પ્રાથમિક શાળાઓ બંધ કરી અન્ય શાળામાં મર્જ કરવાના નિર્ણયનો ઉગ્ર વિરોધઃ આવેદનપત્ર પાઠવાયું

જામનગર તા. ૧૯ઃ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના સચિવે ૬૦ થી ઓછી સંખ્યા ધરાવતી પ્રાથમિક શાળાઓને બંધ કરી અન્ય શાળામાં મર્જ કરવાનું જાહેર કર્યુ છે. લાલપુર તાલુકા સરપંચ એસોસિએશનને આજે જામનગર જિલ્લા કલેક્ટરને તથા જિલ્લા પંચાયતમાં રાજ્યના મુખ્યમંત્રીને સંબોધિત વિસ્તૃત આવેદનપત્ર આપીને પ્રાથમિક શાળાઓ બંધ કરવા સામે અને અન્ય શાળામાં મર્જ કરવાના નિર્ણયનો ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો છે.

લાલપુર તાલુકાના વિવિધ ગામના સરપંચો તથા વાલીઓએ રજૂ કરેલા આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર ઉપરોક્ત વિષયે આ નિર્ણય લેવા લઈ જઈ રહી છે. તે બહુ જ અન્યાયકર્તા છે. ગામમાં શાળા ન હોય તે બાબત કલ્પિ પણ નથી શકતા. ગામમાં શાળા ન હોવી એ અત્યંત દુઃખદ બાબત છે. નાના-નાના બાળકોને ગામમાં શાળા દ્વારા પ્રાથમિક શિક્ષણ મળવું જોઈએ એ બાળકોનો બંધારણીય હક્ક છે. તે બંધારણીય હક્ક કોઈપણ રીતે છીનવી ન શકાય. નાના-નાના બાળકોને કોઈના ભરોસે બીજા ગામમાં મૂકવા કોઈપણ સંજોગોમાં તૈયાર નથી.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૭૪ તેમજ આર.ટી.ઈ. એક્ટ ર૦૦૯-ર૦૧૦ તેમજ વખતોવખત સુધારા સંદર્ભે ગુજરાત શિક્ષણ વિભાગના સરકારી પરિપત્રો અને ઠરાવોને નિયમોને આધિન કોઈપણ સંજોગોમાં ૧ કિ.મી.ના અંતરમાં તેમજ ગામની હાલની પ્રાથમિક શાળાઓ બંધ કરી અને અન્ય ગામમાં મર્જ ન કરી શકાય તેવા પરિપત્રો થયેલ છે. તેમ છતાં શિક્ષણ વિભાગના સચિવ ડો. વિનોદરાવના નિવેદનથી જો નિર્ણય લેવામાં આવશે તો આ નાના-ગામના બાળકો પ્રાથમિક શિક્ષણથી વંચિત રહેશે તો એમની જવાબદારી કોની...?

મોટાભાગની પ્રા.શાળાઓથી અન્ય શાળાઓમાં જવા માટે બન્ને બાજુઓના રસ્તાઓ તરફ નદી નાળાઓ આવેલા હોવાથી વરસાદી ઋતુમાં વાહન વ્યવહાર કલાકો અને મોડી રાત્રિ સુધી બંધ થઈ જતો હોય છે ત્યારે અમારા બાળકો મર્જ થયેલી અન્ય ગામની શાળામાંથી બાળકો ઘેર સમયસર પરત પોતાના વાલી પાસે પહોંચી ના શકે તો એ નાના બાળકોની મનોસ્થિતિ શું થઈ શકે છે. એ નાના-નાના બાળકોના બાળમાનસ પર કાયમી ડરથી પિડાઈ શકે અને આગામી ભવિષ્યમાં તેના બાળ માનસ પર ગંભીર અસર થઈ શકે છે. તેમજ અકસ્માતે રોડ પર કોઈ આકસ્મિક દુર્ઘટના ઘટે તો જવાબદારી કોની...? ઉનાળાની ઋતુમાં ધોમધોખતા તાપમાં અન્ય શાળામાંથી અમારા ગામમાં આવ્યા પછી ઘણાં બાળકોનું ઘર ગામથી દૂરના અંતરે (વાડી વિસ્તાર) આવેલ હોય ત્યાં ક્યારે પહોંચે એ પણ વિચારવા જેવો પ્રશ્ન છે. કુમળા બાળકને કોના ભરોસે વાહનમાં એકલું નિરાધાર મૂકી દેવું...? આ નિર્ણયથી બાળકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડશે.

હાલની શાળામાં જે બાળકો અભ્યાસ કરી રહ્યાં છે ત્યાં મુક્ત મને શાંતિથી અને સ્વસ્થતા તેમજ નિજાનંદથી ગુણવત્તાસભર અને સારા શૈક્ષણિક વાતાવરણમાં અભ્યાસ કરી રહ્યાં છે. જો તે જ બાળકો અન્ય શાળામાં અભ્યાસ અર્થે જશે તો તેમના માનસ પર તે શાળામાં સેટ થતાં ત્યાંના સહ અભ્યાસી સાથે ત્યાંના વાતાવરણમાં અનુકૂલન થવા માટે ઘણા પ્રયત્નો કરવા પડશે તેમ છતાં તે બાળક અન્ય શાળાના વાતાવરણમાં અનુકૂલન થવામાં અસફળ થશે ત્યારે તેના બાળ મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ તે બાળકના ભાવિ શિક્ષણ પર ગંભીર નકારાત્મક અસર ઉત્પન્ન થશે. વાલીઓ તેમના બાળક પર આવી કોઈ જ નકારાત્મક અસર થાય તેમજ તેમનું પ્રાથમિક શિક્ષણનું ભવિષ્ય બરબાદ થાય તેવું ઈચ્છતા નથી. બાળકોનું પ્રાથમિક શિક્ષણ વધારે સારૃં બને તેથી હાલની જે શાળાઓમાં જે બાળકો સુચારો અભ્યાસ કરી રહ્યાં છે. તેનાથી ખૂબ જ સંતુષ્ટ છે. તે જ શાળામાં અમારા બાળકોને પ્રાથમિક શિક્ષણ  મળી રહે એવી માંગણી છે.

તેમ છતાં જો આ નિર્ણય લેવામાં આવશે તો બાળકોને અન્ય પ્રાથમિક શાળામાં કોઈપણ સંજોગોમાં કોઈપણ રીતે મૂકવા તૈયાર નથી અને આગામી સમયમાં ગાંધીચિંધ્યા માર્ગે બાળકોના શૈક્ષણિક હિતમાં આંદોલન કરવા માટે મજબૂર થવું પડશે.

તેમ છતપાં જો આ લાગણી અને માંગણી સ્વીકારવામાં નહીં આવે તો બાળકોના બંધારણીય પ્રાથમિક શિક્ષણના હક્ક માટે ન્યાય પ્રક્રિયા કરવામાં આવશે તેમજ લાલપુર તાલુકાના તમામ ગામના સરપંચો દ્વારા તમામ ગામોના વિકાસના કામોનો બહિષ્કાર કરીને ઉગ્ર જનઆંદોલન કરવામાં આવશે તેવી ચિમકી આપવામાં આવી છે.

close
Ank Bandh
close
PPE Kit