ગુજરાતના ર૦ શહેરોમાં રાત્રિ કર્ફયુ અને અન્ય પ્રતિબંધો કેટલા સફળ થશે? રાજ્યવ્યાપી ચર્ચા

હાઈકોર્ટના અવલોકન પછી હલબલી સરકારઃ તંત્રોની હડિયાપટ્ટીઃ અદાલતની આકરી ટીકા-ટિપ્પણીની અસરઃ

અમદાવાદ/જામનગર તા. ૭ઃ આજથી જામનગર સહિત આઠ મહાનગરો સહીત ર૦ શહેરોમાં રાત્રિકર્ફયુ લાગી જશે અને રાત્રે આઠ વાગ્યાથી સંચારબંધી અમલી બની જશે, તેના મૂળમાં ગઈકાલે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો સુનવણી દરમિયાન પોતાના અવલોકન પછી કેટલીક ટકોર કરી, સૂચનો કર્યા અને નિર્દેશો આપ્યા પછી કોરોનાને લઈને વધુ કડક કદમ ઊઠાવવાની દિશામાં સરકારમાં હિલચાલ વધી ગઈ, અને તંત્રો હડિયાપટ્ટી કરવા લાગ્યા. તે પછી ગઈ રાત્રે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક યોજાઈ, જેમાં મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવાયા.

ગઈકાલે આખો દિવસ રાજ્યભરમાં એવી ચર્ચા થતી રહી કે રાજ્યમાં ત્રણ-ચાર દિવસનું સંપૂર્ણ લોકડાઉન આવશે કે પછી સેમિ લોકડાઉન કે મીની લોકડાઉન જેવો કોઈ વચલો રસ્તો કાઢવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટે ખૂબ જ કડક ભાષામાં સરકારના વકીલને સવાલો પૂછ્યા અને નિર્દેશો અથવા સૂચનો કર્યા પછી સરકાર હલબલી હતી, જો કે આ પ્રકારના પગલાં સરકાર પહેલેથી જ ઊઠાવી શકી હોત, હવે સરકારે લીધેલ નિર્ણયો પછી કોરોનાને અંકુશમાં લેવા કેટલી સફળતા મળશે તેની ચર્ચા થઈ રહી છે.

કોર કમિટીની બેઠક પછી મુખ્યમંત્રી રૃપાણીએ 'જી ભી હૈ ઔર જહાન ભી હૈ' જેવા સૂત્રોને અનુસરીને કડક પ્રતિબંધો પણ રહે અને તદ્ન કામ-ધંધા કે વ્યવહાર બંધ ન થઈ જાય તેવો માર્ગ કાઢ્યો હોવાનો દાવો કર્યો.

રાજ્યના ર૦ શહેરોમાં આજથી રાત્રે ૮ થી બીજા દિવસની સવારે ૬ વાગ્યા સુધી કર્ફયુ રહેશે,  તેવી જાહેરાત થઈ છે. આ કારણે હવે દિવસે અમર્યાદિત અથવા નિરંકુશ ભીડ વધે નહીં, અફવાઓ ફેલાય નહીં, સ્થાનિક કે આંતરરાજ્ય પરિવહન બંધ ન થાય, પરંતુ કોરોનાની ગાઈડલાઈન્સના નિયમોનું પાલન કરીને ચાલતું રહે અને કોઈપણ ચીજવસ્તુ કે કોરોનામાં ઉપયોગી દવા, ઈન્જેક્શન કે હોસ્પિટલોમાં બેડની તંગી ન સર્જાય તેની તકેદારી પણ રાજ્ય સરકારે રાખવી જ પડશે. ઓક્સિજનની તંગી નિવારવા સરકારે કંપનીઓ પાસેથી ૧૦ ટકા વધુ જથ્થો મેળવવાનો કરેલો નિર્ણય યોગ્ય છે.

કેટલાક પ્રતિભાવો મુજબ સામાજિક મેળાવડા, રાજકીય કાર્યક્રમો, રેલીઓ, સભાઓ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવો જરૃરી હતો. જો પ૦ (પચાસ) લોકોને પણ છૂટ અપાશે, તો પણ તેમના પર દરેક સ્થળે અંકુશ રાખવો મુશ્કેલ બની જશે. આ છૂટ અપાય તો પણ તેમાં માસ્ક-સોશ્યલ ડિસ્ટન્સનું કડક પાલન કરાવવું જ પડશે.

જો કે, લગ્ન પ્રસંગો માટે મર્યાદિત (૧૦૦) સંખ્યામાં મહેમાનોની હાજરી સાથે આપેલી છૂટછાટને લોકો આવકારી રહ્યા છે, કારણ કે પહેલેથી નક્કી થયેલા લગ્નો કે સાદીઓ તદ્ન અટકી નહીં પડે, લોકોએ પણ આવા પ્રસંગોએ માસ્ક-સોશ્યલ ડિસ્ટન્સની કાળજી લેવી પડશે.

ગાંધીનગર અને મોરવા હડફની ચૂંટણી યથાવત્ રાખીને રાજ્ય સરકારે એક રીતે જોખમ જ વહોરી લીધું છે, તેથી રાજકીય પક્ષોએ ચૂંટણીપંચની એસઓપીનું ચૂસ્ત પાલન કરવા માટે જાગૃત રહેવું પડશે, ખાસ કરીને બન્ને મુખ્ય પક્ષોએ રેલીઓ, સભાઓ અને મેળાવડા કરીને પ્રચાર કરવાના બદલે વર્તમાન સ્થિતિને ધ્યાને લઈને શક્ય તેટલો ઓનલાઈન પ્રચાર અને અખબારો-મીડિયા, સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકો સુધી વધુમાં વધુ પહોંચી શકાય, તેની ખાસ કાળજી રાખવી પડશે.

સરકારે કેટલીક ચોખવટો પણ કરી છે. હોસ્પિટલોમાં ત્રીજા ભાગની બેડ હજુ પણ ઉપલબ્ધ છે. બે દિવસમાં રેમડેસિવર ઈન્જેક્શનો જિલ્લા મથકોએ પહોંચી જશે, તેમ જણાવાયું છે. જો ટેસ્ટીંગ વધે અને સંક્રમણની ગતિ વધી જાય, તો હોસ્પિટલો ચિક્કાર ભરાઈ જતા વાર નહીં લાગે, તેથી ગત્ વર્ષ કરતા સરકારે (ગત વર્ષના અનુભવે) વિશેષ વ્યવસ્થાઓ પણ કરવી પડશે.

સરકારે જાહેર સરકારી કાર્યક્રમો સ્થગિત કરવાની સૂચનાઓ પણ આપી હોય, તો તે આવકાર્ય છે, જો કે ગાંધીનગર-મોરવા હડફની ચૂંટણીના પ્રચાર માટે આપેલી કેટલીક છૂટછાટ અપાઈ હોય તો તે પૂનર્વિચાર જરૃર માંગે છે, કારણ કે આ પ્રકારના 'અપવાદો'એ જ સંક્રમણને ફરીથી તિવ્ર ગતિ આપી દીધી છે!

close
Ank Bandh 29 March
close
PPE Kit