દ્વારકામાં વેપારીઓ પાસેથી ખંડણીની માંગણી કરનાર ત્રણ શખ્સ સામે નોંધાવાઈ ફરિયાદ

જામનગર તા. ૧૯ઃ દ્વારકામાં કેટલાક વેપારીઓ પાસે ખંડણી માંગવા અંગે એક વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જ્યારે ધ્રાસણવેલમાં બે જુથ વચ્ચે મારામારીની સામસામી ફરિયાદ થઈ છે ઉપરાંત કંચનપુરમાં એક યુવાનને ચાર શખ્સોએ ધોકાવી નાખ્યો છે અને ખંભાળીયામાં મકાનની બાબતે આઠ શખ્સોએ હુમલો કર્યાનું પોલીસ દફ્તરે નોંધાયું છે.

દ્વારકા શહેરના આનંદ ચોકમાં રહેતા માંડણભાઈ મનજીભાઈ પરમારની દુકાન ભથાણ ચોકમાં અમી રિસોર્ટ શોપીંગ સેન્ટરમાં આવેલી છે. તે દુકાન તથા અન્ય વેપારીઓની દુકાનો પચાવી પાડવા અથવા વેપારીઓ પાસેથી ખંડણી ઉઘરાવવા ગઈ તા. ૨૯ તથા ૩૦ના દિને ત્રણ શખ્સો આવ્યા હતાં. તેઓએ વેપારીઓને ગાળો ભાંડી દુકાન ખોલતા નહીં તેમ કહી ધમકી આપી હતી. આ બાબતે તમામ વેપારીઓએ એકત્રીત થઈ બેઠક કર્યા પછી ગઈકાલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જાલુ ગઢવી તથા તેની સાથેના બે અજાણ્યા શખ્સો વિરૃદ્ધ રજુઆત કરાતા પોલીસે આઈપીસી ૩૮૩, ૩૮૪, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૃ કરી છે.

દ્વારકાના તાલુકાના ધ્રાસણવેલ ગામમાં રહેતા સરવણ નાગાજણભાઈ લધા નામના ખેડૂત રવિવારે સાંજે પોતાના મોટરસાયકલમાં ખેતરેથી ઘર તરફ જતા હતાં ત્યારે માર્ગમાં સોમા બુધા રોસીયાના ટ્રેકટર સાથે અકસ્માત થતા રહી ગયો હતો. ત્યારપછી સરવણે જોઈને ચલાવવાનું કહેતા સોમા તેમજ પરબત કારા લધાએ પાઈપ વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી. તેની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

આ ફરિયાદની સામે સોમા બુધા રોસીયાએ વળતી ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યા મુજબ અગાઉની માથમકુટનો ખાર રાખી નાગાજણ બુધા, કનુ નાગાજણ, સરવણ નાગાજણ અને દિનેશ નાગાજણે ઢીકાપાટુ વડે માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. પોલીસે આ ફરિયાદ પણ રજીસ્ટરે લીધી છે.

ખંભાળીયા તાલુકાના કંચનપુર ગામના મહેબુબ આમદ મધુ નામના યુવાને તેમના પાડોશી બસીર હુસેન કરીમને ડાયરેક્ટ વીજ જોડાણ નહીં લેવાનું કહેતા રવિવારે રાત્રે બસીર તેમજ રજાક લતીફ, કાસમ યાસીન લતીફે લાકડી પાઈપ વડે હુમલો કરી માર માર્યો હતો.

ખંભાળીયાની શિવમ્ સોસાયટી-૨માં વસવાટ કરતા હેમત લાખાભાઈ ચુડાસમા ખંભાળીયાના દીપક દત્તાણી પાસેથી એક મકાન વેચાતુ લીધુ હતું તેની અડધી રકમ બાકી રાખી હતી. આ મકાનમાં દસ્તાવેજ કરી આપવા હેમતે કહેતા દીપકે ના પાડી હતી તેથી હેમતે પૈસા પાછા આપી દેવાનું જણાવતા દીપક તેમજ હાર્દિક દીપક, પીન્ટુ, મુન્નાભાઈ તન્ના, કિશોર તન્ના, ધીરેન, શ્યામ તન્ના અને વરજાંગ ગઢવીએ ધોકા, પાઈપ સાથે ધસી આવી હેમતને ધોકાવી નાખ્યો હતો. પોલીસે રાયોટીંગ સહિતની કલમો હેઠળ આઠેય શખ્સો સામે ગુન્હો નોંધ્યો છે.

close
Ank Bandh
close
PPE Kit