જામજોધપુરના સડોદરમાં ત્રણ કલાકમાં સાંબેલાધાર ૭ ઈંચઃ લાલપુરમાં સવાચાર ઈંચ વરસાદ ખાબક્યો

જામનગર જિલ્લામાં ત્રણ દિવસથી મેઘો મંડાણો... આગાહીઓ સાચી!

જામનગર તા. ૧પઃ જામનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘકહેર યથાવત્ રહ્યો છે. જામજોધપુરના સડોદર ગામમાં માત્ર ૩ કલાકમાં જ સાંબેલાધાર ૭ ઈંચ વરસાદ ખાબકતા માર્ગો તથા ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતાં. જેના પગલે વાહન-વ્યવહાર બંધ થઈ ગયો હતો. આ ઉપરાંત લાલપુરમાં સવાચાર ઈંચ, કાલાવડમાં પોણાત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો.

હવામાન વિભાગે વરસાદ અંગે કરેલી મોટાભાગની આગાહી સાચી ઠરી છે. સમગ્ર હાલાર પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદથી હવે લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે અને મેઘરાજા હવે ખમૈયા કરે તેવી પ્રાર્થના ખેડૂતો તથા લોકો કરી રહ્યા છે. ચાલુ સિઝનમાં વધુ વરસાદ પડતા પાકને નુક્સાન પહોંચતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે.

જામનગર જિલ્લામાં ગઈકાલે પણ સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. નગરમાં ગઈકાલે બપોરે પલટાયેલા હવામાનના પગલે નભમાં વરસાદી વાદળોનો જમાવડો થવા લાગ્યો હતો. ત્યારપછી નગરમાં રર મી.મી. વરસાદ પડ્યો હતો. કાલાવડમાં પોણાત્રણ ઈંચ, લાલપુરમાં સવાચાર ઈંચ, ધ્રોળમાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો, જ્યારે જામજોધપુર અને જોડિયામાં વરસાદી છાંટા પડ્યા હતાં.

જામજોધપુરના સડોદર ગામમાં મેઘરાજાનું રૌદ્ર રૃપ જોવા મળ્યું હતું. જેમાં સાંજે ૪ થી ૭ વાગ્યા દરમિયાન માત્ર ત્રણ કલાકમાં જ સાંબેલાધાર ૭ ઈંચ વરસાદ ખાબકતા સર્વત્ર પાણી ભરાઈ જતા વાહન-વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. જેના પગલે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સમાણામાં પણ સવાસાત ઈંચ વરસાદ વરસ્યો હતો. જેના પગલે ખેતરો અને માર્ગો પર પાણી ભરાઈ ગયા હતાં.

જામનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ પડ્યો હતો જેમાં જામનગરના વસઈમાં ૧૦ મી.મી., લાખાબાવળમાં ૧પ મી.મી., મોટીબાણુંગારમાં રપ મી.મી., ફલ્લામાં ૧૮ મી.મી., જામવંથલીમાં ૧પ મી.મી., ધુતારપુરમાં પ૦ મી.મી., અલિયાબાડામાં ર૮ મી.મી. અને દરેડમાં ર૦ મી.મી. વરસાદ પડ્યો હતો.

જોડિયા તાલુકાના હડિયાણામાં ૩ મી.મી., બાલંભામાં ૧પ મી.મી., પીઠડમાં ૬૦ મી.મી., ધ્રોળ તાલુકાના લતીપુરમાં ૬ મી.મી., લૈયારામાં ૭ મી.મી. અને જાલિયા દેવાણીમાં રપ મી.મી. વરસાદ થયો હતો.

કાલાવડ તાલુકાના નિકાવામાં ૧૦ મી.મી., ખરેડીમાં ર૦ મી.મી., ભ.બેરાજામાં ર૦ મી.મી., નવગામમાં ૧પ મી.મી., મોટાવડાળામાં ૩૦ મી.મી. અને મોટા પાંચદેવડામાં ૧પ મી.મી. વરસાદ પડ્યો હતો.

જામજોધપુરના શેઠવડાળામાં ૭૮ મી.મી., જામવાડીમાં ૩ર મી.મી., વાંસજાળિયામાં ૭પ મી.મી., ધુનડામાં ૪૦ મી.મી., ધ્રાફામાં ર૦ મી.મી., પરડવામાં ૮૦ મી.મી. વરસાદ થયો હતો.

લાલપુરના પીપરટોડામાં ૧૭ મી.મી., પડાણામાં ૧પ મી.મી. ભણગોરમાં ૬ મી.મી., મોટા ખડબામાં ૧૦પ મી.મી. મોડપરમાં ૮ મી.મી., ડબાસંગમાં ૮ર મી.મી. વરસાદ પડ્યો હતો.

close
Ank Bandh
close
PPE Kit