ગુજરાતમાં ચોમાસાએ દીધી દસ્તકઃ વલસાડ, નવસારી, ડાંગમાં મેહુલિયાની એન્ટ્રી

જૂનના અંત સુધી રાજ્યભરમાં પહોંચી જશે ચોમાસુંઃ આ વર્ષે ૧૦૦ ટકાથી વધુ વરસાદની આગાહીઃ

અમદાવાદ તા. ૧૦ઃ ગુજરાતમાં ચોમાસાએ દસ્તક દીધી છે અને વલસાડ, નવસારી, ડાંગમાં મેહુલિયાએ એન્ટ્રી કરી છે. જૂનના અંત સુધીમાં સમગ્ર રાજ્યમાં ચોમાસું વિધિવત્ રીતે પહોંચી જશે તેવી આગાહી કરાઈ છે.

ગુજરાતમાં ચોમાસાએ દસ્તક દીધી છે. સામાન્ય રીતે ૧પ મી જૂન પછી ચોમાસું ગુજરાતમાં આવતું હોય છે, પરંતુ આ વખતે વહેલુ આગમન થયું છે. દક્ષિણ ગુજરાત સુધી પહોંચી ગયેલા ચોમાસાએ વલસાડ, નવસારી, ડાંગ ઉપરાંત દાદરાનગર હવેલીમાં વરસાદ વરસાવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૩૦ જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં ચોમાસું બેસી જશે.

દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી થતાં વલસાડ જિલ્લામાં દે ધનાધન વરસાદ ખાબક્યો છે. દાદરાનગર હવેલી વિસ્તારમાં ૪ ઈંચ જેટલો વરસાદ પડી ગયો છે. ૧ર મીથી ૧પ મી જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત સાથે ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, બોટાદ, દિવ, અમદાવાદ, આણંદમાં પણ હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા છે.

ગુજરાતમાં આ વર્ષે ૧૦૩ થી ૧૦પ ટકા સુધી વરસાદ પડવાની આગાહી છે. છેલ્લા ર વર્ષથી સરેરાશ ૪૦ ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે. પ્રિ-મોન્સુન એક્ટિવિટી અંતર્ગત આજથી ૩ દિવસ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાના સંજોગો છે.

દક્ષિણ-પશ્ચિમ મોન્સુન આગળ વધી રહ્યું છે અને ૧૪ જૂન પછી દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની વધુ અસર જોવા મળશે. જ્યારે ર૦ જૂન પછી અમદાવાદ સહિત રાજ્યના અન્ય ભાગોમાં વરસાદી માહોલ સર્જાશે અને જૂનના અંતિમ સપ્તાહ સુધીમાં રાજ્યમં વિધિવત્ ચોમાસું બેસી જશે. એની સાથે જ ૧ર થી ૧પ જુલાઈ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદ નોંધાયા પછી સારો વરસાદ પડી શકે છે.

આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. જે મુજબ ૧૧ મી જૂનથી ૧૩ મી જૂન સુધી રાજ્યના સૌરાષ્ટ્ર તથા દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વીજળીના ચમકારા સાથે હળવાથી લઈને મધ્યમ સુધીનો વરસાદ પડી શકે છે. જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ તથા સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવેશ થાય છે, જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, સુરત તથા ભરૃચમાં પણ આ સમયગાળામાં વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે.



અન્ય સમાચારો

close
Ank Bandh 29 March
close
PPE Kit