હાલારમાં લોકડાઉનનો કડક અમલઃ બજારો બંધઃ માર્ગો-સંકુલો સૂમસામ

જામનગર તા. રપઃ કોરોના વાઈરસને ફેલાતો રોકવા માટે પૂરા ભારત દેશમાં ગત્ મધ્ય રાત્રિથી લોકડાઉન કરવામાં આવ્યું છે. આ દરમિયાન જામનગરની સરકારી હોસ્પિટલમાં સૌરાષ્ટ્ર-કચ્છમાંથી પરીક્ષણ માટે આવેલા શંકાસ્પદ દર્દીના કુલ રર નમૂનામાંથી રાજકોટના બે દર્દીના રિપોર્ટ પોઝિટિવ મળ્યા હતાં, જો કે હાલારના ત્રણેય શંકાસ્પદ કેસ નેગેટીવ મળ્યા હતાં.

ગુજરાત પછી સમગ્ર દેશ લોકોડાઉન થતા હાલારમાં પોલીસે અનેક લોકો જે કારણ વગર રખડતા હતાં તેને ઘરભેગા કર્યા હતાં. સમગ્ર હાલારમાં લોકડાઉન અન્વયે પોલીસ દ્વારા ચૂસ્ત અમલવારી કરાવવામાં આવી રહી છે, જો કે આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ખૂલ્લી રાખવાની મંજુરી આપવામાં આવતા લોકોને રાહત મળી રહી છે.

કોરોના વાઈરસ કાળો કેર વર્તાવી રહ્યો છે. ગત્ મધ્ય રાત્રિના ૧ર વાગ્યાથી સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, જો કે આગલા દિવસે જ સમગ્ર રાજ્યમાં લોકડાઉનની અમલવારી કરવામાં આવી હતી. પરિણામે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકડાઉનની ચુસ્ત અમલવારી કરાવવામાં આવી રહી છે.

જામનગરમાં ગઈકાલે સદંતર બંધ જોવા મળ્યું હતું. માર્ગો સુમસામ જણાતા હતાં. ક્યાંક એકલ-દોકલ વ્યક્તિઓ રસ્તા ઉપર પસાર થતાં જોવા મળ્યા હતાં. આ સિવાય માર્ગો ખાલી ખાલી જોવા મળ્ઠા હતાં.

આ ઉપરાંત કામ વગર રસ્તા ઉપર રખડતા લોકોને પણ પોલીસે અટકાવીને ઘરભેગા કરી દીધા હતાં, જો કે દૂધ, શાકભાજી, રાશન, કરિયાણા, મેડિકલ સ્ટોર્સની સેવા યથાવત્ ઉપલબ્ધ હતી.

જામનગર ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ લોકડાઉનની જબરી અસર જોવા મળી હતી. જિલ્લાના દ્વારકા, ખંભાળિયા, ઓખા, કલ્યાણપુર, ભાટિયા, ભાણવડ સહિતના નગરો ઉપરાંત સમગ્ર જિલ્લામાં બંધ સજ્જડ રહ્યું હતું.

પોલીસ દ્વારા સમગ્ર હાલારમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ દરમિયાન ગત્ સાંજે ખુદ જિલ્લા કલેક્ટર રવિશંકર અને પોલીસ અધિકારીઓ શહેરના રાઉન્ડમાં નીકળ્યા હતાં અને જરૃર જણાય ત્યાં લોકોને જરૃરી જાણકારી પૂરી પાડી લોકોને ઘરે જવાની ફરજ પાડવામાં આવી હતી. એકંદરે સમગ્ર હાલારમાં શાંતિ માટે લોકડાઉનની અમલવારી થઈ રહી છે.

close
Nobat Subscription