ફુગાવો અને મોંઘવારીમાં વધારો અને ઔદ્યોગિક ઉત્પાદન ઘટતા અર્થતંત્ર પર બેવડો માર

નવી દિલ્હી તા. ૧૪ઃ નાણામંત્રી નિર્મલા સીતારમણ અર્થતંત્રમાં પોઝિટિવ સંકેતો મળી રહ્યા હોવાનો દાવો કરી રહ્યા છે, પરંતુ ફૂગાવાનો દર પોણા છ વર્ષની સર્વોચ્ય સપાટીએ પહોંચી જતા વિપક્ષોએ મોદી સરકાર પર તડાપીટ બોલાવી છે, અને ઉત્તરપ્રદેશ વિધાનસભામાં ગેસના બાટલા સાથે વિરોધ પ્રદર્શન થતા ગઈકાલે હોબાળો થયો હતો.

ગઈકાલે ઉત્તરપ્રદેશ વિધાનસભા સત્રની શરૃઆત થઈ હતી. આ વખતે સીએએ અને એનઆરસી મુદ્દે તો હોબાળો થયો જ હતો, પરંતુ કેટલાક ધારાસભ્યો પ્રતિકાત્મક ગેસનો બાટલો પીઠ પર લઈને વિરોધ કરવા પહોંચી જતા ભારે હોબાળો થયો હતો.

ગઈકાલે રાજ્યપાલ આનંદીબેન પટેલના અભિભાષણ દરમિયાન પણ ભારે હોબાળો થતો રહ્યો હતો. સમાજવાદી પાર્ટી, બસપાના ધારાસભ્યોએ ગૃહમાં હોબાળો કર્યો જ્યારે કોંગ્રેસના ધારાસભ્યોએ તો વિધાનસભાની બહાર પણ ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

માત્ર ઉત્તરપ્રદેશ જ નહીં પરંતુ દેશના વિવિધ વિભાગોમાંથી પણ હવે મોંઘવારી અને ફૂગાવાના કારણે ઊભી થયેલી સ્થિતિના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. પૂર્વ કોંગ્રેસ-પ્રમુખ રાહુલ ગાંધી પણ મોદી સરકારે અર્થતંત્રનું નિકંદન કાઢ્યું હોવાની સાથે બેરોજગારી અંગે મોદી સરકારને વારંવાર આડે હાથ લેતા રહ્યા છે. ઉત્તરપ્રદેશમાં આ મુદ્દાઓ અંગે સમગ્ર વિપક્ષો એકજૂથ થઈને વિરોધ કરી રહ્યા છે. બીજી તરફ એનડીએના કેટલાક સાથીદાર પક્ષોના નેતાઓ પણ દબાતી જુબાનમાં આવી વાત કરતા હોય છે.

એક તરફ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે અર્થવ્યવસ્થા સુધરી રહી હોવાનો દાવો કરીને મજબૂત જવાબ આપ્યો છે, તો બીજી તરફ આજે જ ફૂગાવાનો દર પોણા છ વર્ષમાં સૌથી વધુ સપાટીએ પહોંચી જતા અર્થતંત્રને બેવડો ફટકો પડ્યો છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે બે દિવસ પહેલા બજેટની ટીકાઓનો મજબૂત જવાબ આપતા કહ્યું હતું કે અર્થતંત્ર હવે સંકટમાં રહ્યું નથી અને તેમાં પોઝિટિવ સંકેતો મળી રહ્યા છે. ભારતની અર્થવ્યસ્થામાં સંચાર થઈ રહ્યો છે અને કેટલાક ક્ષેત્રોમાં સુધારો દેખાયો છે, તેવા મોદી સરકારના દાવાને પોકળ પુરવાર કરતા આંકડા ફુગાવાના આવ્યા છે.

દિલ્હીમાં ચૂંટણીને લક્ષ્યમાં લઈને ગેસમાં ભાવ વધારાનો નિર્ણય ટાળવામાં આવ્યો હતો. અને ચૂંટણી પૂરી થતા જ દોઢસો રૃપિયા જેવો ભાવ વધારો સબસીડી વગરના ગેસના બાટલામાં કરી દેવામાં આવ્યા છે. એવું કહેવામાં આવે છે કે સબસીડી વગરના ગેસના બાટલામાં ભાવવધારાની અસર સામાન્ય જનતા પર થતી નથી કારણકે તેનો વધુ ઉપયગ કોમર્શિયલ જ હોય છે. જો કે, કોમર્શિયલ ઉપયોગ માટે થતા ભાવ વધારાની સીધી નહીં પણ પરોક્ષ અસર તો સામાન્ય જનતાને જ ભોગવવી પડતી હોય છે, કારણકે કોમર્શિયલ ભાવ વધારાના કારણે જે તફાવત આવે તે અંતે તો બાય પ્રોડક્ટ અનેે સેવાઓમાં ભાવ વધારીને લોકો પાસેથી જ વસુલ કરાયો હોય છે. એ ઉપરાંત ઘરેલુ ઉપયોગ વધુ થતો હોય તેવા પરિવારોને પણ ઘણી વખત કોમર્શિયલ રેટથી સબસીડી વગરના ગેસના બાટલા ખરીદવા જ પડતા હોય છે.

બીજી તરફ ફૂગાવાનો દર જાન્યુઆરીમાં વધીને ૭.૫૯ ટકા સુધી પહોંચી ગયો છે. આ સ્થિત પોણા છ વર્ષ પહેલા સર્જાઈ હતી. વર્ષ-૨૦૧૪ના મે મહિનામાં ફુગાવાનો દર ૮.૩૩ ટકા હતો. જ્યારે વર્ષ ૨૦૧૯ના ડિસેમ્બરમાં આ દર ૭.૩૫ ટકા હતો.

ગયા મહિને ખાદ્ય ચીજોમાં મોંઘવારી ૧૩.૬૩ ટકા હતી. ખાદ્યચીજો અને પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં વધારો થતા ફુગાવાનો ફુગ્ગો ભરાયો છે.

ઔદ્યોગિક ઉત્પાદનમાં પણ ડિસેમ્બર-૨૦૧૯માં ૦.૩ ટકાનો ઘટાડો થયો હોવાનું બહાર આવ્યું છે. મોંઘવારી અને ફૂગાવાના દરમાં વધારો અને ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો થતા અર્થતંત્રને બેવડો ફટકો પડ્યો છે, તેવામાં અર્થતંત્રમાં સુધારો થઈ રહ્યો હોવાના કે ઉત્પાદનમાં નવસંચાર જોવા મળી રહ્યો હોવાના સરકારી દાવાઓ પર વિશ્વાસ બેસે ખરો?

જો કે, ઘરેલુ ગેસનો ઉપયોગ કરતા લોકોને વાર્ષિક ૧૨ ગેસના બાટલા પર સબસીડી અપાય છે. આ સબસીડીના દરમાં ૬૦ રૃપિયા જેવા વધારો કરવાનો દાવો કરાયો છે, પરંતુ દોઢસો રૃપિયા વધારીને તેમાં ૬૦ રૃપિયાની સબસીડી વધારવાનો કિમીયો થયો હોય, તેવું જણાય છે. આ પ્રકારની તરકીબો સરકારો હંમેશાં કરતી રહી છે. એક હાથે આપીને બીજા હાથે ઝુંટવી લેવાની આવી તરકીબો પ્રજાને મૂર્ખ બનાવવા જેવી જ ગણાય.

છૂટક મોંઘવારીનો દર ૪ થી ૬ ટકા વચ્ચે રહેવાના માપદંડના આધારે રિઝર્વબેંક વ્યાજના દર નક્કી કરતી હોય છે. રિઝર્વ બેંક રેપોરેટ યથાવત રાખ્યો, તેનું કારણ પણ આ માપદંડ જ છે. હવે મોંઘવારી અને ફૂગાવાના દરો વધી જતા રિઝર્વ બેંક હજુ પણ રેપોરેટમાં કોઈ ફેરફાર કરે તેવી શક્યતા નહીંવત છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit