ખંભાળિયા તા. ૭ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા છ મહિનામાં એક જ દિવસમાં સૌથી વધુ કોરોના કેસ ગઈકાલે નોંધાયા હતાં. છેલ્લા ર૪ કલાકમાં જિલ્લામાં વધુ સત્તર નવા પોઝિટિવ કેસ નોંધાયા હતાં અને જિલ્લામાં હવે એક્ટિવ કેસની સંખ્યા ૮૮ એ પહોંચી છે.
ગઈકાલે દ્વારકા જિલ્લામાં ૧૭ નવા કોરોના પોઝિટિવ નોંધાયેલા જેમાં ૧૩ ખંભાળિયા તાલુકામાં જ નોંધાયા છે. જેમાં ખંભાળિયાના મોવાણ, આંબરડી, જે.કે.વી. નગર ખંભાળિયા, ખંભાળિયા શહેર, હરિપુર, હરસિદ્ધિનગર, સુતારિયા ખંભાળિયા, ધરમપુર તથા મોવાણ ગામમાં વધુ ત્રણ કેસ નોંધાયા છે તથા કલ્યાણપુરમાં બે કેસ નાવદ્રા અને કેનેડી તથા ભાણવડના રૃપામોરામાં એક તથા દ્વારકા ટાઉનમાં પણ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. ભાણવડમાંથી એક અને ખંભાળિયામાંથી ત્રણ મળી કુલ ચાર દર્દીઓ સાજા થતાં તમેને ડિસ્ચાર્જ કરાયા હતાં.
ખંભાળિયાની સરકારી હોસ્પિટલના કોવિડ વિસ્તારમાં ૩પ દર્દીઓ વેન્ટિલેટર તથા ઓક્સિજન ઉપર છે. સ્ટાફની પણ અહીં અછત છે. તેથી હાઉસફૂલ જેવી સ્થિતિ છે. જિલ્લાની ખાનગી હોસ્પિટલોમાં વેન્ટિલેટરની સુવિધા ન હોવાથી લોકોને ફરજિયાત સરકારી હોસ્પિટલમાં જ જવું પડે છે.
ગઈકાલે દ્વારકાના એક પ્રજાપતિ પરિવાર સહિત પાંચને કોરોના પોઝિટિવ નીકળતા તેમને તમામને ખંભાળિયા સરકારી કોવિડ હોસ્પિટલમાં લાવવામાં આવેલા તેમને જામનગર જવાનું કહેવાતા તથા જામનગરમાં પણ હાઉસફૂલની સ્થિતિ હોય, દર્દીઓ મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતાં.
જો કે, આ બાબતે ખંભાળિયા હોસ્પિટલના સુપ્રિ. ડો. હરિશ મતાણીને જાણ કરાતા તેમણે વૈકલ્પિક સ્થળે સારવાર ચાલુ કરી દેતા દર્દીઓને રાહત થઈ હતી.
પ્રાઈવેટમાં દરરોજનો ચાર્જ છ થી આઠ હજાર લેવાતો હોય, સરકારી હોસ્પિટલમાં જગ્યા ન મળે તો દર્દીઓ ક્યાં જાય? આ બાબતે જિલ્લા કલેક્ટર ડો. નરેન્દ્રકુમાર મીના, પ્રાંત દ્વારકા ભેટારિયા તથા જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સુતરિયાને રજૂઆત કરવામાં આવી છે.