના દાયકામાં જ્યારે જાનકી અમ્માલ ભારત પાછા ફર્યા, ત્યારે દેશની સ્થિતિ અલગ હતી. આપણે ત્યાં જે શેરડી થતી હતી તે બહુ મીઠી નહોતી અને દેશને ખાંડ માટે વિદેશો (ખાસ કરીને જાવા દેશ) પર નિર્ભર રહેવું પડતું હતું. તત્કાલીન સરકારે કોઈ પણ ભોગે ભારતમાં જ મીઠી અને વધુ પાક આપતી શેરડી ઉગાડવી હતી. આ જવાબદારી કોઈ પુરૂષ વૈજ્ઞાનિકને નહીં, પણ ડો. જાનકી અમ્માલને સોંપવામાં આવી. તેઓ કોઈમ્બતુરના 'સુગરકેન બ્રીડિંગ ઈન્સ્ટિટ્યુટ' માં જોડાયા. જાનકી અમ્માલે લેબોરેટરીમાં અદ્ભુત પ્રયોગો કર્યા. તેમણે ભારતની સ્થાનિક શેરડીની જાતોનું જંગલી ઘાસ અને અન્ય વનસ્પતિઓ સાથે ક્રોસ-બ્રીડિંગ (સંકરણ) કરાવ્યું.

જાનકી અમ્માલની ખ્યાતિ એટલી વધી કે તેઓ લંડનમાં પણ સંશોધન કરવા ગયા હતા. પરંતુ ૧૯૫૧માં દેશ આઝાદ થયા પછી, તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ તેમને ખાસ પત્ર લખીને ભારત પાછા આવવા અને દેશના વનસ્પતિ સર્વેક્ષણ (બોટાનીકલ સર્વે ઓફ ઈન્ડિયા-બીએસઆઈ) ને ફરી બેઠું કરવા વિનંતી કરી. જાનકી અમ્માલ પદ કે પૈસાના મોહ વગર વતન પાછા આવ્યા. તેમણે ભારતના જંગલો ભમી ભમીને હજારો ઔષધિઓ અને છોડવાઓનું ડોક્યુમેન્ટેશન કર્યું. લદ્દાખના ઠંડા પહાડોથી લઈને કેરળના ગાઢ જંગલો સુધી તેઓ પગપાળા ફર્યા. ૧૯૭૦ના દાયકામાં જ્યારે કેરળની પ્રખ્યાત 'સાઈલન્ટ વેલી' (શાંત ઘાટી) ના જંગલોને કાપીને ત્યાં હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ બનાવવાની તૈયારી ચાલતી હતી, ત્યારે ૮૦ વર્ષની ઉંમરે પણ જાનકી અમ્માલે તે જંગલને બચાવવા માટે મોરચો માંડ્યો હતો. તેમના પ્રયાસોને કારણે જ આજે એ સુંદર જંગલ અને તેની દુર્લભ વનસ્પતિઓ જીવંત છે.

સરકારે તેમને ૧૯૭૭માં 'પદ્મશ્રી' એવોર્ડથી સન્માનિત કર્યા હતા. આટલા મોટા વૈજ્ઞાનિક હોવા છતાં તેમનું જીવન અત્યંત સાદું હતું. તેઓ હંમેશાં પીળા રંગની સુતરાઉ સાડી પહેરતા અને ગાંધીવાદી વિચારો ધરાવતા હતા. ૮૬ વર્ષની ઉંમરે, ફેબ્રુઆરી ૧૯૮૪માં, પોતાની લેબોરેટરીમાં કામ કરતા કરતા જ તેમણે અંતિમ શ્વાસ લીધા.

જામનગર જેવા ઐતિહાસિક અને પ્રકૃતિપ્રેમી શહેરમાં જ્યારે આપણે આ લેખ વાંચી રહૃાા છીએ, ત્યારે આપણે સમજવું પડશે કે વિજ્ઞાન માત્ર મોટી પ્રયોગશાળાઓ પૂરતું સીમિત નથી. સાચું વિજ્ઞાન એ છે જે સામાન્ય માણસની થાળી સુધી પહોંચે, ખેડૂતના ખિસ્સા સુધી પહોંચે. ડો. જાનકી અમ્માલનું જીવન દરેક દીકરીને એ સંદેશ આપે છે કે જો મનમાં દૃઢ સંકલ્પ હોય તો સમાજની કોઈ પણ દીવાલ તમને રોકી શકતી નથી. આગલી વખતે જ્યારે તમે શેરડીનો રસ પીવો કે ચામાં ખાંડ ઓગાળો, ત્યારે આ મહાન ભારતીય નારીને મનોમન વંદન કરવાનું ચૂકતા નહીં!

આલેખનઃ- સોના શર્મા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial