Advertisement
Author: નોબત સમાચાર

આરોગ્યની દૃષ્ટિએ કેરી, તરબૂચ અને સક્કર ટેટીનું મહત્ત્વ

ગ્રીષ્મ ઋતુમાં ગરમ હવામાન તથા લુ વરસતી હોય ત્યારે

                                                                                                                                                                                                      

ગ્રીષ્મ ઋતુમાં બહારનું હવામાન એકદમ ગરમ થઈ જાય છે. દિવસના લૂ વરસે છે આવા હવામાનમાં આપણો આહાર કેવો જોઈએ તે આપણે આયુવૈદ વિજ્ઞાનના મતે જોઈએ તો ગ્રીષ્મ ઋતુમાં સ્વાભાવિક પ્રક્રિયા રૂપે જ શરીર ના પિત્ત દોષની વૃદ્ધિ થાય છે. પિત્ત દોષની વૃદ્ધિ કરનાર ખારો ખાટો અને તીખો રસ આ ઋતુમાં ઓછા પ્રમાણમાં લેવો જોઈએ અને તેના સ્થાને પિત દોષનું શમન કરનારા કડવા, તૂરા અને મધુર રસોનું વધુ સેવન કરવું જોઈએ. આ ઋતુમાં ફળોના ઉપયોગ ખૂબ જ લાભદાયક છે. ફળોમાં પાકી કેરી, તરબૂચ, સક્કરટેટી, લીલી દાક્ષ, સંતરા, મોસંબી વગેરે લેવા હિતકારી છે.

ગ્રીષ્મ ઋતુમાં લોકોને સુખી થવા માટે પરમેશ્વરે આવા રસભાર અને મધુર ફળો ઉત્પન્ન કરેલા છે. આ ઉપરથી પરમેશ્વરની મનુષ્ય ઉપર કેટલી કૃપા છે તે સમજાય છે. આ ઋતુમાં આરોગ્ય જાળવવા અને શરીરની શકિત જાળવવા, વધારવા માટે પાકી મીઠી કેરીનો નિત્ય ઉપયોગ કરવો. કેરીમાં એવા ઔષધિય તત્ત્વો છે. કે જે આ ઋતુનાં દોષોને દૂર કરી મનુષ્યને પોષણ અને બળ આપે છે તથા નિરોગી રાખે છે. આંબાનો તાજો ગુંદ દાદરનો સત્વરે નાશ કરે છે. એમ જૈનગ્રંથમાં કહેલ છે.

કેરી અને તેનું વૃક્ષ અનેક રીતે ઉપયોગી છે આંબાની છાલમાંથી ઝરતો રસ ગુંદર તરીકે ઉપયોગી નિવડે છે આંબાની છાલ પાણીમાં ભીંજવી રાખી એ પાણી સ્ત્રીઓના પ્રદર (સફેદ પાણી પડવુ) રોગમાં પીવા માટે અપાય છે. આંબાના લાકડા ઈમારત કામમાં ઉપયોગ આવે છે તથા તેના પાન પણ અનેક રીતે ઉપયોગી છે. આ રીતે આંબાના દરેક અંગ અનેક રીતે ઉપયોગી છે.

આયુર્વેદને મહર્ષિ ભગવાન ચરકે પોતાના ગ્રંથ ચરક સંહિતામાં હૃદયને માટે ફાયદાકારક દશ ઔષધોમાં કેરીની પણ ગણતરી કરી છે.

આયુવૈદના યોગ રત્નાકર નામના ગ્રંથમાં કેરીને ''ફળો નો રાજા''ની સંજ્ઞા આપવમાં આવે છે. એમ કહેલું છે કે જે રીતે સ્વર્ગમાં અમૃતનું મહત્ત્વ છે તેવી રીતે આ પૃથ્વી પર કેરીનું મહત્ત્વ છે. કેરી સર્વપ્રિય અને સર્વપ્રસિદ્ધ ફળ છે. સંસારના બધા ફળોમાં ઉત્તમ અને અધિક ગણકારી કેરીનું ફળ છે. તે અનેક રોગોના નાશ કરનાર સમસ્ત ઈન્દ્રિયોને તૃપ્ત કરનાર અને મનને પ્રિય લાગે એવું ફળ છે. આ રીતે કેરી ગરમીના ઉનાળાની ઋતુમાં એક અતિ ઉપોયોગી ઉમદા મેવો છે. કેરીના અનેક (લગભગ ૧૨૦૦ જાતો છે.) પ્રકારો છે. મુખ્ય પાંચ પ્રકારમાં બતાવેલ છે. આપણે ત્યાં રત્નાગીરી, હાફુસ, કેસર, પાયરી, લંગડો, રાજાપુરી વગેરે અધિક પ્રકારમાં ખવાય છે.

કેરી

કેરીના રહેલા ગુણઃ- આયુર્વેદમાં કાચી અને પાકીના કેરીના ગુણો વિશે લંબાણપૂર્વક વર્ણન છે. પાકી મીઠી કેરીમાં વિટામિન એ, અને સી બંને પુષ્કળ પ્રમાણમાં છે. કેરીમાં સાઈટ્રિક એસિડ અને ગેલિક એસિડ પણ છે. કેરીના રસમાં રોગપ્રતિકારક શકિત (ઇમ્યૂનિટી) વધારવાનો ગુણ પણ હોય છે. પાકી મીઠી કેરીનો રસ ઠંડો ગણાય છે અને પચવામાં ભારે હોય છે. મીઠી કેરીનો રસ ઉત્તમ પિત્ત શામક તથા વાયુને હરનાર અને કફ વધારનાર છે. તે બળ તાકાત વધારે છે. અને શરીરને પુષ્ટિ આપે છે. (દુબળા મનુષ્યોને માટે તેનું વજન વધારવા કેરી સવોત્તમ છે.) કેરીના રસમાં લોહીને શુદ્ધ કરવાનો અને લોહી (હિમોગ્લોબીન તથા લાલકણ વધે છે.) વધારવાનો ગુણ છે. પાકી મીઠી કેરી ભોજન સાથે લેવાથી મેદ (ચરબી) વધે છે. પેશાબ વધારે લાવનાર છે. ઝાડો (દસ્ત) સાફ લાવનાર (જે લોકોને કબજિયાત રહેતી હોય તેમને માટે તો એ અમૃત સમાન છે.). વીર્યને અત્યંત વધારનાર, અત્યંત કામોત્તેજક, નેત્ર માટે અત્યંત હિતકારક તથા આંતરડાના રોગો, હોજરીના રોગો, લીવરના રોગમાં કેરી ઉત્તમ કાર્ય કરે છે. સારી પાકી મીઠી કેરી ટી.બી.ના દર્દીઓ માટે બહુજ ઉપયોગી છે. સારી પાકી મીઠી કેરી ખાવાથી (શરીરની ત્વચાના વર્ણને અધિક સુંદર બનાવનાર) ફાયદો થાય છે. આવી રીતે કેરી રોગી અને નિરોગી બન્ને માટે પરમ હિતકારી છે.કેરીનો 'આમ્રકલ્પ' નામનો પ્રયોગ વિધિવત કરવાથી અનેક રોગોમાં આશ્ચર્યજનક લાભ થાય છે. શરીરના સ્વાસ્થ્યના રક્ષણ માટે અને આરોગ્યની પ્રાપ્તિ માટે કેરીને સમજપૂર્વક ખાવી જોઈએ. રસ ચૂસીને ખાધેલી કેરી પચવામાં હલકી અને કાપીને ખાધેલી કેરી પચવામાં ભારે પડે છે. કેરી ઘોળીને, ચુસીને જ લેવી, કેરી ધીમે ધીમે ચૂસીને ખાવાથી વિશેષ ફળદાયી થશે. કાપેલી કેરી કે કેરીનો રસ વાયુ (ગેસ) કર્તા બનતો હોવાથી બહુ લાભકારક નથી. વધારે કેરીઓ ખાવાથી અપચો કે અજીર્ણ થાય તો પાણી સાથે સૂંઠનું ચૂર્ણ લેવાથી અથવા સંચળ સાથે જીરાનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે.

કાચી કેરી

કાચી કેરીમાં ખટાશ વધુ હોય છે કારણ કે તેમાં વિટામિન સી વધુ હોય છે. સાઈટ્રિક એસિડ વધુ હોય છે. કાચી કેરીમાંથી વિવિધ પ્રકારના અથાણા બનાવવામાં આવે છે. કાચી કેરીના અથાણા રૂચિકર હોય છે અને તેને કારણે પાચનશકિતમાં વધારો (ભુખને ખૂબ ઉઘાડનાર) થાય છે, તથા પેટને શાંતિ પમાડનાર છે. સારી જાતના મોટી કાચી કેરીના મુરબ્બો ખાવાથી તે પિત શામક અને રૂચિકારક બને છે. મુરબ્બો પૌષ્ટિક પણ છે. અને લોહીની વૃદ્ધિ પણ કરે છે.

કાચી કેરીને કુટીને ખાંડ નાખીને બનાવેલ શરબત દર બીજા કે ત્રીજા દિવસે પીવાથી લૂ લાગવી, ઉનાળાની ગરમીનો તાપ લાગવો વગેરે થી સુરક્ષા મળે છે. કાચી કેરી સાથે અથવા ખાટી કેરીના રસ સાથે દૂધનું સેવન કરવાથી નુકસાન થાય છે. ખાટી કેરી વધારે ખાવાથી તે જઠરાગ્નિને મંદ કરે, લોહીના રોગો કરે છે, કબજિયાત કરે, પેટના તથા નેત્રના રોગો પણ ઉત્પન્ન કરે છે. માટે ખાટી કેરીઓ બહુ ખાવી નહી. પાયોરીયા નામના દાંતના રોગમાં કાચી કેરીના આમુરિયા એટલે કે કાચી કેરી ની સુકવણી બનાવી એનું શાક ખાવાથી વિશેષ લાભ (દાંતને સાફ મજબુત બનાવે છે) થાય છે.

કેરીની ગોટલીઃ-કેરીની ગોટલીમાંથી નીકળતું તેલ સ્નાયુઓના દુઃખાવામાં ઘણો ફાયદો કેરે છે. ગોટલીને ભાંગીને ભુકો કરીને તો મુખવાસ તરીકે ઉપયોગ કરવાથી તે ઘણો જ આરોગ્યપ્રદ ગણાય છે. કેરીની અંદરની ગોટલીને ચૂર્ણ મધ સાથે લેવાથી દૂઝતા હરસ ઝાડા લોહીના ઝાડા (મરડો) તેમજ સ્ત્રીઓના શ્વેત પ્રદર અને રકત પ્રદર (વધારે માસિક આવવુ સફેદ પાણી પડવું) ઘણો ફાયદો થાય છે. ગોટલીના ચૂર્ણ ખાવાથી પેટના કૃમિ (કરમિયા) મરીને બહાર નીકળે છે.

તરબૂચ

તરબૂચ ઉનાળાની ગરમીથી બચવા માટે અને ઠંડક લાવવા માટે ખવાય છે. વૈશાખ અને જેઠ માસમાં જ તરબુચ ખાવા યોગ્ય થાય છે. માટે વસંત ઋતુમાં પૂરી થયા પછી જ તરબૂચનો ઉપયોગ કરવો.

તરબૂચમાં રહેલા ગુણ તથા ઔષધ તરીકે ઉપયોગઃ તરબૂચમાં તૃષા અને તરસને શાંત કરવાનો ઉત્તમ ગુણ છે. તરબૂચ શીતલ બળ આપનાર, મધુર તૃપ્તિકારક પૌષ્ટિક, પિત્તશામક, કફ વધારનાર મૂત્રલ (પેશાબ પેદા કરનાર) તથા વિશેષ કરી ને શરીરનો દાહ (બળતરા) શામક છે.પેશાબના રોગોમાં, પથરી માથાનો દુઃખાવો, ખાસી, કૃમિરોગ, નાક, દાંત અને મોંમાથી ઝરતા લોહીના સ્ત્રાવને તરબૂચ બંધ કરાવે છે. આ બધા રોગોમાં તરબૂચ અને તેના બીનો ઉપયોગ લાભકારક છે.દરેક માણસે તેની પ્રકૃતિ પ્રમાણે જ તરબૂચ ખાવા જોઈએ, તરબૂચના વિવેકહીન ઉપયોગથી કે આડેધડ તરબૂચ ખાવાથી નુકસાન થાય છે. તરબૂચ બહુ ખાવાથી મગજને શિથિલ કરી બુદ્ધિનો નાશ કરે છે. આથી જ કેટલાક લોકો તરબૂચને 'કુમતિયા' (મતિ બગાડનાર) ગણે છે.

૧) કફજ (ઠંડી) પ્રકૃતિવાળા જેમાં શરદી થતી હોય શ્વાસ તથા હેડકીના રોગવાળાએ તેમજ ચામડીના રોગવાળાએ તથા ડાયબિટીસના દરદીને તરબૂચનું સેવન હાનીકારક છે. વિશેષ કરીને સાંજના સમયે અથવા રાત્રે તરબૂચ ન જ ખાવુ જોઈએ.

સકક્કરટેટી

તાજી અને મીઠી સક્કરટેટીના ઉપયોગથી શરીરના અવયવો મજબૂત થાય છે. શરીરની ગરમી દૂર થાય છે. યાદશકિત વધે છે. વીર્ય વૃદ્ધિ થાય છે. કબજિયાત દૂર થાય છે. તથા વાત-પિત શામક છે સકકરટેટી ઉધરસ અને શરદી કરનાર છે. તેથી કકના રોગીઓએ તેની ઉપયોગ કરવો નહીં.

સંકલનઃ- વૈદ્ય ડી.પી. મહેતા, વરવાળા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh