ચેક હેન્ડ રાયટીંગ એક્સપર્ટ પાસે મોકલવાની આરોપીની અરજી નામંજૂર

જામનગર તા. ૨૫ઃ જામનગરના એક આસામીએ મુંબઈના આસામી સામે રૃા. ૮૦ લાખના ચેક પરતની ફરિયાદ અદાલતમાં કરતા આરોપીએ તે ચેક ખોટી રીતે બાઉન્સ કરાવાયો છે તેવી દલીલ સાથે ચેકને હેન્ડ રાયટીંગ એક્સપર્ટ પાસે મોકલવાની માંગણી કરતી કરેલી અરજી અદાલતે ફરિયાદ પક્ષની દલીલોને માન્ય રાખી નામંજૂર કરી છે.

જામનગરના પૃથ્વીસિંહ ભરતસિંહ ઝાલા પાસેથી મુંબઈના નંદકિશોર રાઠીએ રૃા. ૮૦ લાખની રકમ હાથ ઉછીના મેળવી ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી અપૂરતા નાણા ભંડોળના શેરા સાથે પરત ફરતા પૃથ્વીસિંહ ઝાલાએ જામનગરની અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી.

કેસ અન્વયે આરોપી નંદકિશોર રાઠીએ અદાલતમાં દલીલ કરી હતી કે, ફરિયાદીએ ચેક ખોટી રીતે મેળવી લઈ તેમાં પોતાની જાતે મનસ્વી રકમ ભરી ચેક પરત કરાવ્યો છે, તેમાં ભરવામાં આવેલી વિગતો ફરિયાદીએ ઉપજાવી કાઢી છે, તેથી ચેક હેન્ડ રાયટીંગ એક્સપર્ટ સમક્ષ મોકલવાની માંગણી કરતી અરજી પણ આરોપી દ્વારા કરવામાં આવી હતી. તેની સામે ફરિયાદ પક્ષે દલીલ કરી હતી કે, દેશમાં કેશલેસ સિસ્ટમને વેગવંતી બનાવવા સરકાર પ્રયત્નશીલ છે. ત્યારે ચેક સંવેદનશીલ દસ્તાવેજ છે, આરોપીએ મોટી રકમ મેળવ્યાં પછી જ્યારે ચેક પરત ફર્યો ત્યારે ખોટી રીતે ચેક બાઉન્સ કરાવાયો છે અને મોટી રકમનો વ્યવહાર ખોટો છે તેવા વાહીયાત કથન સાથે અરજી કરેલ છે.

અદાલતે બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા પછી આરોપીની ચેક હેન્ડ રાયટીંગ એક્સપર્ટ પાસે મોકલવાની માંગણી કરતી અરજી નામંજૂર કરી છે. ફરિયાદી તરફથી વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, હરદેવસિંહ ગોહિલ, રજનીકાંત નાખવા રોકાયાં છે.

close
Nobat Subscription