રોગચાળો અને રાજકારણ... ગયા વર્ષનો ઈતિહાસ દોહરાવાઈ રહ્યો છે...?

કોરોનાનો પ્રકોપ ઘટી જતા હવે દેશના વિવિધ રાજયોની જેમ જામનગર સહિત ગુજરાતમાં પણ આગામી અઠવાડિયાથી ઘણી બધી છૂટછાટો મળવાની છે, રાજ્ય સરકારે નાઈટ કરફયૂ તો યથાવત રાખ્યો છે, પરંતુ દિવસ દરમિયાન ધંધા-રોજગાર અને અન્ય કેટલીક પ્રવૃત્તિઓ તથા પરિવહનને લઈને ઘણી બધી છૂટછાટો આપી છે, હવે કામ-ધંધા-રોજગાર અને અન્ય પ્રવૃત્તિઓને વેગ મળશે, જે જરૃરી પણ છે, પરંતુ ગયા વર્ષે જે કાંઈ થયુ તેવું ન થાય તેની કાળજી પણ રાખવી પડશે.

ગયા વર્ષે લોકડાઉન પછી ક્રમશઃ અનલોક કરાયા હતાં અને લોકોના કામ ધંધા-રોજગાર શરૃ થયા હતાં તે પછી કેન્દ્ર સરકાર જરૃરતમંદ લોકોને રાશન વિતરણની જે યોજના વિશેષ સ્વરૃપે લાગુ કરી હતી, તેને નવેમ્બર-ડિસેમ્બર સુધી લંબાવી હતી. આ વખતે પણ કાંઈક એવું જ થયું છે અને દિવાળી સુધી ગયા વર્ષની જેમ જ અનાજ નિઃશુલ્ક આપવાની જાહેરાત થઈ છે. આ બધું રિપિટેશન તો જરૃરી છે.

તે પછી ગયા વર્ષે ચૂંટણીના માહોલમાં "ટોપ-ટુ-બોટમ" રાજનેતાઓએ જે રીતે કોરોનાની તમામ ગાઈડલાઈનને નેવે મૂકીને સભાઓ, રેલીઓ અને રોડશો જેવા પ્રચારાત્મક કાર્યક્રમો કર્યા, તે પછી પબ્લિક પણ સામાજિક, ધાર્મિક કે પારિવારિક પ્રસંગો માટે ટોળા ભેગા કરવા લાગી, અને તેમાં ક્યાંય કોરોનાની ગાઈડલાઈનનું પાલન થયું નહીં, તેના કારણે ફરીથી ફેલાયેલા કોરોનાએ હજારો જિંદગીઓ છીનવી લીધી.

જો ગયા વર્ષનો ઈતિહાસ દોહરાવાશે, તો ત્રીજી લહેર આ વર્ષે આવેલી બીજી લહેરથી પણ વધુ ખતરનાક બની શકે છે, તેવી દહેશત રહે છે. સત્તાલોંલુપતા, પરાજયનો અપચો અને પશ્ચિમ બંગાળની જેમ આવતા વર્ષે થનારી ચૂંટણીઓમાં પણ ક્યાંક ધબડકો ન થાય અને સત્તા ગુમાવવી ન પડે, તેવી દહેશતથી જે-તે રાજ્યોના શાસકપક્ષોની હિલચાલ જોતા આગામી વર્ષનો સંગ્રામ અત્યારથી જ શરૃ થઈ જશે, અને ફરીથી કોરોનાને ભૂલી જઈને ચૂંટણીનો માહોલ જામશે, તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે. આ કારણે અત્યારથી લઈને એકાદ વર્ષમાં યોજાનારી સ્થાનિકથી લઈને વિધાનસભાની ચૂંટણીઓના પ્રચાર માટે ફરીથી રોડશો, સભાઓ અને રેલીઓ શરૃ થઈ જશે, તો કોરોના પણ પોતાનો ક્રૂર ઈતિહાસ ફરીથી દોહરાવશે, તે ભૂલવું ન જોઈએ.

કિસાન નેતા રાકેશ ટિકૈતે પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની મુલાકાત લીધી અને મમતા બેનર્જીએ ખેડૂત આંદોલનને ટેકો આપ્યો, તે અહેવાલો જોતા આંદોલનકારી કિસાન સંગઠનો હવે આગામી વર્ષ ઉત્તરપ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં થનારી વિધાનસભાની ચૂંટણીઓમાં પણ ભાજપ વિરોધી મતદાન માટે પરિશ્રમ કરશે, તેવા સંકેતો મળી રહ્યાં છે, પ.બંગાળમાં મમતા બેનર્જીના ભવ્ય વિજયમાં ટિકૈત એન્ડ કાું. દ્વારા ખેડૂતોમાં કરાયેલા ભાજપ વિરોધી પ્રચારની મહત્તમ ભૂમિકા હોવાનું કહેવાય છે. આ જ પડકાર ભાજપ સામે હવે આવતા વર્ષે કેટલાક રાજ્યોની થનારી ચૂંટણીમાં પણ ઊભો થવાનો છે.

આ તમામ સંભાવનાઓ અને અનુમાનોની અસર હેઠળ જ ભાજપ કદાચ ઉત્તરપ્રદેશમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને એક સમયે ટીમ રાહુલમાં જેની ગણતરી થતી હતી, તે જીતેન પ્રસાદને પાર્ટીમાં ધૂમધડાકા સાથે પ્રવેશ આપ્યો છે. પરંતુ જો કે, છેલ્લી બે-ત્રણ ચૂંટણીઓ હારી ગયા હોવાથી પ્રસાદ પ્રચંડ જનસમર્થન ધરાવતા નેતા નથી, પરંતુ યોગીરાજમાં હાલમાં ભૂદેવો નારાજ છે, તેથી ભાજપે બ્રાહ્મણોની વોટબેંક માટે પ્રસાદને ભાજપમાં ભેળવ્યા હોવાનું કહેવાય છે, અને તેમાં તથ્ય પણ છે, પરંતુ બીજી તરફ રશીદ આલ્વી અને હરીશ રાવત વિગેરે કોંગી નેતાઓએ આપેલા પ્રત્યાઘાત પણ કોંગ્રેસે ધ્યાને લેવા જેવા છે.

ઉત્તરપ્રદેશમાં તાજેતરમાં થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જે રીતે સપા-બસપાને ફાયદો થયો છે તે જોતા આગામી વિધાનસભા ચૂંટણી જીતવી એ ભાજપ માટે કપરા ચઢાણ છે, તેથી ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં માત્ર કોંગ્રેસ નહીં, પણ સપા-બસપાની મોટી વિકેટો ખડી ન પડે, તેની સતર્કતા તમામ પક્ષોએ રાખવી પડશે. ભાજપની રણનીતિ, વિપક્ષના મોટા નેતાઓને ભાજપમાં ભેળવીને વિજય મેળવવાની છે, તે હવે સ્પષ્ટ થઈ ગયું હોવાથી વિપક્ષો પણ હવે સાવધ થઈ ગયા છે.

જો કે, આગામી વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણીઓને લઈને કોઈ સચોટ અનુમાન, અંદાજ કે વિશ્લેષણ કરવું અત્યારે વહેલું ગણાય, પરંતુ ભાજપ કોઈપણ રાજયની ચૂંટણીને ધ્યાને લઈને એકાદ વર્ષ પહેલેથી જ વિવિધ કાર્યક્રમો યોજતો રહ્યો છે, તેથી જ ભાજપની આવી પહેલ પછી અન્ય પક્ષો ભાજપની જેમ જ રેલીઓ - સભાઓ યોજવા લાગે અને તેમાં કોરોનાની ગાઈડ લાઈન ન જળવાય તો કોરોનાનું સંક્રમણ ફરીથી ચિંતાજનક રીતે વધી શકે છે, તેથી ભાજપે જ આ વર્ષે આ બાબતે પહેલેથી જ તકેદારી રાખવી જોઈએ. એક અભિપ્રાય એવો પણ છે કે, ચૂંટણી પંચે જ તમામ પ્રકારની જાહેરસભાઓ, રોડશો, સમારોહ, જાહેર મિટિંગો, મેળાવડા, રેલીઓ તથા પ્રદર્શનો પર પ્રતિબંધ મૂકીને માત્ર વર્ચ્યુઅલ પ્રચારની જ છૂટ આપવી જોઈએ.અન્ય સમાચારો

close
Ank Bandh 29 March
close
PPE Kit