આજે ૭રમા પ્રજાસત્તાક પર્વની ભારે ઉત્સાહભેર ઉજવણી થઈ હતી. જામનગર મહાનગરપાલિકાના પટાંગણમાં આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મ્યુનિ. કમિશ્નર સતીષ પટેલે રાષ્ટ્ર ધ્વજ લહેરાવી તેને સલામી આપી હતી અને તમામ નગરજનોને રાષ્ટ્રીય પર્વની શુભેચ્છા આપી હતી. આજના આ કાર્યક્રમમાં ડીએમસી એ.કે. વસ્તાણી, એએમસી ડો. ડાંગર, સીટી ઈજનેર શૈલેષ જોષી, ફાયર બ્રીગેડ ઓફિસર, આસિ. કમિશ્નર (ટેક્સ) જીગ્નેશ નિર્મલ, પ્રોજેક્ટ પ્લાનીંગ વિભાગના અધિકારી જાનીભાઈ, સેક્રેટરી અશોક પરમાર સહિતના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સરકારની ગાઈડ લાઈનનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું. (તસ્વીરઃ નિર્મલ કારીયા)
રાષ્ટ્રીય પર્વમાં શહેરના એકપણ પૂર્વ કોર્પોરેટર હાજર રહ્યાં નહીં
આજે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મહાનગરપાલિકા દ્વારા આયોજીત કાર્યક્રમમાં ફક્ત અધિકારીઓ જ ઉપસ્થિત રહ્યાં હતાં. પરંતુ એક પણ પૂર્વ પદાધિકારી અથવા પૂર્વ કોર્પોરેટરે હાજરી આપવાની તસ્દી લીધી ન હતી. કારણ કે, હાલ કોઈ કોર્પોરેટર પદ અસ્તિત્ત્વમાં નથી. આથી સ્ટેજ ઉપર બેસવા મળે નહીં. ભાષણ કરવા મળે નહીં આથી એકપણ કોર્પોરેટરે હાજરી આપવાનું ઉચિત ન સમજ્યું. આથી એવું ફલીત થાય છે કે, માત્ર પ્રસિદ્ધિમાં જ આ નગર સેવકો કાર્યરત હોય છે.