જામનગર તા. ૩ઃ જામનગરના વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ગણાત્રાના નવયુવાન પુત્ર ગુંજનના આકસ્મિક નિધન અંગે રાજ્યના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ શોક સંદેશા સાથે ગણાત્રા પરિવારને સાંત્વના પાઠવી હતી, અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નામની સંસ્થામાં વિદ્યાર્થીકાળ દરમ્યાન સાથે રહીને સંગઠનનું કામ કર્યા ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં પણ જેઓએ સાથે કામ કર્યું હતું, તેવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીએ ગુંજનના નિધન અંગે શોકની લાગણી વ્યક્ત કરી હતી, અને ગાંધીનગરથી ટેલિફોન પર સાંત્વના પાઠવી હતી.
રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સના સિનિયર ગ્રુપ પ્રેસિડેન્ટ પરિમલભાઈ નથવાણી હાલ વિદેશમાં છે. તેમણે પણ ગિરીશભાઈ સાથે ટેલિફોન પર વાતચીત કરી ગુંજનના અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી ગણાત્રા પરિવારને દિલસોજી પાઠવી હતી.
ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ, પણ હાલ ગાંધીનગરમાં હોવાથી તેમણે પણ ટેલિફોનિક શોક સંદેશો પાઠવ્યો હતો, અને ગણાત્રા પરિવારને સાંત્વના આપી હતી.
એસ્સારના વરિષ્ઠ અધિકારી મુંબઈ સ્થિત મનિષભાઈ કેડિયાએ પણ ટેલિફોન પર ગુંજનના નિધન અંગે દુઃખ અને આઘાતની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.