Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

સ્વાગત ફરિયાદ નિવારણ, ફરિયાદ અને સંકલન તથા લોક-દરબારોની વાસ્તવિકતા... 'નિકાલ' નહીં.... 'ઉકેલ' જરૂરી...

                                                                                                                                                                                                      

ઘણાં દાયકાઓથી જિલ્લાકક્ષાએ કલેકટરના અધ્યક્ષસ્થાને ફરિયાદ અને સંકલન સમિતિની બેઠકો યોજાતી રહી છે, જેમાં ચૂંટાયેલા જન-પ્રતિનિધિઓ તથા તંત્રના ઉચ્ચ અધિકારીઓ-પદાધિકારીઓ તથા તમામ સરકારી વિભાગોના અધિકારીઓ હાજર રહે છે અને પ્રજાકીય પ્રશ્નો, જરૂરિયાતો, ફરિયાદો તથા રજૂઆતો પર ચર્ચા થાય છ. અને સૂચનો-અભિપ્રાયોની આપ-લે થાય છે તથા ચોક્કસ વિષયો પર સંબંધિત અધિકારીઓને તાકીદ પણ કરાવે છે, પરંતુ આ પ્રકારની બેઠકોમાં હાજર રહેતા અધિકારીઓ-પદાધિકારીઓને ખબર જ હશે કે કેટલીક રજૂઆતો, સૂચનો તથા ફરિયાદો લગભગ દરેક મિટિંગમાં લાંબા સમય સુધી 'રિપિટ' થતી રહે છે, અને તેનો ઉકેલ આવતો હોતો નથી. ઘણી વખત તો આ પ્રકારના 'રિપિટેશન' પછી બેઠક દરમ્યાન હળવી પળોમાં ટકોર થતી રહે છે કે પ્રશ્નોનો 'ઉકેલ' વર્ષોથી આવતો ન હોય તો આ પ્રકારની બેઠકોનો અર્થ શું ? આ તે કેવું સંકલન ?

લગભગ અઢી દાયકા પહેલા જયારે હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા, અને પ્રશાસનિક ઘણાં ફેરફારો કરાયા હતા, તે સમયે વર્ષ ૨૦૦૩માં લોકોની ફરિયાદો ઓનલાઈન મેળવીને તેનો સમયમર્યાદામાં ઉકેલ લાવવાના ઉદૃેશ્યથી એક પોર્ટલ શરૂ કર્યું હતું, જેને જનફરિયાદ નિવારણ પોર્ટલ તરીકે ઓળખવામાં આવ્યું હતું. તે પછી આ કાર્યક્રમને "સ્વાગત" (સ્ટેટ વાઈડ એટેન્શન ઓન ગ્રિવાન્સ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી) ફરિયાદ નિવારણ નામ અપાયું હતું.  તે પછી અત્યાર સુધી આ કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેમાં રાજ્યકક્ષાએ મુખ્યમંત્રી સ્વયં નાગરિકોની ફરિયાદો સાંભળીને તેના ઉકેલ માટે સ્થળ પરથી જ સંબંધિત અધિકારીઓ સાથે પરામર્શ કરે છે.

રાજ્યકક્ષાનો આ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ દર મહિનાના ચોથા ગુરૂવારે યોજાય છે. ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને કોઈપણ પૂર્વસૂચના વિના વીડિયોવોલનો ઉપયોગ કરીને મહેસાણા, કચ્છ, ભાવનગર વગેરે જિલ્લાઓના જિલ્લાકક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સરપ્રાઈઝ ડિજિટલ વિઝિટ લીધી હતી અને આ જિલ્લાઓના અરજદારો સાથે સીધો સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રીએ જિલ્લાતંત્રોને ગૌચર જમીન પર દબાણ, ખેતરોમાં જવા-આવવાના માર્ગો, જમીન સંપાદન તથા પૂનર્વસનને લાગતા પડતર પ્રશ્નો ૧૫ દિવસથી એક મહિનામાં ઉકેલી નાંખવા તાકીદ કરી હોવાના અહેવાલો આવ્યા હતા.

એવા અહેવાલો પણ આવ્યા હતા કે તેમણે અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યો કે લોકોના પ્રશ્નોનો માત્ર કાગળ કે ફાઈલ પર "નિકાલ" નહીં, પરંતુ અરજદારોને સંતોષ થાય તેવો "ઉકેલ" આવવો જોઈએ, અને જો અરજદારોને સંતોષ ન થાય, તો આખરી ઉકેલ સુધીની જવાબદારી સંબંધિત અધિકારીઓની જ રહેશે.

જો આટલા વર્ષો પછી પણ રાજ્યના મુખ્યમંત્રીને આ પ્રકારની તાકીદ કરવી પડતી હોય તો એમ કહેવું ખોટું નથી કે આ કાર્યક્રમ તકલાદી છે અને જે પ્રશ્નોનો "નિકાલ" બતાવી દેવાતો હોય, તેમાં અરજદારોને સંતોષ થાય તેવો "ઉકેલ" જ ન આવ્યો હોય, તેવી પૂરેપૂરી સંભાવના રહે છે, અને તે કારણે જ આ પ્રકારની તાકીદો કરવી પડતી હશે.

એવું કહેવાય છે કે મુખ્યમંત્રી મૃદુ પણ છે અને મક્કમ પણ છે. જો આવું જ હોય તો તેઓએ સ્વાગત ફરિયાદ નિવારણ તથા સંકલન-ફરિયાદ સમિતિઓમાં ચાલતી લોલંલોલ અને પોલંપોલ સામે કોઈ એવું મજબૂત મિકેનિઝમ ઊભું કરવું જોઈએ, કે જેથી આ પ્રકારના લોકપ્રશ્નોના ઉકેલ માટે યોજાતા તમામ કાર્યક્રમો તથા ફરિયાદ-સંકલન સમિતિ જેવી મિટિંગોમાં રજૂ થતાં પ્રશ્નોનો નિયત સમયમર્યાદામાં "ઉકેલ" ન આવે, તો તેના માટે સંબંધિત તંત્રના સંબંધિત કર્મચારીથી લઈને તેના સર્વોચ્ચ અધિકારી સુધીની આખી પેનલને જવાબદાર ગણીને તેની સામે કડક કાર્યવાહી થઈ શકે. આ માટે આઈએએસ અને જીએએસ, આઈપીએસ, આઈઆરએસ, આઈએફએસ વગેરે બ્યુરોક્રેટસને પણ "જવાબદારી"માં સાંકળવા જોઈએ.

આ પ્રકારની સમિતિઓ તથા કાર્યક્રમોમાં પ્રશ્નોનો "નિકાલ" કરવા માટે "આ પ્રશ્ન કેન્દ્ર, રાજય કે જિલ્લા કક્ષાનો છે,", "આ પ્રશ્ન સબજયુડિસ કે કોઈ સમિતિને આધિન છે", "આ પ્રશ્ન સુસંગત નથી કે પૂરતી માહિતી નથી" જેવા રિમાર્કસનો પ્રયોગ થતો હોય છે, જેને "ઉકેલ" નહીં પણ કાગળ પર "નિકાલ" જ ગણવો પડે ને ?

જુદા જુદા સરકારી વિભાગો અને ખાસ કરીને ગૃહ વિભાગ દ્વારા જિલ્લા-તાલુકા કે વિભાગીય કક્ષાએ "લોક દરબારો" યોજાતા રહે છે, અને તેમાં "નિડરતાપૂર્વક" પોતાના પ્રશ્નો રજૂ કરવા લોકોને આહ્વાન કરવામાં આવે છે. અખબાર-મીડિયાના માધ્યમથી ઘણી વખત એવી રાવ સંભળાતી હોય છે કે આ પ્રકારના લોક દરબારો માટે સામાન્ય જનતાના વાસ્તવિક અરજદારો કે પીડિતોની હાજરી ઓછી હોય છે અને ગણ્યા ગાંઠ્યા સ્થાનિક આગેવાનો બોલાવીને "ફોર્માલિટી" જ નિભાવવામાં આવે છે.

જો હકીકતે લોક દરબારો અથવા વિશેષ અભિયાનો, ડ્રાઈવ કે ઝુંબેશો સાર્થક નિવડતી હોય તો વ્યાંજકવાદીઓનો વ્યાપ કેમ વધતો રહે છે ? ગુંડાગીરી કેમ ફાલતી-ફૂલતી રહે છે ? સરકારી કામોમાં ભ્રષ્ટાચાર શા માટે પનપતો રહે છે ? તસ્કરો-સમડીઓ પર કાયમી અંકુશ કેમ આવતો નથી ? શહેરી અને શેરીઓમાં લૂખ્ખા તત્ત્વોની રંજાડ કેમ ખતમ થતી નથી ? તે પ્રકારના પ્રશ્નો પ્રેસ-મીડિયા તથા સોશ્યલ મીડિયા તથા લોકચર્ચા દરમ્યાન ઉઠવા જ ન જોઈએ.

જો કે, આ પ્રયાસો પરંપરાગત સરકારી અને "હોતી હૈ, ચલતી હૈ", ની માનસિકતાના બદલે જ્યાં જ્યાં અત્યંત નિષ્ઠાપૂર્વક અને પૂરેપૂરી ઈચ્છાશક્તિ સાથે થાય છે, ત્યાં  સારા પરિણામો પણ આવતા હોય છે, પરંતુ તેની ટકાવારી ઘણી જ ઓછી છે, તેથી મુખ્યમંત્રીશ્રીએ "પર્સનલ એટેન્શન" સાથે અસરકારક મિકેનિઝમ ગોઠવવું ઘણું જ જરૂરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial