ઓખાની પરિણીતાની પતિ સહિતના સાસરીયા સામે ત્રાસ આપ્યાની રાવ

જામનગર તા. ૧૭ઃ  ઓખાના એક પરિણીતા સાસરીયાના ત્રાસથી પતિ સાથે મુંબઈ રહેવા ચાલ્યા ગયા હતા. જ્યાં ત્રાસ આપવાનું યથાવત રાખી પતિએ અન્ય સ્ત્રી સાથે મૈત્રીકરાર કરી લેતા આ પરિણીતાએ પોલીસનો આશરો લીધો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં નવી નગરીમાં વસવાટ કરતા કેતન મહેન્દ્રભાઈ વિઠ્ઠલાણી સાથે આરતીબેન (ઉ.વ. ૩૪)ના લગ્ન થયા હતાં. તે પરિણીતાને ત્રણેક વર્ષ સુધી સારી રીતે રાખવામાં આવ્યા પછી દીયર જતીનના લગ્ન જાનવીબેન સાથે કરવામાં આવ્યા હતાં. ત્યારપછી આરતીબેનને દહેજ બાબતે અને ઘરકામના પ્રશ્ને ત્રાસ આપવાનો શરૃ કરાતા તેમજ પતિ કેતનને સાસુ અનસુયાબેન, દીયર જતીન, દેરાણી જાનવી, સસરા મહેન્દ્રભાઈ મોરારજીભાઈ વિઠ્ઠલાણીએ કાન ભંભેરણી કરતા મારકૂટ કરાતી હતી. તેથી પતિને સમજાવી આરતીબેન પતિ સાથે મુંબઈ રહેવા ચાલ્યા ગયા હતાં. ત્યાં પણ કાન ભંભેરણી યથાવત રહી હતી. તે દરમ્યાન પતિ કેતનને અન્ય સ્ત્રી સાથે સંબંધ બંધાતા તેણે આ સ્ત્રી સાથે મૈત્રીકરાર કરી લીધા હતાં. કંટાળી ગયેલા આરતીબેન પિયર પરત ફરી ગયા છે. જ્યાંથી તેઓએ ગઈકાલે દેવભૂમિ દ્વારકાના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

close
Nobat Subscription