| | |

વસઈના અવાવરૃં ખેતરમાંથી યુવાનનો ગળાફાંસો ખાધેલો મળ્યો મૃતદેહ

જામનગર તા. ૨૨ઃ જામનગરના ઈવા પાર્કમાં રહેતા એક પરપ્રાંતિય દંપતી વચ્ચે ત્રણ દિવસ પહેલાં કરિયાણાની વસ્તુઓ લેવા માટે પૈસા બાબતે સામાન્ય બોલાચાલી થયા પછી પતિ ઘેરથી ક્યાંક ચાલ્યા ગયા હતાં. તેઓ ગઈકાલે વસઈ ગામના એક અવાવરૃં ખેતરમાં ઝાડમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા છે. પોલીસે મૃતકના પત્નીનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા ઈવા પાર્કમાં વસવાટ કરતા મૂળ હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના કટાગણા સોસણ ગામના વતની ધનપાલસિંહ પુન્યસિંહ રાણા (ઉ.વ. ૨૫) અને તેમના પત્ની તુલસીબેન મજુરી કામ કરી રોજગાર મેળવે છે.

તે દરમ્યાન ગયા સોમવારે તુલસીબેને પતિ ધનપાલસિંહ પાસે કરિયાણાની અમૂક વસ્તુઓ લેવાની છે તેમ કહી પૈસા માગ્યા હતાં. તે બાબતે દંપતી વચ્ચે બોલાચાલી થઈ હતી. તે પછી મોડીરાત્રે એકાદ વાગ્યે ધનપાલસિંહ નારાજ થઈ પોતાના ઘેરથી ક્યાંક ચાલ્યા ગયા હતાં.

સામાન્ય બોલાચાલી પછી ગૃહત્યાગ કરનાર પતિની તુલસીબેને તપાસ કરી હતી પરંતુ પત્તો લાગ્યો ન હતો. તે દરમ્યાન ગઈકાલે સવારે અગિયારેક વાગ્યે જામનગર તાલુકાના વસઈ ગામની સીમમાં આવેલા એક અવાવરૃં પડેલા ખેતરમાં લીમડાના ઝાડમાં એક યુવાન ગળાફાંસો ખાધેલી હાલતમાં ટીંગાતા હોવાની કોઈએ જાણ કરતા સિકકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.આર. સીસોદીયા તથા સ્ટાફ દોડી ગયા હતાં. તેઓએ ઓઢણી વડે ગળાફાંસો ખાઈ લેનાર તે યુવાનને નીચે ઉતારી ચકાસતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતાં. મૃતકની ઓળખ મેળવવા તજવીજ કરતા મૃતક ધનપાલસિંહ રાણા હોવાનું ખુલ્યુ હતું. ત્યાં આવી ગયેલા તુલસીબેને પતિને ઓળખી બતાવ્યા હતાં. પોલીસે તેણીનું નિવેદન નોંધી તપાસનો ધમધમાટ શરૃ કર્યો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit