જામજોધપુરના પાટણમાં ખાનગી કંપનીના લોકેશન પર ચાર શખ્સે કરી ભાંગતોડ

જામનગર તા. ૨૫ઃ જામજોધપુરના પાટણમાં આવેલી પવનચક્કીની સાઈટ પર ચાર દિવસમાં બે વખત ઘૂસી જઈ ચાર શખ્સોએ તોડફોડ કરી રૃા. એકાદ લાખનું નુકસાન કર્યાની ફરિયાદ પોલીસમાં કરવામાં આવી છે. તે શખ્સોને રોકનાર સિક્યુરીટી ગાર્ડ સહિતના વ્યક્તિઓને પતાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.

જામજોધપુર તાલુકાના પાટણ ગામમાં રહેતા અને ત્યાં ઊભી કરવામાં આવેલી એંનવિઝન નામની કંપનીમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા મુળુભાઈ પોપટભાઈ ઓડેદરા (ઉ.વ. ૨૫) ગઈ તા. ૨૦ની રાત્રે પોતાની ફરજ પર હતાં ત્યારે તે કંપનીના લોકેશન નંબર ૧૭માં પ્રવેશી ગયેલા કોઈ શખ્સોએ ત્યાં તોડફોડ કરી હતી.

ત્યારપછી ગઈકાલે બપોરે મુળુભાઈ પોતાની ફરજ પર હાજર હતાં ત્યારે ગોદળીયા નેસમાં રહેતા ભીમાભાઈ સોમાભાઈ ટાલીયા, એભાભાઈ માલદેભાઈ ઓડેદરા, વિનુભાઈ લખમણભાઈ તથા પાટણના લાખાભાઈ માલદેભાઈ ઓડેદરા ધસી આવ્યા હતાં.

ઉપરોક્ત શખ્સોએ કંપનીના લોકેશન નંબર ૧૭ તેમજ ૨૧માં ઘૂસી જઈ તોડફોડ શરૃ કરી હતી. તેને સિક્યુરીટી ગાર્ડ સહિતના સ્ટાફે અટકાવ્યા હતાં. પરંતુ આ શખ્સો તેઓને ગાળો ભાંડી, જાનથી મારી નાખવાની ધમકી આપી અંદાજે રૃા. એકાદ લાખનું નુકસાન કરી ચાલ્યા ગયા હતાં. તે બાબતની મુળુભાઈએ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૧૧૪, ૪૨૭, ૫૦૪, ૫૦૬ (૨) હેઠળ ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

close
Nobat Subscription